ગ્રીનમેન વિરલ દેસાઈએ સેવ સોઈલ મુવમેન્ટ અંતર્ગત બાઈલ રેલીનું આયોજન કર્યું

સુરત: ગ્રીનમેન તરીકે જાણીતા પર્યાવરણ પ્રેમી વિરલ દેસાઈએ ઈશા ફાઉન્ડેશનની સેવ સોઈલ ચળવળને સમર્થન આપીને એક બાઈક રેલીનું આયોજન કર્યું હતું. આ બાઈક રેલી કતારગામ ખાતે આવેલ ઝેનિટેક્સ મિલથી નીકળી ગ્રીન ઉધના રેલવે સ્ટેશન પહોંચી હતી. આ રેલીને એલ એન્ડ ટી કંપનીના વાઈસ પ્રેસિડન્ટ અતિક દેસાઈ તેમજ ગુજરાત સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિજનલ ઑફિસર જિજ્ઞાસા ઓઝા દ્વારા લીલી ઝંડી બતાવાઈ હતી.

આ બાઈક રેલી દરમિયાન વિશાળ પાયે જાગૃતિ અભિયાન આદરવામાં આવ્યું હતું, જેમાં સુરતના ઈશા ફાઉન્ડેશનના સ્વંય સેવકોએ પ્રશંસનીય હાજરી આપી હતી. આ કાર્યક્રમને ખુલ્લો મૂકતા અતિક દેસાઈ અને જિજ્ઞાસા ઓઝાએ પર્યાવરણ પ્રેમીઓ સાથે સંવાદ પણ સાધ્યો હતો અને તેમણે યુવાનોને પર્યાવરણ સુરક્ષા માટે પ્રેરીત કર્યા હતા. તો વિરલ દેસાઈએ યુવાનોને ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન’ ચળવળ અંતર્ગત ‘પર્યાવરણ સેનાની’ બનીને કઈ રીતે દેશની સેવા કરી શકાય એ વિશે માર્ગદર્શન આપ્યું હતું.

આ બાઈક રેલી દરમિયાન ઈશા ફાઉન્ડેશનના સુરતના સ્વયંસેવકોએ ગ્રીન ઉધના રેલવે સ્ટેશન પર એક નૃત્ય તેમજ નાટક પણ રજૂ કર્યું હતું. ગ્રીનમેન વિરલ દેસાઈએ આ પ્રસંગે કહ્યું હતું કે, ‘સદગુરુ જ્યારે સેવ સોઈલની ચળવળને આખા વિશ્વમાં લઈને પહોંચ્યા છે ત્યારે સુરતે ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન’ની આગવી શૈલીમાં સદગુરુની ચળવળને સમર્થન આપ્યું છે. બાઈક રેલીના માધ્યમથી અમે એક સાથે હજારો લોકોને પ્રભાવિત કર્યા છે એનો અમને ગર્વ છે.’

ઉલ્લેખનીય છે કે બાઈલ રેલી પછી ઈશા ફાઉન્ડેશનના સ્વયંસેવકોએ ગ્રીન ઉધના રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી અને ઈન્ડિયન રેલવેઝના પ્રથમ મિયાવાકી અર્બન ફોરેસ્ટમાં વૃક્ષારોપણ કર્યું હતું.