તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપના મૃતકોની આત્માની શાંતિ માટે વિદ્યાર્થીઓએ કર્યો મહામૃત્યુંજય મંત્રનો જાપ
જી. ડી.ગોયેન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા કરાયું શ્રધ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન, વિદ્યાર્થીઓને ભૂકંપ વખતે શું કરવું એ વિશે માહિતગાર કરાયા
સુરત: તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપને લઈ વેસુ સ્થિત જી. ડી.ગોયેન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આજરોજ વિદ્યાર્થીઓ માટે ભૂકંપ પર વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ભૂકંપમાં મૃત્યુ પામનારા મૃતકોની આત્માની શાંતિ માટે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવા સાથે જ શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ અંગે માહિતી આપતા ડાયરેકટર પ્રિન્સિપાલ શ્રીમતી જયશ્રી ચોરારીયા એ જણાવ્યું હતું કે દેશ દુનિયામાં થતી ઘટનાઓ અંગે વિદ્યાર્થીઓ માહિતગાર થાય તે માટે જી. ડી.ગોયેન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ હંમેશા વિશેષ સત્રનું આયોજન કરતું હોય છે. ત્યારે તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપ ને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓ માટે ભૂકંપ પર વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રમાં સ્કૂલના 124 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સત્રની શરૂઆતમાં ભૂકંપમાં માર્યા ગયેલા મૃતકોની આત્માની શાંતિ માટે વિદ્યાર્થીઓ દ્વારા મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવામાં આવ્યો હતો અને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે ઘાયલો માટે તેઓ વહેલા સાજા થયા તે માટે પણ પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓને ભૂકંપ કેવી રીતે આવે છે અને ભૂકંપ દરમિયાન બચવા માટે શું કરવું તે વિશેની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.