ડો. અટોદરિયાએ વિકસિત કરેલાં નવા આધુનિક ડિવાઇસ હેર ટ્રાન્સપ્લાન્ટ દર્દીઓ અને સર્જનો માટે વરદાન
હેર ટ્રાન્સપ્લાન્ટ માટે ડો. અટોદરિયાની ઐતિહાસિક સિઘ્ઘી, બે નવા સાધનોની શોધ કરી
નવા ડિવાઈસની મદદથી હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર માટે માથામાં નાખેલા વાળના મૂળની સંખ્યા જાણવી એકદમ સરળ બની, દર્દીના છેતરાવવાની શક્યતાને નિવારી શકાશે
આ સંશોધન હેર ટ્રાન્સપ્લાન્ટની ઇન્ટરનેશનલ જનરલ ISHRSમાં હાલમાં જ પ્રકાશિત થયું છે, તેમજ આ નવા સંશોધનોના પેટન્ટના રજીસ્ટ્રેશન માટે અરજી કરી છે
સુરત : સુરત શહેરના ખૂબ જ અનુભવી અને જાણીતા કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જન ડો. પ્રદીપ અટોદરિયાએ હેર ટ્રાન્સપ્લાન્ટ માટે બે નવા ડિવાઈસ(ઉપકરણો)ની શોધ કરી છે. આ ડિવાઇસની મદદથી હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર વ્યક્તિને તેમની ટાલમાં થયેલા પ્રત્યારોપણ થયેલા વાળના મૂળની સંખ્યા તથા તેની ક્વોલિટી ખૂબ જ સચોટ રીતે જાણી શકાશે. આ ઉપરાંત વાળના પ્રત્યારોપણ માટે પાડવામાં આવતા કાણાંની સંખ્યા પણ તેમની નજર સામે જ ગણાતી જોઈ શકાશે, જેથી કરીને તેમને છેતરાઈ જવાની શક્યતા પણ રહેશે નહીં. નવા આધુનિક ડિવાઇસ હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જનો માટે વરદાન સમાન છે.
હેર ટ્રાન્સપ્લાન્ટની પ્રોસિજર સામાન્ય રીતે પ્લાસ્ટિક સર્જન અથવા ડર્મેટોલોજિસ્ટ દ્વારા કરવામાં આવે છે. તેનો ખર્ચ ટાલ પર નાખેલા વાળ અથવા મૂળિયા પ્રમાણે ગણવામાં આવે છે. જેને દર્દી માટે ગણવા શક્ય નથી અને તેમાં દર્દીઓને છેતરાવાની સંભાવના રહેલી છે. ડો. અટોદરિયાનું માનવું છે કે, આજની તારીખે સુરત-ગુજરાત-ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં લગભગ 40% થી 50% હેર ટ્રાન્સપ્લાન્ટ ક્લિનિકો ફક્ત ટેકનિશિયન દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે. જેમાં કોઈ પ્લાસ્ટિક સર્જન કે ક્વોલિફાઇડ ડોક્ટરો હોતા નથી.
હેર ટ્રાન્સપ્લાન્ટમાં વાળના મૂળ કાઢવાની પ્રક્રિયા અને વાળ રોપવા માટે કાણાં પાડવાની પ્રોસીજર ફક્ત ડોક્ટરો જ કરી શકે. પાડેલા કાણામાં વાળ રોપવાનું કામ જ ટેકનિશિયન કરી શકે. આ ઉપરાંત સમગ્ર વિશ્વમાં ઘણા બધા હેર ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરોમાં ડોક્ટર મોટાભાગની પ્રોસિજર ટેકનીશિયનોને સોંપી દે છે અને પોતે કંઈ જ કરતા નથી, જે ખરેખર અયોગ્ય અને ગેરકાયદેસર છે. આમ સમગ્રપણે જોતા દર્દી માટે છેતરાવાની સંભાવના રહેલી છે. આ સંભાવના સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે ડો. પ્રદીપ અટોદરિયાએ બે સાધનોની શોધ કરી છે.
(1) સ્માર્ટ સ્ટોરેજ ડિવાઇસ :
આ ડિવાઇસ દ્વારા વાળના મૂળ ખૂબ જ સારી રીતે ગણતરીપૂર્વક ક્રોનોલોજીકલ ઓર્ડરમાં એવી રીતે ગોઠવાય છે કે જેમાં એક, બે, ત્રણ કે વધુ વાળ વાળા મૂળની સંખ્યા અને તેની ક્વોલિટી ખૂબ જ સરળતાથી જાણી શકાય છે અને તેને લીધે વાળને નુકસાન પણ થતું નથી. તમામ વાળના મૂળને ક્રમમાં ગોઠવવામાં આવે છે અને વાળના મૂળને માત્ર એક જ વખત હેન્ડલ કરવામાં આવે છે. આ રીતે વાળ નાખવામાં પણ સરળતા રહે છે. દર્દીને આ સ્ટોરેજ ડિવાઇસના ફોટા પાડીને બતાવવાથી તેમને પોતાને ખાતરી થાય છે કે, કેટલા મૂળિયા નાખ્યાં છે. અલગ-અલગ અને કુલ વાળના મૂળિયાની ગણતરી માટે માત્ર એક ટેકનિશિયનની જરૂર છે. આનાથી પરિણામ પણ સારું મળે છે.
(2) સ્લીટ કાઉન્ટિંગ ડિવાઇસ :
વાળના મૂળિયા રોપવા માટે કાણાં પાડવા જરૂરી છે. આ ડિવાઇસ ઓટોક્લેબલ છે. તે નાઇફ, નીડલ અને મલ્ટીપલ નાઇફ પકડી શકે છે અને તેમાં દરેક પ્રકારની સ્લિટ્સ શક્ય છે. સિંગલ, ડબલ અને બહુવિધ વાળના મૂળ માટેના સ્લિટ્સને અલગથી ગણી શકાય છે. આ મશીનથી કાણાં પાડતા મશીનનું ડિજિટલ કાઉન્ટર(જે દર્દીને દેખાઈ તે રીતે મૂકવામાં આવેલું હોય છે) માં કાઉન્ટ થાય છે અને દર્દી તે જોઈ શકે છે. નંબર પૂરો થવા પર બઝર તમને જાણ કરે છે. ઉપકરણનું વજન તમને સ્લિટ બનાવવામાં મદદ કરે છે. આમ એકંદરે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર વ્યક્તિને છેતરાવવાની સંભાવનાઓ રહેતી નથી.
ડો. અટોદરિયાએ જણાવ્યું હતું કે, તેમનું આ સંશોધન હેર ટ્રાન્સપ્લાન્ટની ઇન્ટરનેશનલ જનરલ ISHRSમાં 2024ના જાન્યુઆરીમાં પ્રકાશિત થયેલું છે, જે માટે તેઓ હર્ષ સાથે ગૌરવની લાગણી અનુભવે છે. આ ઉપકરણ શિખાઉ હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જનો માટે વરદાન છે. આ સંશોધનોને એશિયાની કોન્ફરન્સ FUE 2024 માં પણ રજૂ કરવામાં આવ્યું છે. આ સંશોધનોના પેટન્ટ કરાવવા માટે તેમણે ભારત સરકારમાં રજીસ્ટ્રેશન માટે અરજી કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડો. અટોદરિયાએ આ પહેલાં ભારત સરકાર પાસે પોતાના બે સાધનો માટે પેટન્ટ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં (1) વાળ રોપવા માટે એક સાથે 10 કાણાં પાડી શકે તેવું સાધન અને (2) વાળ રોપવા માટેનું ઈમ્પ્લાન્ટર સામેલ છે.