અખાત્રીજના પાવન દિને દીકરીઓ માટે સાકાર થનારા શ્રી સ્વામિનારાયણ કન્યા ગુરૂકુલનું ભૂમિપૂજન કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
પિતાવિહોણી દીકરીઓને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે
ત્રણ તબક્કામાં નિર્માણ થનારા કન્યા ગુરૂકુળમાં ૨૫૦૦ જેટલી દીકરીઓને અભ્યાસ, હોસ્ટેલ, ભોજનની અદ્યતન સુવિધાઓ પ્રાપ્ત થશે
ગુરૂકુલનું સંપૂર્ણ સંચાલન મહિલાઓ કરશે: શિક્ષકો, આચાર્ય, વહીવટી અને શૈક્ષણિક સ્ટાફ પણ મહિલાઓ
ગુરૂકુલમાં આધુનિક અને આધ્યાત્મિક શિક્ષણ અપાશે: ધો.૬ થી ૧૨ સુધી દીકરીઓને અભ્યાસની સાથે હોસ્ટેલ સુવિધા
સુરત: શનિવાર:- દેશના ઈતિહાસમાં સૌપ્રથમવાર સુરતની ધરતી પર દીકરીઓ માટે નિર્માણ થનારા શ્રી સ્વામિનારાયણ કન્યા ગુરૂકુલનું ભૂમિપૂજન અખાત્રીજના પાવન દિને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયું હતું.
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના વડોદ ગામે રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ સંસ્થાનના ઉપક્રમે રૂ.૧૨૦ થી ૧૫૦ કરોડના ખર્ચે ત્રણ તબક્કામાં નિર્મિત થનારા ગુરૂકુળમાં ૨૫૦૦ જેટલી દીકરીઓ અભ્યાસ કરી શકે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હોસ્ટેલ, નિવાસ, ભોજનની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ ગુરૂકલની વિશેષતા એ હશે કે અહીં પિતાવિહોણી દીકરીઓને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રીએ કન્યા ગુરૂકુળનું શાસ્ત્રોક્ત વિધિ અને સંતોની વેદઋચાઓ સાથે ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કન્યા ગુરૂકુળના માધ્યમથી સનાતન સંસ્કૃતિ અને પ્રાચીન ગુરૂ પરંપરાને જીવંત રાખવાનો પ્રયાસ સરાહનીય છે.
રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના માધ્યમથી દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન મળ્યું છે એમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, સરકારે દીકરીઓ મેડિકલ શિક્ષણ મેળવી શકે એ માટે ૧૨૮૫ દીકરીઓને MBBS ના ઉચ્ચ અભ્યાસ માટે સહાય પૂરી પાડી છે.
કન્યા ગુરૂકુળમાં વિદ્યા, સદ્દવિદ્યા અને બ્રહ્મવિદ્યાનો સંગમ રચાશે એમ જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, જેમ સ્વામિનારાયણ સંપ્રદાય દીકરીઓના ઉજ્જવળ ભાવિ માટે પ્રતિબદ્ધ બન્યો છે ત્યારે રાજ્ય સરકાર પણ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ મેળવી ‘અફસર બિટીયા’ બની સમાજ, રાજ્ય અને રાષ્ટ્રનિર્માણમાં સિંહફાળો આપે એ માટે અવિરત કાર્યરત છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સૌને શિક્ષણની સમાન અને ઉજ્જવળ તકો મળી રહે તે માટે રાજ્ય સરકારે સમરસ છાત્રાલયોના નિર્માણ કર્યા છે. સરસ્વતી સાધના યોજના હેઠળ કન્યાઓને સાયકલ સહાય તેમજ ધો. ૯થી ધો.૧૨ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત વાહનો ખરીદવા માટે સબસિડી આપવામાં આવી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. રાજય સરકારે ૧૦૦ દિવસમાં ૬૮૦૦ જેટલા બેટરી સંચાલિત વાહનો અર્પણ કર્યા છે. આજના વૈશ્વિક જ્ઞાનયુગમાં વિધાર્થીઓ વિશ્વ કક્ષાનું શિક્ષણ મેળવી શકે તે માટે રાજય સરકારે શિક્ષણ માટે ૪૩ હજાર કરોડનું બજેટ ફાળવ્યું હોવાનું મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષાના ત્રિપાંખિયા વ્યૂહ સાથે સતત કાર્યરત રાજ્ય સરકારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ના સૂત્રને અનુસરી શાળાકીય શિક્ષણ અને અનેકવિધ મહિલાલક્ષી યોજનાઓ અમલી બનાવી છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ કન્યાઓ માટે પણ ગુરૂકુળનું નિર્માણ થાય તેવી નૂતન પહેલ બદલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, દાતાઓ અને વિશેષત: મહિલા દાતાઓને અભિનંદન પાઠવ્યા હતા.
ગુરૂકળના નિર્માણમાં મુખ્યદાતાઓ સર્વશ્રી સહજાનંદ ટેકનોલોજીસના ચેરમેનશ્રી ધીરજલાલ કોટડીયા, શ્રી લાલજીભાઈ પટેલ (ધર્મનંદન ડાયમંડ), ગોવિંદભાઈ ધોળકિયા (રામકૃષ્ણ એક્સપોર્ટ), શ્રીહરિ ગ્રુપના શ્રી રાકેશભાઈ દુધાતનો મુખ્ય સહયોગ રહ્યો છે. ઉપરાંત અન્ય ટ્રસ્ટીશ્રીઓનો સહયોગ પણ સાપડયો છે.
પ્રાસંગિક ઉદ્દબોધન કરતા શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે, ભારતની પુરાતન સંસ્કૃતિ અને વૈદિક કાળમાં ગુરૂ પરંપરા, ગુરૂકુળ, તપોવનની શિક્ષણ પદ્ધતિ વિશ્વમાં શ્રેષ્ઠ હતી. આ ગુરૂકુળ પરંપરાને સજીવન કરવા અને ટકાવી રાખવાના આશયથી કન્યા ગુરૂકુળનો નવો આયામ રચાયો છે જે સરાહનીય છે. આ ભૌતિકવાદ વચ્ચે સમગ્ર વિશ્વ ભારતીય સંસ્કૃતિ અને ગુરૂકુળ પરંપરા અવશ્ય સ્વીકારશે એમાં બેમત નથી એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, જે દેશના નાગરિકો પોતાની સંસ્કૃતિથી વિમુખ થાય છે એમની પ્રગતિ અવશ્ય રૂંધાય છે. આપણી ઋષિ પરંપરા અને સુવર્ણ વૈદિક કાળને જીવંત કરી પ્રેરણા મેળવવાનો આ યોગ્ય સમય છે એમ જણાવી દીકરીઓના ઉત્થાન માટેના નવા પ્રકલ્પ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.
ધર્મનંદન ડાયમંડના ચેરમેનશ્રી લાલજીભાઈ પટેલે કહ્યું કે, વર્ષ ૧૯૪૮માં રાજકોટમાં શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ સંપ્રદાયમાં પ્રથમ ગુરૂકુલની સ્થાપના કરી હતી. આજે પણ એ જ રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ સંસ્થાન સંચાલિત આ શ્રી સ્વામિનારાયણ કન્યા ગુરૂકુલની સ્થાપના ૭૫ વર્ષ બાદ રાજકોટ ગુરૂકુલ દ્વારા જ સંપ્રદાયમાં પ્રથમ વખત થઈ રહી છે.
આ અવસરે ગુરુકુળના મુખ્યદાતા એવા સહજાનંદ ટેકનોલોજીસના શ્રી ધીરજલાલ કોટડીયાએ જણાવ્યું હતું કે, ભારતની ભવ્ય ધરોહરમાં શ્રેષ્ઠ શિક્ષણ મેળવવા માટે ગુરૂકુળની પરંપરા રહેલી હતી. માણસના ઘડતર અને ચણતર કરવા માટેનું કાર્ય ગુરૂકુળ દ્વારા થાય છે. જીવનના આદર્શ મૂલ્યોનું સિંચન ગુરૂકુળ જ શીખવી શકે તેમ જણાવતા કહ્યું કે, ગુરુઋણ અને માતૃઋણ અદા કરવાની સેવાક્ષણ પ્રાપ્ત થઈ છે.
સ્વામિનારાયણ ગુરૂકુલ-રાજકોટના સદ્દગુરૂવર્ય ગુરૂ મહારાજશ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ કન્યા ગુરૂકુળ નારીશક્તિને ઉજાગર કરશે. દીકરીઓ પણ દેશને નેતૃત્વ પૂરું પાડવા સક્ષમ બને, તેમજ શિક્ષિત અને દીક્ષિત સમાજના નિર્માણમાં સહભાગી બનશે એમ જણાવ્યું હતું.
પૂ. મહંત સ્વામી શ્રીદેવપ્રસાદજી સ્વામીએ જણાવ્યું કે, સંસ્કારી સમાજના મૂળમાં નારીઓનું યોગદાન રહેલું હોય છે. કુળવાન માતા સમાજને ધરમૂળથી બદલવાની શક્તિ ધરાવે છે. ભારતીય ઈતિહાસમાં છત્રપતિ શિવાજીના માતા જીજાબાઈ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવા નારીરત્નોથી ભારતની નારીશક્તિઓની આગવી ઓળખ બની છે.
કન્યા ગુરૂકુળ માટે ‘બાય ધ સ્ટુડન્ટ, ઓફ ધ સ્ટુડન્ટ, ફોર ધ સ્ટુડન્ટ’ની વિભાવના મૂર્તિમંત થઈ હોવાનું જણાવતા સંતગણનો વર્ષોનો સંકલ્પ આજે સુરતની પાવન ધરા પરથી સાકાર થવા જઈ રહ્યો છે એનો તેમણે હર્ષ વ્યક્ત કર્યો હતો.
આ વર્ષે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવણીને ધ્યાને લઈને મુખ્યમંત્રીશ્રીને આયોજકો અને સંતગણ દ્વારા બાજરીના દાણાઓથી તૈયાર કરવામાં આવેલ હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે આભાર વિધિ કરતા શ્રી રાકેશભાઈ દુધાતે જણાવ્યું હતું કે, ૧૮ વીઘા જમીનમાં છ લાખ સ્ક્વેર ફૂટમાં બાંધકામ કરાશે જેનું સંચાલન મહિલાઓ કરશે. સાફ-સફાઈ, પટાવાળા, કલાર્ક, શિક્ષકો, આચાર્ય, એડમિન સહિતનો તમામ સ્ટાફ મહિલાઓનો જ હશે. હોસ્ટેલમાં પણ મહિલાઓ જ સંચાલન, પ્રાર્થના, સત્સંગ, ધાર્મિક સંસ્કાર વગેરેની જવાબદારી સંભાળશે.
આ શિલાન્યાસ સમારોહમાં કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, વન અને પર્યાવરણ રાજયમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, સાંસદશ્રી સી.આર.પાટીલ, મેયરશ્રી હેમાલીબેન બોઘાવાલા, ધારાસભ્ય સર્વશ્રી પુર્ણેશભાઈ મોદી, વિનોદભાઈ મોરડીયા, સંદિપભાઈ દેસાઈ, કાંતિભાઈ બલર, સંગીતાબેન પાટીલ, શાસ્ત્રીજી મહારાજશ્રી ધર્મજીવનદાસજી સ્વામી, શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ-સુરતના શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી, SRK ડાયમંડના શ્રી ગોવિંદભાઈ ધોળકીયા, શ્રી અરજણભાઈ ધોળકિયા, વેડરોડ ગુરૂકુળના સંતશ્રી પ્રભુ સ્વામી, શ્રી દેવપ્રકાશ સ્વામી સહિત મોટી સંખ્યામાં સંતો, સમાજશ્રેષ્ઠીઓ, હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.