સુરત: સુરત હવે સ્પોર્ટ્સ એક્ટિવિટી ક્ષેત્રે પણ આગળ વધી રહ્યું છે સુરતની એવી અનેક પ્રતિભાવ છે કે જેઓ પોતાના પ્રદર્શનથી સુરત અને ગુજરાત જ નહીં પણ ભારતનું નામ પણ વૈશ્વિક સ્તરે ગૌરવંતું કરી રહ્યા છે. ત્યારે સુરતના ગાયનેેકોલોજીસ્ટ ડોક્ટર મીના વાંકાવાલા એ વધુ એક વખત સુરતને ગૌરવ અપાવ્યું છે. તેવો આગામી ઓક્ટોબર મહિનામાં હવાઈ ખાતે યોજાનાર આયર્ન મેન સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યા છે. અતિ કઠિન ગણાતી આ ટ્રાઈથ્લોન સ્પર્ધામાં તેઓ એક જ દિવસમાં ચાર કિલોમીટર સ્વિમિંગ, 180 km સાયકલિંગ અને 42 કિલોમીટર રનીંગ કરશે. ડૉ. મીના વાંકાવાલા આ સ્પર્ધા માટે ભારતમાંથી કવાલિફાય થનાર પ્રથમ મહિલા છે.
ડોક્ટર મીના વાંકાવાલા સુરતમાં છેલ્લા 25 વર્ષથી ગાયનેકોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છે. જ્યારે તેમના પતિ ડૉ.નૈનેશ વાંકાવલા ઓર્થોપેડિક સર્જન છે. આ ડોક્ટર દંપત્તિ સ્પોર્ટ્સ પ્રત્યે ઘણો લગાવો ધરાવે છે. ડૉ.નૈનેશ વાંકાવાલા અને ડૉ.મીના વાંકાવાલા વર્ષ 2010 થી અલગ અલગ મેરાથોન દોડમાં ભાગ લઈ ચૂક્યા છે. અને હવે ડૉ.મીના વાંકાવાલા અતિ કઠિન ગણાતી અને મેરેથોન કરતા એક પગલું ઉપર એવી ટ્રાઈથ્લોન એટલે કે આયર્ન મેન સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. ઓલમ્પિક, હાફ આયર્ન મેન સ્પર્ધામાં ડોક્ટર મીના વાંકાવાલા માત્ર સ્પર્ધક જ નહીં રહ્યા પણ પ્રથમ ક્રમે વિજેતા પણ રહ્યા છે. ગોવા અને કઝાકિસ્તાન ખાતે યોજાયેલ આયર્ન મેન સ્પર્ધામાં તેઓ આ શાનદાર દેખાવ કરી ચૂક્યા છે. જેને પગલે હવે આગામી ઓક્ટોબર મહિનામાં હવાઈ ખાતે યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ આયર્ન મેન સ્પર્ધા માટે તેમની પસંદગી થઈ છે. જ્યાં તેઓ એક જ દિવસમાં 15 કલાક દરમિયાન પહેલા ચાર કિલોમીટર સ્વિમિંગ ત્યારબાદ 180 કિલો મીટર સાયકલિંગ અને 42 કિલોમીટર રનીંગ કરશે. વધુમાં ડૉ.નૈનેશ વાંકાવાલાએ જણાવ્યું હતું કે ભારતમાં ઘણી મહિલાઓએ આયર્ન મેન સ્પર્ધામાં ભાગ લીધો છે પરંતુ 50 થી 54 વર્ષની શ્રેણીમાં મીના વાંકાવાલા પહેલી મહિલા છે. આ આયર્ન મેનની વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ભારતમાંથી કવાળીફાય થનાર પ્રથમ મહિલા તરીકે નું બહુમાન પણ ડૉ.મીના વાંકાવાલાએ મેળવ્યું છે.
ડોક્ટર મીના વાંકાવાલાએ જણાવ્યું હતું કે આ માટે તેઓ સતત આકરી પ્રેક્ટિસ કરી રહ્યા છે. આજથી પાંચ વર્ષ અગાઉ તેમણે સ્વિમિંગ આવડતું ન હતું એટલું જ નહીં પણ થોડું ઘણું સાઇકલિંગ જાણતા હતા જોકે સતત પ્રેક્ટિસ અને અલગ અલગ જગ્યાએ યોજાયેલ આયર્ન મેન સ્પર્ધાઓમાં ભાગ લઈ તેવો હવે સ્વિમિંગ સાયકલિંગ અને રનીંગમાં માહેર બની ગયા છે. આજે તેઓ નદી કે દરિયામાં ચાર કિલોમીટર સુધી સતત સ્વિમિંગ કરી શકે છે એટલું જ નહીં 180 km સાયકલિંગ અને 42 કિલોમીટર રનિંગ પણ તેઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી શકે છે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ આ ટાસ્ક પૂર્ણ કરવાની આશા ડોક્ટર મીના વાંકાવાલા એ વ્યક્ત કરી હતી. વધુમાં ડૉ.મીના વાંકાવાલાએ જણાવ્યું હતું કે આ બધું પતિ ડૉ.નૈનેશ વાંકાવાલાના સહયોગ વિના શક્ય ન હતું. તેમણે ડગલે ને પગલે આત્મવિશ્વાસ વધારવા સાથે તમામ પરિસ્થિતિમાં સાથ આપ્યો છે અને તેને કારણે જ આજે આ સ્ટેજ સુધી હું પહોંચી શકી છું.