આંખો પર પટ્ટી બાંધી દોડ્યા મેરેથોનમાં, અંધજન પાસે નહીં સાથે ઉભા રહેવાનો આપ્યો સંદેશ

પ્રોગ્રેસિવ ફેડરેશન ફોર ધ બ્લાઈન્ડ સંસ્થા દ્વારા કરાયું અવરોધક મેરેથોનનું આયોજન

સુરત: અંધજનો પડતી મુશ્કેલીઓ અને તેમની સમસ્યા વિશે સમાજ જાગૃત થાય અને અંધજનો વહારે આવે તેવા ઉદ્દેશ્ય સાથે આજરોજ અંધજનોની સંસ્થા પ્રોગ્રેસિવ ફેડરેશન ફોર ધ બ્લાઈન્ડ દ્વારા અવરોધક મેરેથોન દોડનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં સામાન્ય લોકો આંખો પર પટ્ટી બાંધી  દોડ્યા હતા. જેથી અંધજનો ને પડતી મુશ્કેલીઓ વિશે તેઓ જાણી શકે. આ દૌડ માં 500 થી વધુ જણાએ ભાગ લીધો હતો.

સંસ્થા વતી રામકૃષ્ણ પંડ્યાએ જણાવ્યું હતું કે સંસ્થાના સચિવ હબીબ કીનખાબવાલા અને રવિન પોરાણીયા એ મળી આ આયોજન કર્યું હતું. મગદલ્લા સ્થિત એસ. ડી.જૈન સ્કૂલ ખાતેથી મેરેથોન દોડનું આયોજન કરાયું હતું. આ દોડનું આયોજન કરવાનું મુખ્ય કારણ એ હતું કે આજે સમાજમાં અંધજનો ની પોતાની કેટલીક સમસ્યાઓ અને પ્રશ્નો છે જે વિશે સમાજને પણ ખબર પડે અને સમાજ અંધજનો પાસે નહીં પણ સાથે ઉભો રહે તે સંદેશ સમાજ સુધી પહોંચાડવાનો હતો. એટલું જ નહીં પ્રોગ્રેસિવ ફેડરેશન ફોર ધ બ્લાઈન્ડ સંસ્થા દ્વારા અંધજનો માટે ઓલ્ડ એજ હોમ, એજ્યુકેશન અને એમ્પ્લોયમેન્ટ ના લક્ષ્ય સાથે કામ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત અડાજણ વિસ્તાર માં વૃદ્ધાશ્રમ શુરુ થઇ ચૂક્યું છે. ત્યારે આ માટે સમાજ દ્વારા વધુ ને વધુ સહયોગ મળી રહે તે હેતુથી પણ આ ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું.