કર્મચારી કલ્યાણનું ઉત્તમ ઉદાહરણ: બેંક ઑફ ઇન્ડિયાએ SRK ના કર્મચારી ને રૂ. 71 લાખનો વીમા ક્લેમ અર્પણ કર્યો
બેંક ઑફ ઇન્ડિયાએ SRK એક્સપોર્ટ્સના કર્મચારીના પરિવારને રૂ. 71 લાખનો અકસ્માત વીમા ક્લેમ અર્પણ
બેંક ઑફ ઇન્ડિયા, સુરત પોતાની સેલરી એકાઉન્ટ યોજના હેઠળ આપવામાં આવતી નિઃશુલ્ક ગ્રુપ પર્સનલ એક્સિડેન્ટલ ઇન્શ્યોરન્સ યોજનાના અંતર્ગત SRK એક્સપોર્ટ્સ પ્રા. લિ.ના એક સ્વર્ગસ્થ કર્મચારીના પરિવારને રૂ. 71 લાખનો વીમા ક્લેમ અર્પણ કર્યો. મુશ્કેલ સમયમાં આ સહાય પરિવાર માટે મહત્વપૂર્ણ આર્થિક આધારરૂપ બની છે. આ વીમા સુરક્ષા બેંકની કોર્પોરેટ કર્મચારીઓ માટેની સેલરી એકાઉન્ટ યોજનાનો એક નિઃશુલ્ક લાભ છે.
બેંક ઑફ ઇન્ડિયા કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓને તેમની સેલરી એકાઉન્ટ યોજના હેઠળ રૂ. 2 કરોડ સુધીનું નિઃશુલ્ક ગ્રુપ પર્સનલ એક્સિડેન્ટલ ઇન્શ્યોરન્સ કવર પ્રદાન કરે છે. તે જ રીતે ખાનગી કંપનીઓ સાથેના કરાર અંતર્ગત બેંકમાં સેલરી એકાઉન્ટ ધરાવતા પાત્ર કર્મચારીઓને રૂ. 1 કરોડ સુધીનું નિઃશુલ્ક અકસ્માત વીમા કવર પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

વીમા ક્લેમનો ચેક શનિવાર, તા. 01-08-2026 ના રોજ SRK એક્સપોર્ટ્સ પ્રા. લિ.ના ચેરમેન શ્રી ગોવિંદભાઈ ધોળકિયાના હસ્તે સ્વર્ગસ્થ કર્મચારીના પરિવારને અર્પણ કરવામાં આવ્યો. આ પ્રસંગે બેંક ઑફ ઇન્ડિયાના FGMO અમદાવાદના જનરલ મેનેજર શ્રી અજય ત્રિપાઠી તથા સુરત ઝોનના ઝોનલ મેનેજર શ્રી રાજેશ કુમાર ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શ્રી અજય ત્રિપાઠીએ શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “પ્રિયજનની ખોટ કોઈ પણ રીતે પૂરી થઈ શકતી નથી, પરંતુ બેંકની આ આર્થિક સહાય પરિવારને મુશ્કેલ સમયમાં સંબળ અને સુરક્ષાની લાગણી આપશે તેવી અમારી આશા છે.”
શ્રી રાજેશ કુમારે જણાવ્યું હતું કે, છેલ્લા નાણાકીય વર્ષ દરમિયાન બેંક ઑફ ઇન્ડિયાએ SRK એક્સપોર્ટ્સ પ્રા. લિ.ના કર્મચારીઓ માટે કુલ રૂ. 1.42 કરોડના ગ્રુપ પર્સનલ એક્સિડેન્ટલ ઇન્શ્યોરન્સ ક્લેમનું સફળતાપૂર્વક નિરાકરણ કર્યું છે. તેમણે ઉમેર્યું કે, બેંક ઑફ ઇન્ડિયાની સેલરી એકાઉન્ટ યોજના બેંકિંગ ક્ષેત્રની સૌથી વ્યાપક અને લાભદાયી યોજનાઓમાંની એક છે, જેને બેંક સાથે સેલરી એકાઉન્ટ ધરાવતી અગ્રણી કોર્પોરેટ કંપનીઓ તરફથી વ્યાપક પ્રશંસા મળી રહી છે.
SRK એક્સપોર્ટ્સ પ્રા. લિ.ના ચેરમેન શ્રી ગોવિંદભાઈ ધોળકિયાએ બેંકની ઝડપી, પારદર્શક અને કાર્યક્ષમ સેવા બદલ પ્રશંસા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “અમારા કર્મચારીઓ અમારા પરિવારનો અભિન્ન ભાગ છે. આવી મુશ્કેલ ઘડીએ બેંક ઑફ ઇન્ડિયાએ ખૂબ જ ઝડપથી વીમા ક્લેમનું નિરાકરણ કરીને પરિવારને સમયસર આર્થિક સહારો આપ્યો છે. કર્મચારી કલ્યાણ પ્રત્યે બેંકનો આ અભિગમ ખરેખર પ્રશંસનીય છે.”