શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સ્મૃતિમાં સુરત ખાતે આજે ” પ્યોર પરિણય” સમૂહ લગ્નોત્સવ

- શ્રીરામકૃષ્ણ એક્સ્પોર્ટ પરિવાર દ્વારા આજે ગોપીનગામ ખાતે આયોજન, 83 યુગલો પરિણયસૂત્રમાં બંધાશે

સુરત. શહેરના હીરા ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા અને શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટ્સ પરિવાર દ્વારા શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સ્મૃતિમાં શનિવારે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અબ્રામા સ્થિત ગોપીન ગામ ખાતે ” પ્યોર પરિણય” ના શીર્ષક હેઠળ યોજાનાર સમૂહ લગ્નોત્સવમાં 83 યુગલો લગ્નગ્રંથિથી જોડાવાના છે.

આ અંગે શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટસ પરિવાર દ્વારા જણાવાયું હતું કે અયોધ્યા ધામ ખાતે 500 વર્ષ પછી મંદિરનું નિર્માણ થવા સાથે ભગવાન શ્રીરામ ની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારે આ પ્રસંગની સ્મૃતિમાં શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટસ પરિવાર દ્વારા 24 ફેબ્રુઆરીના રોજ “પ્યોર પરિણય” શીર્ષક હેઠળ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ લગ્નોત્સવ અબ્રામા સ્થિત ગોપિન ગામ ખાતે સાંજે 4 વાગે જાન આગમન સાથે શરૂ થશે અને રાત્રે 9 વાગે કન્યા વિદાય સાથે પૂર્ણ થશે. સમૂહ લગ્નોત્સવમાં કુલ 83 યુગલો પરિણયસૂત્રમાં બંધાઈ દામ્પત્ય જીવનની શરૂઆત કરશે. આ પ્રસંગે કાર્યક્રમના ઉદઘાટક તરીકે નવસારી સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશ ઉપસ્થિત રહેશે. સાથે જ નવ દંપતીઓને આશીર્વાદ આપવા રજસ્વી રત્નો તરીકે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મંત્રી મુકેશ પટેલ, મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા, મેયર દક્ષેશ માવાણી સહિત સુરતના તમામ ધારાસભ્યો સાથે જ સુરત જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારઘી, મનપા કમિશનર શાલિની અગ્રવાલ અને ઇન્ચાર્જ સુરત શહેર પોલીસ કમિશનર વાબાંગ જામિર ઉપસ્થિત રહેશે.