શાહરૂખ ખાનની વાપસીએ રચ્યો ઈતિહાસ, પઠાણે 7 દિવસમાં 600 કરોડની કમાણી કરી, તોડી દીધા આ રેકોર્ડ

શાહરૂખ ખાન(Shahrukh Khan), દીપિકા પાદુકોણ(Deepika Padukone) અને જોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ પઠાણ(Pathaan)નો અઠવાડિયા દરમિયાન બોક્સ ઓફિર પર દબદબો રહ્યો છે. આ ફિલ્મે 7 દિવસમાં 634 કરોડની કમાણી કરી છે. આ સાથે જ સાત દિવસમાં સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. શાહરૂખ ખાને પઠાણ ફિલ્મથી ચાર વર્ષ બાદ વાપસી કરી છે. હવે આ ફિલ્મ શાહરૂખ ખાનના કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થઈ છે.

મુંબઈ: બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ને રિલીઝ થયાને સાત દિવસ થઈ ગયા છે. બોક્સ-ઓફિસ પર ફિલ્મ પઠાણનો ચાર્મ હજુ પણ અકબંધ જોવા મળી રહ્યો છે. 25 જાન્યુઆરીએ રિલીઝ થયા બાદ આ ફિલ્મે માત્ર એક સપ્તાહમાં જ વિશ્વભરમાં 634 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ‘પઠાણ’એ તેના સાતમા દિવસે ભારતમાં રૂ. 23 કરોડની કમાણી નોંધાવી છે, જેમાં હિન્દીમાં રૂ. 22 કરોડ અને તમામ ડબ વર્ઝનમાં રૂ. 1 કરોડની કમાણી છે. સાતમા દિવસે ઓવરસીઝ ગ્રોસ 15 કરોડ રૂપિયા છે.

ભારતમાં કુલ કલેક્શન વધીને 330.25 કરોડ

7 દિવસમાં ‘પઠાણ’એ માત્ર વિદેશી પ્રદેશોમાં 29.27 મિલિયન ડોલર એટલે કે રૂ. 238.5 કરોડની કમામી કરી છે. જ્યારે ભારતમાં કુલ કલેક્શન વધીને 330.25 થઈ ગયું છે. જેમાં આ ફિલ્મે હિન્દીમાં 318.50 કરોડ રૂપિયા અને ડબ વર્ઝનમાં 11.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે. પઠાણ ફિલ્મમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સિવાય જોન અબ્રાહમ પણ લીડ રોલમાં છે.
પઠાણ ફિલ્મે બમ્પર કમાણી સાથે રેકોર્ડ પણ બનાવ્યા છે. પઠાણ ફિલ્મ એક સપ્તાહમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. પઠાણે આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. શાહરૂખ ખાનનો જાદુ ફરી એકવાર દર્શકોના માથા પર બોલી રહ્યો છે. ફિલ્મની સફળતાથી આખી ટીમની ખુશીનો કોઈ પાર રહ્યો નથી. પઠાણની ટીમ તેની સફળતા બાદથી જ ઉજવણીઓ કરવામાં વ્યસ્ત જોવા મળે છે

શાહરૂખ ખાને ફિલ્મની સફળતા પર મીડિયા સાથે વાત કરતા દર્શકોના સવાલોના જવાબ પણ આપ્યા હતા. આ સાથે તેણે ફિલ્મની સફળતા પર પોતાની ખુશી પણ વ્યક્ત કરી છે. તે જ સમયે, દીપિકા પાદુકોણે પણ ફિલ્મ વિશે ઘણી વાતો કહી. તમને જણાવી દઈએ કે પઠાણ ફિલ્મ ઘણા વિવાદોમાં પણ રહી છે.