હજીરા-સુરત, ફેબ્રુઆરી 26, 2024: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India)ની ફાયર એન્ડ સેફ્ટી ટીમે એક અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત થયેલા ડમ્પર ચાલકનો જીવ બચાવ્યો હતો. AM/NS Indiaની ફાયર ટીમે એક રોડ અકસ્માતમાં ડમ્પર કચડાઈ ગયેલા કેબિનમાંથી ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો.
AM/NS Indiaના ફાયર કંટ્રોલ રૂમમાં શનિવારે વહેલી સવારે GJ16AV8885 રજિસ્ટ્રેશન નંબર વાળા કોલસાથી ભરેલા ડમ્પરનો અને હજીરા ગામના એપ્રોચ રોડ નજીક સુરત-હજીરા બાયપાસ રોડ નજીક પાર્ક કરેલા ડમ્પર (GJ21W4399) સાથે અકસ્માત થયો હોવાના સમાચાર પ્લાન્ટના સિક્યોરિટી કંટ્રોલ રૂમમાંથી ફોન થકી મળ્યા હતા.
અકસ્માત સ્થળે તાત્કાલિક ધોરણે ફાયર ટીમ પહોંચી સ્થિતિનું નિરિક્ષણ કર્યું હતું. જેમાં ડ્રાઈવર પ્રકાશ સાહા ગંભીર રીતે કચડાઈ ગયેલા વાહનના કેબિનમાં ફસાયેલા હતા. ફાયર ટીમે SMC (સુરત મહાનગરપાલિકા) અને ગેઈલના ફાયર સભ્યો સાથે મળી પોર્ટેબલ કટરની મદદથી કેબિનનો અમુક ભાગ કાપી ચાલકને બહાર કાઢ્યો હતો. આ રેસ્ક્યુ ઓપરેશનમાં બચાવવામાં આવેલા ચાલકને પગ અને જાંઘમાં ઈજાઓ થઈ હતી. બાદમાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ થકી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ડો. અનિલ મટુ, હેડ – હ્યુમન રિસોર્સિસ ઓપરેશન્સ, આઈઆર અને એડમિનિસ્ટ્રેશન, AM/NS India, હજીરાએ કટોકટી સમયે સુઝબુઝ સાથે ટ્રક ડ્રાઈવરનો જીવ બચાવવા બદલ ટીમની પ્રશંસા કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, “અકસ્માત દરમિયાન ટીમનો ત્વરિત પ્રતિસાદ તેના પ્લાન્ટની અંદર અને બહારના ઉચ્ચતમ સલામતી ધોરણોને જાળવી રાખવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.”
ઘટના સ્થળે AM/NS Indiaની ફાયર ટીમમાંથી એન.એસ.ધૂત, રણજીત બામણિયા, હાર્દિક પટેલ, મિલન પટેલ, આયુષ કુમાર અને રઈસ ઠાકોર હાજર રહ્યા હતા.