સુરત જિલ્લામાં છુટો છવાયો વરસાદ નોંધાયો

સુરત જિલ્લાના મહુવા તાલુકાના ગામોમાં દિવાલો પડી જવાના સાત જેટલા બનાવો બન્યા હતા

સુરતઃ સુરત જિલ્લામાં આજે સવારે ૬.૦૦ વાગ્યાથી લઈ સાંજના ૪.૦૦ વાગ્યા દરમિયાન જિલ્લામાં છુટો છુવાયો વરસાદ નોંધાયો હતો. વિગતે જોઈએ તો પલસાણા તાલુકામાં ૨૨ મી.મી., ઉમરપાડામાં ૧૯ મી.મી., બારડોલીમાં ૧૪ મી.મી., મહુવામાં ૧૫ મી.મી, ઓલપાડમાં નવ, કામરેજમાં ૮ મીમી.,  ચોર્યાસીમાં ૧૧ મી.મી., માંગરોળમાં ૬ મી.મી., માંડવીમાં ૮ મી.મી., સુરત શહેરમાં ૧૦ મી.મી. વરસાદ નોંધાયો હતો. છેલ્લા દિવસો દરમિયાન પડેલા વરસાદના કારણે મહુવા તાલુકામાં મકાનોની દિવાલ ધસી પડવાના, છત તુટી પડવાના જેવા છુટા છવાયા બનાવો બન્યા છે. જયારે મહુવાના શેખપુર ગામે પુર્ણા નદીના કોતરોમાંથી ૪૬ વર્ષીય મુકેશભાઈ મનુભાઈ કુંકણાનો મૃતદેહ મળી આવ્યો હતો.      

              મહુવા તાલુકાના સણવલ્લા ગામના રહેવાસી એવા મહેશભાઈ અંબુભાઈના ઘરની દિવાલ પડી ગઈ હતી. જયારે અનાવલ ગામના ભગુભાઈ છોટુભાઈ પટેલના ઘરની દિવાલ પડી ગઈ હતી. જયારે અન્ય બનાવમાં મહુવા તાલુકાના ભોરિયા ગામે મહેશભાઈ કોળધાના ઘરની દિવાલ તથા વસરાઈ ગામના ધિરૂભાઈ પટેલના ઘરની દિવાલ અને સોમીબેન પટેલના ઘરના નળીયા તુટી જવાના બનાવો બન્યા હતા. દેદવાસણ ગામના મંજુબેન પટેલના ઘરની આંગણની છત તથા દિવાલ તુટવાનો બનાવ બન્યો હતો. આ ઉપરાંત સાંબા ગામના કેસુભાઈ નાયકાના ઘરની દિવાલ પડી જવા પામી હતી. પુના ગામના ઘનસુખભાઈ પટેલના કોઢારાની દિવાલ અડધી દિવાલ પડી હતી. આ બનાવોમાં કોઈ જાનહાનિ કે પશુ હાનિ થઈ ન હતી.