નેહરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી જિલ્લા કક્ષાનો યુવા સંસદ કાર્યક્રમ યોજાયો

સુરત, નવસારી અને તાપી જિલ્લાના વિજેતા સ્પર્ધકોની રાજ્ય સ્તર પર પસંદગી

સુરત: મંગળવાર: યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, કેન્દ્ર સરકાર હેઠળના નેહરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા સુરત, ભરૂચ, નવસારી અને તાપી એમ ૪ જિલ્લાઓ માટે વર્ચ્યુઅલ માધ્યમથી જિલ્લા કક્ષાનો યુવા સંસદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં “આરોગ્ય, સુખાકારી અને રમતગમત: યુવાનો માટેની કાર્યસૂચિ”, “કૌશલ્ય વિકાસ: યુવાનોને સશક્ત કરવાની ચાવીઓમાંની એક” અને “સોશિયલ મીડિયા- યુવા પરિપ્રેક્ષ્ય” જેવા ૩ વિષયો પરની સ્પર્ધામાં ૫૦થી વધુ સહભાગીઓ જોડાયા હતા. સુરતથી ઝીલ બારોટ અને સાગર સારદા, ભરૂચથી અનિકા રેહાન અને ક્રિષ્ના કુમાવત, નવસારીથી શ્રુતિ આહીર અને નિશા કુમાવત તેમજ તાપીથી તેજલબેન ગામીત અને ધનંજયભાઈ લુહાર વિજેતા થયા હતા. પ્રત્યેક વિજેતાઓની રાજ્ય સ્તરે પસંદગી થઈ છે.

આ કાર્યક્રમમાં નમિતા સાવલા, એડવોકેટ જિજ્ઞા સોની, તૃપ્તિ મહાડિક, ડૉ. ભાવિક શાહ અને જાગૃતિ પટેલે નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી. નેહરૂ યુવા કેન્દ્રના રાજ્ય નિદેશક શ્રીમતિ મનીષાબેન શાહે વિશેષ ઉપસ્થિત રહીને સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા. નહેરૂ યુવા કેન્દ્ર-સુરતના જિલ્લા અધિકારી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ અને તાલુકાના રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક કીર્તિ રવિયા અને રિપલ નરસાળેના સહયોગથી કાર્યક્રમ સંપન્ન થયો હતો.