ગ્રીનમેન વિરલ દેસાઈએ પર્યાવરણ સંરક્ષણ અંગે વિદ્યાર્થીઓને કર્યા જાગૃત
ગ્રીનમેન વિરલ દેસાઈનું પર્યાવરણ સંરક્ષણ પર વકતવ્ય યોજાયું, વિદ્યાર્થીઓએ લીધો લાભ
રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પર્યાવરણવાદી વિરલ દેસાઈનું નવસારીની ખ્યાતનામ શાળા એબી સ્કૂલમાં વક્તવ્ય યોજાયું હતું, જેમાં તેમણે શાળાના ચારસો જેટલા વિદ્યાર્થીઓ સામે પર્યાવરણ સંરક્ષણ સંદર્ભની રસપ્રદ વાતો કરી હતી. સાથે જ શાળાના કેમ્પસમાં નેટીવ સ્પિસિસના વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગ્રીનમેન વિરલ દેસાઈએ વિદ્યાર્થીઓ સમક્ષ પર્યાવરણ સંરક્ષણ અને પ્રદૂષણ સંદર્ભના કેટલાક ફેક્ટ્સ રજૂ કર્યા હતા. તો આજના સમયમાં વધુમાં વધુ ‘પર્યાવરણ સેનાની’ઓ શું કામ તૈયાર થવા જોઈએ એ વિશે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું. જોકે પોતાના વક્તવ્યમાં વિરલ દેસાઈએ વિદ્યાર્થીઓ સમક્ષ કેટલીક પ્રેરણાત્મક વાતો પણ શેર કરી હતી.
આ સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે, ‘આજે વિદ્યાર્થીઓ માટે પર્યાવરણ એ માત્ર તેમના અભ્યાસનો જ ભાગ છે, પણ પરંતુ તેમને ખ્યાલ નથી કે પર્યાવરણ એ તેમના જીવનનો અભિન્ન હિસ્સો છે અને આ પર્યાવરણના જતનની જવાબદારી આવતીકાલે તેમના પર જ આવવાની છે. આ માટે થઈને જ હું તેમને પર્યાવરણ સંરક્ષણના કેટલાક સાચા આંકડા લઈને પહોંચું છું અને તેમને પર્યાવરણ સેનાની બનાવું છું.’
આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ અત્યંત બહોળો પ્રતિસાદ આપ્યો હતો. તેમણે પર્યાવરણ સંરક્ષણ સંદર્ભે અનેક પ્રશ્નો પૂછીને પોતાની ઉત્સુકતા વ્યક્ત કરી હતી.