સાચું ભાર વગરનું ભણતર આપતી એકમાત્ર શાળા શ્રી નાલંદા ગુરુકુળને 25 વર્ષ પૂર્ણ

સુરત: આપના બાળક સાથે શાળામાં દફ્તર, નાસ્તો કે વોટરબેગ મોકલશો નહીં. તમે બાળકને ટ્યૂશને મોકલશો નહીં. તમારે પણ ઘરે ભણાવવાનું નથી.શાળામાંથી કોઇ હોમવર્ક આપવામાં આવશે નહીં. શાળામાં બાળકની કોઇ પરીક્ષા લેવામાં આવશે નહીં. જેમાં ટકા કે માર્ક્સ લખેલા હોય તેવું રીઝલ્ટ પણ અપાશે નહીં. …જો તમને આ બધી શરતો મંજૂર હોય તો અમે તમારા બાળકને આ શાળામાં પ્રવેશ આપી શકીશું.
સુરતની શ્રી નાલંદા ગુરૂકુળ વિદ્યાલયમાં પ્રવેશ માટે આવતા વાલીઓ માટેની આ કેટલીક શરતો છે જે વાલીએ સંપૂર્ણપણે પાળવી પડે છે. જો વાલીમાં આ બધું સ્વીકારવાની હિંમત હોય તો જ પ્રવેશ કરાવે. જોકે, એવા ઘણા વાલીઓ છે જે આ સ્વીકારે છે. શાળામાં ભણાવે છે.
શ્રી નાલંદા ગુરૂકુળ છેલ્લા 25 વર્ષથી સુરતમાં વિદ્યાર્થીઓને ભાર વગરનું ભણતર આપવાના પ્રયત્નો કરી રહી છે. અહીં પ્રયત્નો એટલા માટે કહેવું પડે કારણ કે બદલાતી દુનિયામાં સતત નવું નવું ઉમેરવું પડે છે. આજથી 15 વર્ષ પહેલા કોમ્પ્યુટર અને ટેક્નોલોજીનો એટલો વ્યાપ ન હતો. પરતું આજે નાલંદા ગુરુકુળમાં કોમ્પ્યુટર અને રોબોટિક્સ પણ શીખવવામાં આવે છે. જોકે, તેની સાથે સુથારીકામ, લુહારીકામ, માટીકામ તો વિદ્યાર્થીઓએ શીખવું હોય તો શીખી શકે છે. અહીં ભણનાર બાળક આગળ જઇને નોકરી મેળવવાની સ્પર્ધામાં જોડાવાને બદલે નોકરી આપી શકવાની ક્ષમતા કેળવે તે રીતે તૈયાર કરાય છે.
પ્રવેશની પદ્ધતિ
પ્રવેશ માટે બાળકના વાલીએ શાળાની પદ્ધતિ મુજબ શિક્ષણ આપવાની તૈયારી બતાવવી પડે. આ ઉપરાંત કોઇ બીજી શરત હોતી નથી.
શિક્ષણની પદ્ધતિ
શિક્ષણની પદ્ધતિ ક્ષમતાલક્ષી અને ઘટકલક્ષી પદ્ધતિ છે. બાળકની ક્ષમતા મુજબ તેને ભણવવામાં આવે છે. જો તેને સમજ ન પડે તો શિક્ષકો વ્યક્તિગત રૂપે તેને ઉપચારાત્મક શિક્ષણ આપે છે. શિક્ષણ માટે ચોક-ડસ્ટર સિસ્ટમ તો છે જ પરંતુ તે માત્ર જરૂર પડે તો જ ઉપયોગમાં લેવાય છે. મોટાભાગે વિદ્યાર્થીઓ અનુભવ દ્વારા શિક્ષણ મેળવે છે. શાળાના ફ્લોરથી લઇને દિવાલો અને છત પણ ટીચીંગ એડની જેમ કામ કરે છે. જુદા જુદા પ્રકારની ટીચીંગ એડથી જ મોટાભાગે બાળકો શીખે છે.
પરિણામ શું મળે?
આ પદ્ધતિથી શિક્ષણ મેળવનારા વિદ્યાર્થીઓ થોડા સમયમાં સેલ્ફ લર્નિંગ કરતા થઇ જાય છે. હાઇસ્કૂલ સુધી તો પછી તેમને શિક્ષકની જરૂરિયાત પોતાની શંકાઓના સમાધાન માટે જ પડે છે. જો શાળામાં દર વર્ષે વિદ્યાર્થીઓને પરિણામોની વાત કરીએ તો અહીં રીઝલ્ટને બદલે જુદા જુદા વિષયોમાં વિદ્યાર્થીએ શું શીખ્યું તેનો અહેવાલ આપવામાં આવે છે. ખાસ કરીને ભાષા, ગણિત અને સમાજવિજ્ઞાન પર વધુ ભાર મૂકવામાં આવે છે. આ ઉપરાંત બાળકમાં સર્જનાત્કમતા, નિરીક્ષણ શક્તિ, નિર્ણય શક્તિ જેવા ગુણો કેટલા વિકસ્યા છે તેનો રિપોર્ટ પણ અપાય છે.
પ્રી સ્કૂલથી લઇને ધો. 12 સુધી ચાલતી શાળામાંથી જો કોઇ વિદ્યાર્થી શાળા છોડીને જાય તો તેને તે મુજબનું રીઝલ્ટ પણ આપવામાં આવે છે. આ પદ્ધતિનું પરિણામ એ છે કે ધો. 10 અને ધો. 12માં શાળાનું પરિણામ સરેરાશ 90થી 100 ટકા છે. વ્યક્તિગત વિદ્યાર્થીઓના પરિણામની ટકાવારી 70થી 80 ટકાની વચ્ચે હોય છે. અહીં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની માન્યતા છે.
ઇતર પ્રવૃત્તિઓ
આમ તો શાળાનું તમામ શિક્ષણ જ ઇતર પ્રવૃત્તિઓ જેવું છે છતાં વિદ્યાર્થીઓ અહીં સંગીત, નૃત્ય, ડ્રામા શીખે છે. તેઓ સુરત શહેરમાં સાયકલનો પ્રવાસ કરે છે. સુરતથી છેક 100 કિમી ડાંગ જઇને ત્યાં રહી કેમ્પ કરે છે. પાવાગઢ જઇને રોક ક્લાઇમ્બિંગથી લઇને ટ્રેકિંગ કરે છે. તેમને ખેતી કરવાથી લઇને બીજી અનેક પ્રવૃત્તિઓ કરાવાય છે. શાળામાં એક રાત કેમ્પ ફાયર કરાય છે જેમાં વિદ્યાર્થીઓ આખી રાત પોતાની કૃતિઓ રજૂ કરતા હોય છે. રમતોની વાત કરીએ તો અહીં હોકી, જૂડો, ફૂટબોલ, યોગ, જિમ્નાસ્ટિક જેવી રમતો બાળકો શીખે છે. ઘણા બાળકો રાજ્ય સ્તર સુધી રમી આવ્યા છે.
આમ, છેલ્લા 25 વર્ષમાં આ શાળામાંથી શિક્ષણ લઇને નીકળેલા ઘણા વિદ્યાર્થીઓ દેશ જ નહીં વિદેશમાં પણ વેપાર કે નોકરી કરી રહ્યા છે. આ પ્રયત્નોનું એક પરિણામ એ પણ છે કે સુરતમાં હવે બીજી કેટલીક શાળાઓ પણ આ પદ્ધતિ અપનાવવાના પ્રયત્નો કરી રહી છે. એક તો આખી શાળા જ આ પદ્ધતિ મુજબ તૈયાર થઇ છે.
શાળાનો ઇતિહાસ-
સ્થાપના-1997-98-બેગ,હોમવર્ક, ટ્યૂશન વગરની શાળા
શાળાની સ્થાપના સન: 1997-98 ના વર્ષમાં પ્રા.યશપાલજીના ભાર વગરના ભણતરના સિધ્ધાંત પ્રમાણેની શાળા શરૂ કરી. પહેલા વર્ષે જ બાળકોને દફતર વગર આવવું એવું નકકી કર્યુ. સ્ટેશનરીઓ શાળામાંથી આપવી. નાના બાળકો માટે 7:30 કલાક અને મોટા બાળકો માટે 9:30 કલાક ડે-કેર સ્કૂલ, દફતર, ઘરકામ, ટયુશનની બદી દૂર કરી. શાળામાં ભણતા બાળકો ટયુશન ન કરી શકે એવો નિયમ લાગું કર્યો. ઘરકામ આપવું નહિ અને શાળાએ દફતર લાવવું નહિ. તેની જગ્યાએ રેમિડિયલ (નિદાનાત્મક અને ઉપચારાત્મક કાર્ય) શરૂ કર્યુ. વર્કશીટ પેર્ટનની શરૂઆત કરી વિષયવાર કલાસરૂમો હતા. ધીરે ધીરે ટીચીંગ લર્નિંગ મટીરીયલ્સ, મેથર્ડ અમલ કરતા ગયા DIET અને GCRT ના ઘણા વર્કશોપો શાળામાં થયા. સર્વપ્રથમ શૈક્ષણિક નાટકોની સ્ક્રીપ્ટ લેખનનો વર્કશોપ શાળામાં થયો.
વર્ષ 2012- ધોરણો-અભ્યાસક્રમ નાબૂદ કર્યા
ત્યારબાદ ૨૦૧૨ થી ધીરેધીરે વિષયો, ધોરણો, અભ્યાસક્રમો નાબૂદ કર્યો. તેની જગ્યાએ ટોપીક બેઈઝ એજયુકેશન, શ્રેણીવિહીન ઘટક પધ્ધતિ અમલમાં મૂકી. હાલમાં બાળકો સાથે બનતી ઘટનાઓ, અનુભવોના આધારે ચર્ચા દ્વારા શિક્ષણ આપવાનું શરૂ કર્યું. બાળકની મૌલિક શકિત વિકસે એવા કાર્યક્રમો અપનાવ્યા. ૨૦૧૫ થી એન્જીનિયરીંગ વર્કશોપ, ઈલેકટ્રીક, મિકેનીકલ જેવા કોર્ષો ચાલુ કર્યા શરૂઆતથી જ સંગીત-નૃત્ય વગેરેમાં વિષારદ સુધી બાળકોને તાલીમ બાળકોને અપાય છે. આ સાથે સાથે ટ્રેકીંગ, માઉન્ટેનીંગ, ૭૦ કિ.મી લઈ ૨૫૦ કિ.મી સુધીના સાયકલ પ્રવાસો, અઠવાડિયું ૧૦ દિવસ સુધી પર્યાવરણીય કેમ્પો વગેરેનું આયોજન વરસો વરસ કરવામાં આવે. બાળકોને હું અને ઋતુઓ દ્વારા શિક્ષણ આપીએ છીએ. એ વિષય પર શિક્ષણ આપવાનો મુખ્ય હેતુ જીવન લક્ષી શિક્ષણ આપવાનો છે. આ વર્ષ શાળાના ૨૫ વર્ષ પૂર્ણ થતા હોય તેની ઉજવણીના ભાગ રૂપે વિવિધ કાર્યક્રમનું આયોજન થયેલું છે. વાષિર્ક ઉત્સવનો વિષય વામનના ત્રણ ડગ છે.
શાળાની સામાન્ય જાણકારી
સ્થાપના-1997-98
માધ્યમિક માન્યતા-1998-99
ઉ. માધ્યમિક માન્યતા-2002
ડે-કેર પૂર્ણ સમયની શાળા
શાળા સમય-
ધો. 1થી 5 માટે સવારે 9.30થી 4 વાગ્યા સુધી
ધો. 6થી 12 માટે સવારે 8 થી 5.30
વોકેશનલ કોર્સ- વર્ષ 2015થી
કુલ ક્ષમતા-250 વિદ્યાર્થી
વર્ગદીઠ વિદ્યાર્થી-15
શિક્ષકોની સંખ્યા-15 વિદ્યાર્થી પર 1 શિક્ષક
શાળાનો વિસ્તાર-2 વીંઘા