યુવા ઉદ્યોગપતિ સમ્રાટ પાટીલ પોતાના જન્મ દિવસ પર સુમન સ્કૂલના 1040 વિદ્યાર્થીઓએ 11 લાખ 44 હજારની આર્થિક શૈક્ષણિક સહાયતા કરશે

રવિવારે બાઇક રેલી, ચેક વિતરણ સમારોહ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

વિખ્યાત યુટ્યુબર હિન્દુસ્તાની ભાઉ  સહિત ભાજપના દિગ્ગજ નેતા અને પદાધિકારીઓ રહેશે ઉપસ્થિત

સુરત: સામાજિક સેવાકીય ક્ષેત્રે હંમેશા આગળ રહેનાર એવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને સુરતના યુવા ઉદ્યોગપતિ, અરુણા ટેકસટાઇલના માલિક સમ્રાટ પાટીલ દ્વારા પોતાના જન્મ દિવસની ઉજવણી પણ અનોખા અંદાજમાં કરવા જઈ રહ્યા છે. જન્મ દિવસની ઉજવણી માત્ર ઉજવણી નહીં બની રહે પણ સમાજસેવાનું કાર્ય થાય એ રીતે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. બાઇક રેલી અને સંગીત સંધ્યાના કાર્યક્રમ સાથે જ સમ્રાટ પાટીલ સુમન સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 10ના 1040 વિદ્યાર્થીઓને 1100 – 1100 રૂપિયાના ચેક આ દિવસે વિતરિત કરશે. આ અવસરે વિખ્યાત યૂટ્યુબર હિન્દુસ્તાની ભાઉ ખાસ ઉપસ્થિત રહેશે.

સમગ્ર આયોજન અંગે યુવા ઉદ્યોગપતિ સમ્રાટ પાટિલે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ પોતાનો જન્મ દિવસ સમાજ સેવાના કાર્ય થકી ઉજવી રહ્યા છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબની પ્રેરણાથી અને લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટિલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થી સહાયનું બીડું ઝડપ્યું છે. 5મી જૂનના રોજ જન્મ દિવસના અવસરે સાંજે 5:30 કલાકે નવાગામ ચિંતા ચોક શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પાસેથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે સાઈ પોઇન્ટ થઈને લિંબાયત સંજય નગર સર્કલ પાસે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પાસે પૂર્ણ થશે. ત્યારબાદ અહીં આમંત્રિત મહેમાનોના હસ્તે સુમન સ્કૂલના ધોરણ 10ના 1040 વિદ્યાર્થીઓને આર્થિક સહાયતા પેટે 1100 રૂપિયા લેખે 11 લાખ 44 હજાર રૂપિયાના ચેકનું વિતરણ કરવામાં આવશે. ત્યારબાદ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મરાઠી પ્લેબેક સિંગર અંજના બેરલેકર, સારેગમા શોના પ્લેબેક સિંગર પૂનમ યાદવ અને ગૌતમ બિરાડે પ્રસ્તુતિ આપશે. આ તમામ વચ્ચે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર દેશ માટે પ્રેમ કરનારા યુવાઓના ચાહિતા એવા મુંબઈના વિખ્યાત યૂટ્યુબર હિન્દુસ્તાની ભાઉ રહશે. સમગ્ર કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાશે. તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મુખ્ય મહેમાન તરીકે સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ભાઈ ઝાંઝમેરા, મેયર હેમાલી બેન બોઘવાલા, ડેપ્યુટી મેયર દિનેશભાઈ જોધાણી, સ્થાઈ સમિતિ ચેરમેન પરેશભાઈ પટેલ, શાસક પક્ષ નેતા અમિત સિંગ રાજપૂત, યુથ ફોર ગુજરાત ના પ્રમુખ જીજ્ઞેશ પાટીલ, જ્યારે અથિતી તરીકે નગરસેવકો અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે.