ડુમસ રોડ પર યોજાયેલ સ્પર્ધાના વિજેતાઓને મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત પોલીસ કમિશનર અજય કુમાર તોમરના હસ્તે પુરસ્કૃત કરવામાં આવ્યા
વિજેતા સ્પર્ધકો હવે નેશનલ કૂડો ચેમ્પિયનશિપમાં ભાગ લેશે
સુરત: ગુજરાત કૂડો એસોસિયેશન દ્વારા 6 ઓગષ્ટના રોજ સુરત ખાતે 11મી ગુજરાત સ્ટેટ ઓપન કૂડો ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતભરમાંથી 400થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
આ અંગે માહિતી આપતા ગુજરાત કૂડો એસોસિયેશનના અને કૂડો ઇન્ટરનેશનલ કૂડો ફેડરેશન ઇન્ડિયાનાં જનરલ સેક્રેટરી વિસ્પી ખરાદીએ જણાવ્યું હતું કે ગુજરાત કૂડો એસોસિયેશન દ્વારા સતત 11 વર્ષથી કૂડો સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ એક જાપાનીઝ મિક્સ માર્શલ આર્ટ છે. જેની શરૂઆત 1981માં શરૂઆત થઈ હતી અને ભારતમાં આ આર્ટ બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર દ્વારા લાવવામાં આવી હતી, જેઓ કૂડો એસોસિયેશન ઇન્ડિયાનાં ચેરમેન છે. આ વખતે ગુજરાત ફૂડો એસોસિયેશનના પ્રમુખ દરાયાસ કૂપર અને કૂડો ઇન્ટરનેશનલ ફેડરેશન ઇન્ડિયાનાં પ્રમુખ મેહુલ વોરાના માર્ગદર્શનમાં 11મી ગુજરાત સ્ટેટ ઓપન કૂડો ચેમ્પિયનશિપનું આયોજન 6 ઓગષ્ટના રોજ ડુમસ રોડ ખાતે આવેલ અગર એક્સોટિકા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના 17 શહેરોમાંથી 400 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમર ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધાના અંતે વિજેતાઓને પોલીસ કમિશનર અજય કુમાર તોમરના હસ્તે ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. સાથે જ પોલીસ કમિશનર દ્વારા આ સ્પર્ધામાં જેઓ વિજેતા નહીં બની શક્યા એવા તમામ સ્પર્ધકોને પણ સ્ટેજ પર બોલાવી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. વધુમાં વીસ્પી ખરાડી એ જણાવ્યું હતું કે ફૂડો એ એવી કળા છે કે જે સ્વ રક્ષણ માટે એકદમ શ્રેષ્ઠ અને ઉપયોગી છે.