ગજેરા ગ્લોબલ શાળામાં સુસા આર્ટ ફિયેસ્ટાની ભવ્ય ઉજવણી થઈ

ગજેરા ગ્લોબલ શાળામાં તારીખ ૨૦-૨૧ જાન્યુઆરીએ સુરત અનએડેડ સ્કૂલ એસોસિયેશન દ્વારા આર્ટ ફિયેસ્ટાનું ભવ્ય આયોજન થયું હતું. જેમાં સુરતની લગભગ ૨૦ શાળાના વિદ્યાર્થીઓએ અંડર ૧૦, અંડર ૧૪ અને અંડર ૧૯ કેટેગરીમાં નૃત્ય, સંગીત, નાટક અને ચિત્રકલાની સ્પર્ધાઓમાં રસપૂર્વક ભાગ લઈ અભિવ્યક્તિઓ પ્રસ્તુત કરી હતી. ગજેરા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી ચુનીભાઈ ગજેરા, અને કુમારી કિંજલ ગજેરા સહિત મુખ્ય મહેમાન તરીકે તાપ્તી વેલી સ્કૂલના ટ્રસ્ટી શ્રી પ્રમોદકુમાર ચૌધરી તથા સીએફઓ શ્રી નવીન જાવલા, ફાઉન્ટેન હેડ સ્કૂલના ટ્રસ્ટી શ્રી અંકિતા કાબરા તથા સ્કૉલર ઇંગ્લિશ એકેડમીનાં ટ્રસ્ટી શ્રી રાજેશ માહેશ્વરી ઉપસ્થિત રહયાં હતાં. સાથે પોતાની કલાથી પ્રસિદ્ધિને વરેલા સુરતના વિવિધ કલાકારોને જજ રૂપે આમંત્રિત કરવામાં આવ્યાં હતાં. આર્ટ ફિયેસ્ટાની તમામ સ્પર્ધા ‘દેશભક્તિ’ થીમ પર આધારિત હતી. જજ દ્વારા ભાગ લેનાર ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓનાં પ્રસ્તુતિકરણને બિરદાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવો, તેમનામાં રહેલી પ્રતિભાઓને નિખારવી એ જ આ સુસા આર્ટ ફિયેસ્ટાનો મુખ્ય ઉદ્દેશ હતો. ગજેરા ગ્લોબલ શાળાના ટ્રસ્ટી શ્રી કિંજલ ગજેરાએ ભાગ લેનાર સર્વે વિદ્યાર્થીઓને તથા વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.