AM/NS India દ્વારા સલામતી માસની ઉજવણીનો આરંભ

કામકાજના સ્થળને સુરક્ષિત બનાવવા માટે વ્યક્તિગત અને સામૂહિક પ્રયત્નો પર ભાર મૂકવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે

હજીરા – સુરત, માર્ચ 13, 2024: વિશ્વની બે અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપની આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેના સંયુક્ત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) દ્વારા સલામતી મહિનાની ઉજવણી માટે શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે, જે સલામત કાર્યસ્થળને પ્રોત્સાહન આપવાની તેમની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
AM/NS Indiaના સલામતી માસની શરૂઆત મુખ્ય ફ્લેગશિપ પ્લાન્ટ હજીરા ખાતે સલામતી દિવસ તરીકે ઉજવાતા માર્ચ 4ના દિવસે ધ્વજવંદન સમારોહથી થઈ હતી. સલામતી મહિનાની થીમ “ESG ઉત્કૃષ્ટતા માટે સલામતી નેતૃત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવું” છે, જે સલામતી નેતૃત્વ એ માત્ર એક જવાબદારી નથી, પરંતુ પર્યાવરણીય, સામાજિક અને વહીવટી (ESG) ઉત્કૃષ્ટતા માટે મહત્વનું પ્રેરક હોવાની બાબત પર ભાર મૂકે છે. આ પ્રસંગે AM/NS Indiaના વરિષ્ઠ આગેવાનોએ સંબોધન કર્યું હતું અને આગામી વર્ષ માટે ESG અંગેની તેમની અપેક્ષાઓ નક્કી કરી હતી.
વિમ વેન ગર્વન, ચીફ ઓપરેટિંગ ઓફિસર, આર્સેવલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા(AM/NS India)એ જણાવ્યું હતું કે, “AM/NS India ખાતે, અમે અમારી કામગીરીમાં સલામતીને સૌથી વધુ પ્રાધાન્ય આપીએ છીએ અને અમારા કાર્યબળની સલામતી અને સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે સૌથી ચુસ્ત પદ્ધતિઓ અને કાર્યપ્રણાલીઓ અમલમાં મૂકી છે. જો કે, સલામતી એ માત્ર સિસ્ટમ્સ અથવા ઉપકરણોથી નહીં પરંતુ આદતથી પ્રાપ્ત કરી શકાય છે. કર્મચારીઓમાં સલામતી પ્રત્યે સંપૂર્ણ સજાગતા હોવી અત્યંત આવશ્યક હોવાની સાથે-સાથે જ તે સ્વભાવગત હોવી જોઈએ. જે સલામતી મહિના દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ છે.”
AM/NS Indiaએ સલામતીનાં મુખ્ય સંદેશાઓને સરળ અને અસરકારક ભાષામાં લોકો સુધી પહોંચાડવા તથા કામકાજનું સુરક્ષિત અને સલામત વાતાવરણ ઊભું કરવામાં સક્રિય ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે સેફ્ટી પોસ્ટર્સ અને સ્લોગન જેવા કાર્યક્રમોનું પણ આયોજન કર્યું છે.
એક મહિના સુધી ચાલનારી આ ઉજવણીના અન્ય કાર્યક્રમોમાં કૌન બનેગા સુરક્ષાપતિનો સમાવેશ થાય છે, આ કાર્યક્રમનો હેતુ સુરક્ષા અંગેની પ્રશ્નોત્તરીની થકી સલામતીની પહેલમાં મહત્તમ સંખ્યામાં કર્મચારીઓને જોડવાનો છે.