બ્રહ્મા કુમારીઝ સિટીલાઈટ દ્વારા 1થી 9 ડિસેમ્બર સુધી “અલવિદા તણાવ” હેપ્પીનેસ પ્રોગ્રામનું આયોજન

સુરત. લોકોમાં વધી રહેલા માનસિક તણાવ અને શરીર સંબંધિત સમસ્યાઓને ધ્યાનમાં રાખી બ્રહ્મા કુમારીઝ સિટીલાઈટ સુરત દ્વારા નવ દિવસીય અલવિદા તણાવ હેપ્પીનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોગ્રામ 1 ડિસેમ્બર થી 9 ડિસેમ્બર સુધી સવારે 6:30 વાગ્યાથી 8:00 વાગ્યા દરમિયાન યોજાશે. ઇન્દોરની બ્રહ્માકુમારી પૂનમ બેન દ્વારા આ કાર્યક્રમ પાછલા 25 વર્ષોથી દેશના વિવિધ શહેરોમાં યોજવામાં આવી રહ્યો છે. આ વર્ષે સિલ્વર જ્યુબલીની ઉજવણીના ઉપલક્ષ્યમાં આ નવ દિવસીય હેપ્પિનેસ પ્રોગ્રામનું સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

બ્રહ્માકુમારી પૂનમ બેન ( સીએસ) એ એક પ્રસિદ્ધ તણાવ મુક્ત જીવન શૈલી નિષ્ણાંત છે અને નિસ્વાર્થ ભાવે તેઓ દેશવાસીઓને માર્ગદર્શન પુરૂ પાડી રહ્યા છે. આ પ્રોગ્રામમાં ડાયાબીટીઝ, ડિપ્રેશન, બ્લડ પ્રેશર, હૃદય રોગ અને તણાવ જેવી અનેક બીમારીઓથી મુક્તિ મેળવવા આધ્યાત્મિક જીવનશૈલી કેવી રીતે ઉપયોગી થાય છે તેના પ્રભાવ અંગે ચર્ચા કરવામાં આવશે. નવ દિવસ સુધી રોજ ચિંતા રહિત જીવનશૈલી, ખુશીઓ સાથે મુલાકાત, ગહન ઈશ્વરીય અનુભૂતિ, સુખી જીવનનું રહસ્ય જેવા અલગ અલગ વિષયો પર ચિંતનની સાથે જ મેડિટેશનની ગહન અનુભૂતિ કરાવવામાં આવશે. આ પ્રોગ્રામ દરેક વર્ગ અને ઉંમરના લોકો માટે છે અને સંપૂર્ણ રીતે વિનામૂલ્ય છે.