પ્રારંભિક તબક્કામાં જ સ્તન કેન્સરને ઓળખવાની ચાવી એટલે, સેલ્ફ-એક્ઝામિનેશન, પ્રિવેન્ટિવ સ્ક્રીનીંગ અને સમયસર નિદાન
VABB જેવી અદ્યતન ટેકનૉલોજી દ્વારા સ્તનમાં થયેલ નાનામાં નાની ગાંઠના નિદાન કરવામાં અને સંપૂર્ણ દૂર કરવામાં મદદ મળી શકે છે.
સુરત: દેશમાં કેન્સર-રોગીઓની સંખ્યા સતત વધી રહી છે, સ્ત્રીઓમાં સ્તન કેન્સર નું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આ દર્દીઓમાંથી મોટા ભાગનો સમૂહ 25 – 50 વર્ષની વચ્ચેનો છે. અગ્રણી ચિકિત્સક ડૉ. ધારા શાહ જેઓ ઇકોસ સોનોગ્રાફી એન્ડ મેમોગ્રાફી સેન્ટર, સુરત ના સંસ્થાપક અને નિયામક છે તે સેલ્ફ-એક્ઝામિનેશન અને પ્રિવેંટિવ સ્ક્રીનિંગની હિમાયત કરે છે જેથી સ્તનમાં કોઈપણ ગાંઠ અથવા અનિયમિતતા હોય તો તેની પ્રારંભિક તબક્કે અને સમયસર જાણ થઈ શકે.
સ્તનકેન્સરના જોખમ અને ગંભીરતાને રોકવા માટે ડૉ. શાહે કહ્યું,, “સ્તનકેન્સર ખૂબ આગળના તબક્કામાં વધી જાય તે પહેલા તેનું વહેલી તકે નિદાન થાય તો તેની સફળતાપૂર્વક સારવાર કરવાનું સરળ બને છે. વહેલી તકે ખબર પડે કે સ્તન કેન્સર છે તે માટે નિયમિતપણે ૪૦ વર્ષની ઉંમરથી અને પછી દર વર્ષે મેમોગ્રામ કરાવવું એ સૌથી વિશ્વસનીય રીત છે. સ્તનમાં કોઈપણ ગાંઠ, નીપલ ડિસ્ચાર્જ કે ચામડીનો રંગ બદલાય અથવા શારીરિક અસામાન્યતા જોવા માટે સેલ્ફ-બ્રેસ્ટ એક્ઝામિનેશનની અને મેમોગ્રાફી ની સલાહ આપવામાં આવે છે. જો કોઈ અનિયમિતતા જોવા મળે તો, વેક્યૂમ-આસિસ્ટેડ બ્રેસ્ટ બાયોપ્સી (VABB) જેવી અદ્યતન ડાયગ્નોસ્ટિક તકનીક સ્તનની નાનામાં નાની ગાંઠના નમૂના કોઈપણ જગ્યાએ થી સચોટપણે લઇ શકે છે, જે અન્ય પરંપરાગત બાયોપ્સી પદ્ધતિઓમાં ઘણીવાર ચૂકી જવાય છે. VABB નો ફાયદો એ છે કે, સ્તન કેન્સર હોવાની સંભાવનાનું પ્રારંભિક સચોટ નિદાન કરી શકાય છે જે ચિકિત્સકને દર્દીની સારવારમાં મદદ કરે છે.”
છેલ્લા બે દાયકામાં 30-40 વર્ષની મહિલાઓમાં સ્તન કેન્સરનું પ્રમાણ બમણાથી પણ વધારે જોવા મળેલ છે. મહિલાઓએ તેમના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ અને નિયમિત ચેક-અપ તથા સ્ક્રીનીગ મેમોગ્રાફીને એક આવશ્યકતા તરીકે અપનાવવા જોઈએ. ઘણીવાર દર્દીઓ તેમની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જાય ત્યારે અથવા કેન્સર વધીને અંતિમ તબક્કામાં હોય ત્યારે હોસ્પિટલમાં પહોંચે છે. આવા સમયે કેન્સરગ્રસ્ત સ્તન દુર કરવાની જરૂરીયાત પડી શકે છે. રોગનું નિદાન મોડું થતા કેન્સર શરીરમાં ફેલાવાથી ભારતમાં મૃત્યુદર ખૂબ વધારે છે.
ઘણીવાર મહિલાઓને સ્તનમાં ગાંઠની જાણ થતા તેઓ ખૂબ જ ચિંતિત થઈ જાય છે, જો કે તમામ ગાંઠ કેન્સર નથી હોતી. યુવાન મહિલાઓમા આવી ગાંઠ ફાઈબ્રોએડીનોમા તરીકે ઓળખાતી એક સામાન્ય સમસ્યા છે. પરંપરાગત રીતે, આવી ગાંઠ શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવે છે, પરંતુ VABB દ્વારા હવે પીડારહિત, ડાઘરહિત, ટાંકા વગર અને હોસ્પિટલમાં દાખલ થયા વગર બિન-કેન્સરયુક્ત ગાંઠ અને ફાઈબ્રોએડીનોમાને દૂર કરી શકાય છે.
“ડૉ. શાહ વધુમાં જણાવે છે, “મહિલાઓએ સારવારથી ડરવું જોઈએ નહીં અને સ્તનમાં થયેલ નાનામાં નાની ગાંઠ ના નિદાન તેમજ તેને દૂર કરવા માટે VABB જેવી અદ્યતન ટેકનૉલોજીનો સહારો લેવો જોઈએ. આજે આપણે સ્તન કેન્સર સામે લડવા વધુ સારી રીતે સજ્જ છીએ. મહિલાઓએ જાતે જાગૃત થઈ તેને રોકવા માટે પ્રિવેન્ટીવ સ્ક્રિનિંગ માટે વધુ ને વધુ સક્રિય રહેવું જોઈએ”.
વિદેશોમાં VABB જેવી અદ્યતન ટેકનૉલોજીનો વ્યાપકપણે ઉપયોગ થાય છે અને તે હવે ભારતમાં, આપણા સુરતમાં ઉપલબ્ધ છે, જેથી મહિલાઓને સ્તન કેન્સર સામે સારી રીતે લડવામાં અને સ્વસ્થ રહેવામાં મદદ મળશે. સમયસર તપાસ અને સારવારથી કેન્સરગ્રસ્ત સ્તનને બચાવી શકાય છે તથા દર્દીઓમાં મૃત્યુદરના જોખમને ઘટાડી શકાય છે. મહિલાઓએ નિદાન માટેની આવી અદ્યતન ટેકનૉલોજીથી વાકેફ હોવું જોઈએ અને કોઈપણ ચિંતાજનક સ્થિતિને સમયસર ઓળખવા માટે નિયમિત તપાસ સુનિશ્ચિત કરવી જોઈએ.