વંદે ગુજરાત વિકાસ યાત્રા’ રથનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત

સુરતઃ સરકારના વિકાસકાર્યોની મહેંક જન-જન સુધી પહોંચે તે માટે આયોજિત ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’ના દશમા દિવસે ગૃહરાજયમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી તથા મેયર શ્રીમતી હેમાલીબેન બોધાવાલાએ સુરત શહેરના સીટીલાઈટ ખાતે અણુવ્રત દ્વાર ફલાય ઓવર બ્રિજ પાસે વિકાસયાત્રા રથને શ્રીફળ વધેરી રથના વધામણા કર્યા હતા. 

આ પ્રસંગે શહેરીજનોની સુખાકારી માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૨૧ ખાતે રસ્તા, ગટર, લાઈટ સહિતના વિકાસકામો માટે રૂ.૧૩.૩૨ લાખના ખર્ચે બે કામોનું ખાતમુહૂર્ત મંત્રીશ્રીના વરદ્દ હસ્તે કરાયું હતું. આ પ્રસંગે મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો એનાયત કરાયા હતા.

આ પ્રસંગે ગૃહરાજયમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી જણાવ્યું કે, “વંદે ગુજરાત વિકાસ યાત્રા” ગુજરાતમાં છેલ્લા બે દાયકા દરમિયાન થયેલા વિકાસકામોની માહિતી મેળવવાનું માધ્યમ બની છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની રાહબરી હેઠળ ગુજરાતની વિકાસયાત્રા અવિરત ચાલી રહી છે. રાજયમાં શાંતિ અને સલામતીની વ્યવસ્થા પણ સુદ્રઢ થઇ છે. લાઈટ, વિજળી, પાણી, ગેસ, આવાસ સહિતની અનેક જનસુવિધાના આ સર્વાંગી વિકાસના લાભો અદના માનવીઓને મળી રહ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

શ્રીમતી હેમાલીબેન બોધાવાલા

વધુમાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ”વંદે ગુજરાત વિકાસ યાત્રા” ગૌરવ અને સ્વાભિમાનનો કાર્યક્રમ છે. નાગરિકોને કેન્દ્રમાં રાખી સુરતનો વિકાસ પણ તેજગતિથી થઈ રહ્યો છે. ગુજરાતની સાથોસાથ સુરતે વિકાસના ઉચ્ચ શિખરો સર કર્યા છે. છેવાડાના ગામડાઓ સુધી ‘નલ સે જલ’ યોજનાથી ઘર ઘર સુધી નળ વાટે પાણી પહોંચાડ્યું હોવાનું તેમણે કહ્યું હતું.

આ પ્રસંગે મ્યુ.સદસ્યશ્રીઓ, મ્યુ.અધિકારીશ્રીઓ, આંગણવાડીની બહેનો, લાભાર્થીઓ તથા સ્થાનિક નગરજનો ઉપસ્થિત રહયા હતા.