સુરત. મૂળ સુરતના નિવાસી પણ વર્ષોથી વિદેશમાં સ્થાઈ થયેલા કવિ હૃદયી નીકી શાહ દ્વારા અલગ અલગ ભાવનાઓ અને લાગણીઓને આવરી રચાયેલી કવિતાઓનો સંગ્રહ ‘ નીકીની કવિતા”નું આજરોજ સુરત ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું. ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં તૈયાર કરાયેલા આ કાવ્ય સંગ્રહનું વિમોચન નીક્કી શાહના પિતા જીતુલાલ બાબુલાલ શાહ અને સસરા ધીરુભાઈ ચંદુલાલ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જાણીતા સાહિત્યકાર રઈશ મણિયાર ઉપસ્થિત રહ્યા હતા.
મૂળ સુરતી એવા નીકી શાહ 20 વર્ષ સુધી સુરતમાં રહ્યા બાદ એંટવર્પ ખાતે સ્થાઈ થાય હતા. 23 વર્ષ અહીં રહ્યા બાદ હવે તેઓ દુબઈ ખાતે રહે છે. પારિવારિક જવાબદારીઓ વચ્ચે પણ નીકી શાહનું કવિ હૃદય હંમેશા કવિતાઓ માટે ધબકતું રહ્યું છે. પરિવારની જવાબદારી નિભાવતા નિભાવતા પતિ મિતેન શાહની પ્રેરણાથી તેઓ જીવનમાં જે અનુભવે એને શબ્દોમાં પરોવી તેને કવિતાનું રૂપ આપે છે. એટલે જ નીકી ની કવિતામાં પ્રેમ, પરિવાર, મિત્રતા, ત્યાગ અને સ્વાસ્થ્ય જેવા વિષયો જોવા મળે છે. તેઓ દર રવિવાર કવિતા માટે ફાળવતા હોય છે. આ દિવસે કોઈ એક વિષય પર સુંદર કવિતાની રચના કરી તેને રિલીઝ કરતા હોય છે. અત્યાર સુધીની તેમની રચનાઓ હવે કવિતા સંગ્રહ ના રૂપે દરેક સાહિત્ય પ્રેમી, કવિતા પ્રેમી સુધી પહોંચાડવા માટે નીકી શાહે નિર્ણય કર્યો છે. આ માટે તેમણે આર. આર.શેઠ પબ્લિકેશન હાઉસનો સાથ મળ્યો અને ગુજરાતી તથા અંગ્રેજી ભાષામાં તેમનો કવિતા સંગ્રહ ” નીકી ની કવિતા” તૈયાર કરવામાં આવ્યો છે. આજરોજ આ કવિતા સંગ્રહ નું સુરતની ધરતી પર વિમોચન કરવામાં આવ્યું. આ પ્રસંગે જાણીતા સાહિત્યકાર રઈશ મણિયાર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં અગ્રેંજી અને ગુજરાતી ભાષામાં કવિતા સંગ્રહ પ્રકાશિત કરવા સાથે જ કવિતાઓની ઓડિયો કેસેટ પણ રિલીઝ કરવામાં આવી છે.
નીકી ની કવિતાઓની ખાસિયત એ છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ રચના વાચે તો તેને જરૂરી એવું ફીલ થયા વિના નહીં રહેશે કે આ તો મારી જ વાત અહીં રજૂ કરવામાં આવી છે.