સુરત. સ્ટાર્ટઅપને પ્રમોટ કરવા તેમજ સ્ટાર્ટઅપને મેન્ટરિંગ, ઈક્યુબેશન, એજ્યુકેશન, ફડિંગ અને નેટવર્કિંગ કરવા માટેની દક્ષિણ ગુજરાતમાં કામગીરી કરી રહેલી સુરતની સંસ્થા ટાઈ (ઈન્ડસ આંત્રપ્રિન્યોર ) દ્વારા સુરતના સ્ટાર્ટઅપ વિશે રોકાણકારો માહિતગાર બને તે માટે પ્રથમ વખત સુરતના આંગણે બે દિવસીય ટાઈકોન (ટાઈ કોન્ફરન્સ)નું આયોજન કરવામાં આવ્યું હતું. શુક્રવારે મેરિયોટ હોટલ અઠવાલાઇન્સ ખાતે આ કોન્ફરન્સની શરૂઆત થઈ હતી અને શનિવારે સમાપન થયું હતું. શનિવારે કાર્યક્રમમાં 100 જેટલા ઇન્વેસ્ટરો સામે શહેરના સ્ટાર્ટઅપ દ્વારા પોતાના પ્રોજેક્ટ-આઇડિયા રજૂ કરવામાં આવ્યા હતા. સાથે જ અવસરે દેશના ટોપ 20 આંત્રપ્રિન્યોર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની થીમ ‘એમ્પાવરિંગ ફ્યુટરપ્રિન્યોર્સ’ રાખવામાં આવી હતી. જેમાં વિશ્વભરના ટાઇ સદસ્યો, ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટ-અપના સંસ્થાપકો, એન્જલ ઇન્વેસ્ટર્સ, વેન્ચર કેપિટાલિસ્ટ, સ્ટાર્ટ-અપ મેન્ટર્સ, સરકારી અધિકારીઓ, ડિપ્લોમેટ્સ સહિતના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સ્પીકર તરીકે 100 x.vc ના ફાઉન્ડર અને પાર્ટનર સંજય મહેતા, કો ફાઉન્ડર ઓફ NASSCOM, ફાઉન્ડર અને એક્ઝિક્યુટિવ ચેરમેન ઓફ ઓનવર્ડ ટેક્નોલોજીસ લિમિટેડ હરીશ મહેતા, ફાઉન્ડર અને જોઇન્ટ એમડી નઝારા ટેક્નોલોજીસ લિમિટેડ નીતીશ મિટર્સાઈન, ટાઇ ગ્લોબલ બોર્ડ ઓફ ટ્રસ્ટીસ ના ચેરમેન બી. જે. અરુણ, ટાઇ ગ્લોબલ બોર્ડ ઓફ ટ્રસ્ટીસના વાઇસ ચેરમેન મુરલી બુક્કાપટનમ અને ટાઇ ઇન્ડિયા એન્જલસ ના ચેરમેન મહાવીર પ્રતાપ શર્મા ઉપસ્થિત રહ્યા હતા અને બીજા 30 થી વધારે સ્ટાર્ટઅપ ફાઉન્ડર અને વેંચર કેપિટલિસ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં એક સ્ટાર્ટઅપ પેવેલિયન પણ બનાવવામાં આવ્યું હતું. જેમાં સુરતના ટોપ 24 જેટલા સ્ટાર્ટઅપ પસંદ કરીને આ પ્રદર્શનમાં મુકવામાં આવ્યા હતા. જેથી લોકો આ સ્ટાર્ટઅપ વિશે જાણી શકે અને રસ પડે તો રોકાણ પણ કરી શકે.
આજ રોજ કુલ 25 સ્ટાર્ટઅપે પીચ કર્યું હતું. જે પૈકી ટોપ ના પાંચ સ્ટાર્ટઅપ દ્વારા 3 થી 10 કરોડ ના રોકાણની આશા વ્યક્ત કરી હતી. જ્યારે અન્ય 20જેટલા સ્ટાર્ટઅપે પીચ કરતા 50 લાખથી એક કરોડ રૂપિયાના રોકાણની આશા વ્યક્ત કરી હતી. તમામ રોકાણકારો ને સુરતના પ્રોજેક્ટ અને આઈડિયા ગમ્યા હતા અને રોકાણ માટેનો રસ પણ દાખવ્યો હતો. આગામી દિવસોમાં ફરી એક કાર્યક્રમમાં આયોજન થકી સ્ટાર્ટઅપ અને રોકાણકારો ને એક મંચ પર લાવવામાં આવશે. સુરત ટાઈના પ્રેસિડેન્ટ કશ્યપ પંડ્યાએ જણાવ્યું હતું કે સુરતના ઉદ્યોગ સાહસિકોના આઈડિયાને માર્ગદર્શન આપી શકાય અને રોકાણ માટે સહાય કરી શકાય તે માટે આ આયોજન કરાયું હતું.