ક્રેડાઈ સુરત દ્વારા આયોજિત સ્માર્ટ સુરત પ્રોપર્ટી ફેસ્ટ ને જબરદસ્ત પ્રતિસાદ

સુરત. રિયલ એસ્ટેટને બૂસ્ટર આપવા માટે ક્રેડાઈ સુરત દ્વારા શહેરના સરસાણા ખાતે ત્રણ દિવસીય પ્રોપર્ટી શો સ્માર્ટ સુરત પ્રોપર્ટી ફેસ્ટ – ૨૦૨૨ તેજીના ટકોરા નું આયોજન કરવામાં આવ્યું છે જેને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. બે દિવસમાં જ 45 હજારથી વધુ લોકોએ આ ફેસ્ટ ની મુલાકાત લીધી છે. જ્યારે અંતિમ દિવસે એટલે કે રવિવારે મોટી સંખ્યામાં મુલાકાતીઓના પહોંચવાની આશા આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ક્રેડાઈ સુરત દ્વારા સરસાણા ખાતેના ડોમમાં આયોજિત કરવામાં આવેલા પ્રોપર્ટી ફેસ્ટ માં રેસીડેન્સીયલ, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ પ્લોટના 200 થી વધુ પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા છે જેથી લોકોને એક જ છતની નીચે શહેરમાં ચાલતા પ્રોજેક્ટ્સ વિશેની રજેરજની માહિતી મળી રહે. શુક્રવારથી શરૂ થયેલા આ પ્રોપર્ટી ફેસ્ટ ને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રથમ દિવસે જ 20 હજાર મુલાકાતીઓ પહોંચ્યા હતા જ્યારે આજરોજ 25 હજારથી વધુ લોકોએ ફેસ્ટ ની મુલાકાત લીધી હતી. રવિવારે ફેસ્ટનો અંતિમ દિવસ છે ત્યારે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પહોંચશે એવી આશા વ્યકત કરવામાં આવી રહી છે. આજરોજ ફેસ્ટ ના બીજા દિવસે સુરત મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ સાથે મળીને એક ટોક શો નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 500 થી વધુ ડેવલપર ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ દર કલાકે ડ્રો અને રાત્રે બમ્પર ડ્રો દ્વારા વિજેતાઓને ઈનામ આપવામાં આવ્યા હતા. સાથે જ ફેસ્ટ માં પધારેલા લોકોએ ફૂડ ફેસ્ટિવલ નો પણ મોટી લાહવો લીધો હતો.

ક્રેડાઇ સુરતની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

પ્રોપર્ટી ફેસ્ટ ની સાથે જ આજરોજ ક્રેડાઇ સુરતની 31મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. ચેરમેન રવજી પટેલ અને પ્રમુખ સંજય માંગુકિયા ની અધ્યક્ષતામાં યોજાયેલ સાધારણ સભામાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

પીએમ ના જન્મ દિવસ પર બાંધકામ શ્રમિકોના બાળકોને અપાયો પૌષ્ટિક આહાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના જન્મ દિવસની ક્રેડાઈ સુરત દ્વારા પણ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા શ્રમિકોના બાળકોને પૌષ્ટિક આહાર ની કીટ વિતરણ કરવા સાથે જ શ્રમિકોના આરોગ્યની તપાસ અને સારવાર માટેનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.