અંડર 13માં ગ્રુપમાં સીઓના ગાલા અને તનીશ ચોકસીએ બન્યા વિજેતા
સુરત: ગુજરાત સ્ટેટ બેડમિન્ટન એસોસિયેશન દ્વારા રાજકોટ ખાતે આયોજિત અંડર 11, અંડર 13 અને અંડર 15 કેટેગરીના રાજ્ય કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી સુરતનું નામ રોશન કર્યું છે. સુરતની સીઓના ગાલા અને તનિશ ચોકસીએ અંડર 13 ગ્રુપમાં જીત મેળવી હતી. હવે બંને ખેલાડીઓ લખનઉ ખાતે યોજાનાર સબ જુનિયર નેશનલ ગેમ્સ ખાતે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
રાજકોટના આરએમસી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 31 ઓક્ટોબર થી 5 નવેમ્બર સુધી યોજાયેલ રાજ્ય કક્ષાની બેડમિન્ટન સ્પર્ધામાં 300 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં સુરતની સિઓના ગાલા એ અંડર 13માં ગ્રુપની સિંગલ્સ સ્પર્ધામાં ગાંધીનગરની અનુશા પાંડે ને 21-14,21-14ના પોઇન્ટ સાથે મ્હાત આપી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જ્યારે ગર્લ્સ ડબલ્સ માં અનુશા પાંડે સાથે મળી અમદાવાદની અન્વી પટેલ અને યુવા પટેલ સામે 21-11 અને 21-10 પોઇન્ટ સાથે જીત મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
જ્યારે બોયઝ અંડર 13 કેટેગરીમાં સુરતના તનિશ ચોકસીએ કચ્છ ના ભાષ્ય પાઠક સાથે મળી મહેસાણાના રુદ્ર ચૌહાણ અને અમદાવાદના પાર્થ પૂરી સામે 8-21,21-12 અને 22-20 સ્કોર સાથે જીત મેળવી હતી. આ ઉપરાંત તનિશ ચોકસી બોયઝ સિંગલ માં રનર અપ રહ્યો હતો. સુરતના આ બંને ખેલાડીઓ મનીત પહુજા ના કોચિંગ હેઠળ તાલીમ મેળવી રહ્યા છે ત્યારે તેમને બંને ખેલાડીઓ ને સફળતા બદ્દલ શુભેચ્છા પાઠવી હતી. હવે આ બંને ખેલાડીઓ આગામી દિવસોમાં લખનઉ ખાતે યોજાનાર સબ જુનિયર નેશનલ ગેમ્સ ખાતે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.