SVNM ટ્રસ્ટ દ્વારા 23મી જૂને ઈન્ડોર સ્ટેડિયમ ખાતે “ઉજિયાલા” કાર્યક્રમનું આયોજન

આ ઈવેન્ટનો પ્રાથમિક ઉદ્દેશ લોકોને અંધત્વ અને તેના નિવારણ વિશે જાગૃત કરવાનો છે

આ કાર્યક્રમમાં 7,000 થી વધુ લોકો ભાગ લેશે અને અંધત્વથી પીડાતા જરૂરિયાતમંદ લોકોને આંખોની મફત સર્જરી દ્વારા સારવાર ઉપલબ્ધ કરાવવા માટેના SVNM ટ્રસ્ટના મિશન સાથે જોડાશે

સુરત : સુરત સ્થિત સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર (SVNM) ટ્રસ્ટ દ્વારા 23 જૂને ઇન્ડોર સ્ટેડિયમ, અઠવાલાઇન્સમાં “ઉજિયાલા – દૃષ્ટિ સે સૃષ્ટિ કી ઓર” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઈવેન્ટનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં અંધત્વ નિવારણ અંગે જાગૃતિ ફેલાવવાનો છે.

સવારે 9:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી યોજાનાર આ કાર્યક્રમની શરૂઆત દ્રષ્ટિહીન લોકો દ્વારા એક લાઈવ પ્રેરણાત્મક મ્યૂઝિક બેન્ડ સાથે થશે. ત્યાર બાદ, SVNM ટ્રસ્ટ દ્વારા અંધત્વ નિવારણ માટે કરવામાં આવતી કામગીરી અને માનવજીવનને નવી ઉર્જા આપતી સત્યકથા રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અંદાજિત 7,000 થી વધુ સેવાભાવી લોકો ઉપસ્થિત રહેશે તેવી અપેક્ષા છે.

SVNM ટ્રસ્ટના પ્રમુખ અને આંખ ના પડદા ના ડો. ભાવિન પટેલે જણાવ્યું હતું કે, અમારી સંસ્થા અંધત્વ નિવારણ અને તેના વિશે જાગૃતિ ફેલાવવા માટે સમર્પિત છે. આજે ગુજરાતના 6 લાખ સહિત દેશભરમાં લગભગ એક કરોડ લોકો અંધત્વની સમસ્યાથી પીડાય છે. જો આંખોની નિયમિત તપાસ કરવામાં આવે તો 80 ટકા અંધત્વના કિસ્સાઓ અટકાવી શકાય છે. SVNM ટ્રસ્ટ, સમયાંતરે આંખોની સંભાળ અને જાગૃતિ અભિયાન અંગે આંખોની તપાસ કેમ્પ, સેમિનાર અને વર્કશોપનું આયોજન કરે છે. ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને આંખની મફત સારવાર અને આંખોની સર્જરી કરવામાં આવે છે. જેઓ અંધત્વની સારવારથી વંચિત છે તેમના સુધી પહોંચવાની અને તેમને અંધત્વમાંથી મુક્તિ મેળવવા માટે જરૂરી કોઈપણ માધ્યમથી સારવાર આપવાની જવાબદારી ટ્રસ્ટે ઉપાડી છે. SVNM ટ્રસ્ટનું સૂત્ર “સેવ વિઝન, સેવ લાઈફ” છે અને તેનું મિશન સમાજમાંથી બિનજરૂરી અંધત્વને દૂર કરવાનું છે.

SVNM ટ્રસ્ટ સુરતના ઉધના અને અડાજણ વિસ્તારમાં આંખની હોસ્પિટલ ધરાવે છે અને દક્ષિણ ગુજરાતના ગામડાઓના વંચિત લોકોને સારવાર ઉપલબ્ધ કરાવવા માટે ટૂંક સમયમાં નવસારીમાં નવી અત્યાધુનિક આંખની હોસ્પિટલ શરૂ કરવાની યોજના ધરાવે છે. ત્યારબાદ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને તેમજ રાજસ્થાનમાં પણ આંખની હોસ્પિટલ શરૂ કરવાની યોજના છે.

સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે કે, “બ્રહ્માંડની તમામ શક્તિઓ પહેલેથી જ આપણી છે. આપણે જ આંખો પર હાથ મૂકીને રડીએ છીએ કે, અહીં કેટલો અંધકાર છે.” જીવનમાં અંધકારમાંથી પ્રકાશ તરફ આગળ વધવું જોઈએ, આ સંદેશ સાથે જીવન માટેની પ્રેરણાદાયી વાર્તા પણ ‘ઉજિયાલા’ કાર્યક્રમમાં રજૂ કરવામાં આવશે.

મૂળભૂત રીતે, અકારણ અંધત્વને રોકવા અને તેના નિવારણ અંગે જાગૃતિ ફેલાવવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે જ 23મી જૂને “ઉજિયાલા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. SVNM ટ્રસ્ટે, સહિયારા પ્રયાસ સાથે સમાજમાંથી અંધત્વને નાબૂદ કરવાના આ મિશનમાં જોડાઈને પરમ શાંતિ અને સંતોષનો અનુભવ કરવા માટેના ટ્રસ્ટના આ પ્રવાસમાં જોડાવા માટે વધુમાં વધુ લોકોને આ ઇવેન્ટમાં ભાગ લેવાની અપીલ કરી છે.