સિદ્ધાર્થ કુમાર તિવારીના ઇન્ટરવ્યૂની ટ્રાન્સ્ક્રિપ્ટ

કલર્સની ‘શિવ શક્તિ – તપ ત્યાગ તાંડવ’ : નિર્માતા સિદ્ધાર્થ કુમાર તિવારી કહે છે, “મને લાગે છે કે, પૌરાણિક કથાઓને જીવંત કરવી એ મારો ધર્મ છે”
કલર્સની નવી ભવ્ય ધારાવાહિક ‘શિવ શક્તિ – તપ ત્યાગ તાંડવ’ એ આપણી બે આદરણીય દેવતા શિવ અને શક્તિની વાર્તા રજૂ કરે છે. તેમના વચ્ચેના પ્રેમ, કર્તવ્ય, ત્યાગ અને વિયોગની કથા તપ, ત્યાગ અને તાંડવના રૂપમાં જોવા મળશે. ભૂતકાળમાં પણ કેટલીક ભવ્ય પૌરાણિક ધરાવાહિકો એક સાથે કરી ચૂકેલ કલર્સ અને પૌરાણિક કથાના બાદશાહ સિદ્ધાર્થ કુમાર તિવારી આ ભવ્ય અને મનોહર ધારાવાહિક માટે ફરી વાર એક સાથે આવ્યા છે.
ઇન્ટરવ્યૂના અંશો:
1. આ ધારાવાહિક વિશે અમને કશુંક જણાવો.
A. ‘શિવ શક્તિ- તપ ત્યાગ તાંડવ’ એક પૌરાણિક ધારાવાહિક છે, જેમાં આ બ્રહ્માંડની આદ્ય પ્રેમ કથા દર્શાવવામાં આવનાર છે. ભગવાન શિવ અને શક્તિ માતાના પ્રેમ, કર્તવ્ય, ત્યાગ અને વિયોગની કથા તપ, ત્યાગ અને તાંડવના રૂપમાં જોવા મળશે.
2. ફરી એક વાર કલર્સ સાથે સહયોગ કરવા અંગે તમારા વિચારો જણાવો.
A. કલર્સ આજે મનોરંજન ક્ષેત્રની એક અગ્રણી ચેનલ છે, જેનું કારણ છે, તેના પરથી પ્રસારિત થતી એકથી એક ચડિયાતી ધારાવાહિક. વૈવિધ્યસભર અને મનોરંજક સામગ્રી માટેનું તે એક ઉત્કૃષ્ટ ડેસ્ટિનેશન છે. સ્વસ્તિક પ્રોડક્શન્સે ઘણી વાર તેમની સાથે સહયોગ કરીને સફળ ધરવાહિકો રજૂ કરેલ છે. આ વખતે વધુ એક પૌરાણિક ધારાવાહિક તેમના સહયોગથી રજૂ કરતા અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ. મને આશા છે કે, ‘શિવ શક્તિ’ને લીધે પ્રેક્ષકોનો આપણાં આરાધ્ય એવા દેવી-દેવતાઓ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત થશે.
3. શિવ શક્તિની પ્રેમ ગાથા રજૂ કરવાનો વિચાર તમારા મનમાં કેવી રીતે આવ્યો? આ ધારાવાહિકમાં સિદ્ધાર્થ કુમાર તિવારીની ઓળખાણ આપનાર કયા ઘટકો દર્શકોને જોવા મળશે?
A. મારા નાનપણથી મને ભગવાન શિવ પ્રત્યે વિશેષ આકર્ષણ હતું. મારા માતા-પિતાએ મને જે શિવ-કથાઓ સંભળાવી, તેનાથી હું અભિભૂત થઈ જતો. એ જ સમયે મારા મનમાં આ ભગવાન પ્રત્યે આદર અને જીજ્ઞાસા જન્મી હતી. હું જ્યારે પણ પૌરાણિક કથા વાંચું છું, જેને હું આપણો ઇતિહાસ જ માનું છું, ત્યારે મને જણાઈ આવે છે કે શિવ અને શક્તિની પ્રેમ કથામાંથી આપણને જીવનના હેતુ વિશે એક ગહન બોધપાઠ આપે છે. આ એક અદ્ભુત પ્રેમકથા છે, જે બધાને ખબર હોવી જોઈએ. તે માટે આ ધારાવાહિકના દરેક પાસા પર અમે ઘણી જ મેહનત કરેલ છે, કે જેથી તે આકર્ષક અને નિર્દોષ બને. કર્તવ્યના મહત્ત્વ પર ભાર મૂકીને એક નયનરમ્ય અને સુમધુર સંગીતથી સુશોભિત પ્રોડક્શનમાં તેને ગૂંથીને અમે એક એવી પ્રેમકથા રજૂ કરવા ઈચ્છીએ છીએ કે જે યુવા પેઢીને ગમે અને તેમને પ્રેરણા આપે. મને લાગે છે કે, પૌરાણિક કથાઓને જીવંત કરવી એ મારો ધર્મ છે અને મારા પ્રયાસને સુંદર રીતે રજૂ કરવા બદલ હું કલર્સનો ઋણી છું.
4. શિવ શક્તિ – તપ ત્યાગ તાંડવ બીજી ધારાવાહિકો કરતા કેવી રીતે અલગ છે?
A. જ્યારે આપણાં આસપાસની દરેક વસ્તુ નશ્વર છે, ત્યારે આ ધારાવાહિક એક કાલાતીત પ્રેમ કથા રજૂ કરે છે, જે બધી લાગણીઓને પાર કરે છે. આ ધારાવાહિક દિવ્યત્વ, ભક્તિ, ત્યાગ અને કર્તવ્ય દર્શાવતી એક ભવ્ય-દિવ્ય પ્રેમકથા અનોખી રીતે પ્રસ્તુત કરે છે. ‘પ્રેમ શાશ્વત છે’ એ આપણી ધારણા પાછળ મૂળ રૂપ થી શિવ અને શક્તિ જ છે. અમારો ઉદ્દેશ એ દર્શાવવાનો છે કે, શિવ શક્તિની પ્રેમ કથા કેવી રીતે સાર્થક જીવન જીવવા માટે માર્ગદર્શક પ્રકાશ તરીકે કામ કરે છે.
5. ‘શિવ શક્તિ’ના નિર્માણમાં કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો? આ ધારાવાહિકનો વિરાટ પટ જોતાં, તમને ક્યારેય પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવાની જરૂર જણાઈ?
A. આવી ભવ્ય વાર્તા કહેવાય માટે ખૂબ જ સમય અને સમર્પણની આવશ્યકતા હોય છે, જે પડકારજનક હોય છે અને એટલે જ મને ગમે છે. શિવ શક્તિની વાર્તાને આપણે ન્યાય આપી શકીશું કે નહીં એ બાબતે મેં ઘણું વિચાર મંથન કર્યું, કારણ કે એ એવી બાબત નથી કે રાત્રે મનમાં વિચાર આવ્યો અને તરત જ તેના પર કામ શરૂ કરી દીધું. ધારાવાહિકના દરેક પાસા પર કામ કરવા માટે અમને એક વર્ષ જેટલો સમય લાગ્યો. વિવિધ ગ્રંથોનું વાંચન કરવાથી માંડીને આ અદ્ભુત વિશ્વ નિર્માણ કરવા માટે વિવિધ સંદર્ભ જોવા માટે અમે ઘણી મહેનત કરી.
6. શિવ શક્તિના શૂટિંગ દરમિયાન બનેલ કોઈ રસપ્રદ કિસ્સાઓ હોય તો કૃપા કરીને અમારી સાથે શેર કરો.
A. અહીં દરેક દિવસ રસપ્રદ છે. કલ્પના કરો, જ્યારે 1000 લોકો સેટ બનાવવાનું કામ કરે છે, 100 લોકો VFX પર કામ કરે છે અને 200 લોકો પ્રોડક્શન ટીમ, સંગીત વિભાગ, કળા વિભાગ અને કોશ્ચ્યુમ વિભાગમાં કામ કરે છે. જ્યારે આટલા બધા લોકો એક વાર્તા કહેવા માટે ભેગા થાય ત્યારે, કેટલી રસપ્રદ ક્ષણો પસાર થતી હશે. શરૂઆતમાં હું પણ આ ધારાવાહિકના પાત્રોને ઊભા કરવા માટે નિર્દેશનનું કામ કરી રહ્યો છું. તે એક પડકારજનક અનુભવ છે. આજના સમયમાં કશુંક કેવી રીતે જણાવવું તે અંગે અમે ચર્ચા કરતા હોઈએ છીએ અને ત્યારે ઘણી રસપ્રદ ક્ષણો આવે છે.
7. ઘણા લોકો શિવ અને શક્તિની પ્રેમની વાર્તા જાણે છે, જેથી આ વાર્તામાં આશ્ચર્યનું કોઈ તત્વ નથી. ધારાવાહિકના સર્જક તરીકે તમે આ અવરોધનો સામનો કેવી રીતે કર્યો? દર્શકો શેની આશા રાખી શકે?
B. આવી મહાન કથાઓનું સૌંદર્ય એ જ વાતમાં છુપાયેલું છે કે, આ વાર્તાઓ ઘણી રીતે અને ઘણી વખત, ફરીથી કહી શકાય છે. મને લાગે છે કે, શિવ શક્તિની જે વાર્તા અમે રજૂ કરી રહ્યા છીએ, તે આ મહાન કથાનું અમારું અર્થઘટન છે અને દર્શકો માટે તે કેટલું સુસંગત છે એ વાત મહત્ત્વની છે. તેથી, મારા માટે મુખ્ય અવરોધ એ છે કે, હું તેનું કેવી રીતે અર્થઘટન કરું છું અને આ કથા દ્વારા શું કહેવાનો પ્રયાસ કરી રહ્યો છું. આ મારા માટે સૌથી મોટો પડકાર હતો. આ કથાનું સાર શોધવા માટે મને 4-5 મહિના લાગ્યા. વાર્તાનું સાર રજૂ કરવું તે સૌથી મોટી મુશ્કેલી હતી. સર્વોચ્ચ પ્રેમ થી પણ ઉપર કર્તવ્ય હોય છે, એ ‘શિવ શક્તિ’ વાર્તાનું સાર છે.
8. કોઈ દેવતાની ભૂમિકા માટે અભિનેતાની પસંદગી કરવાનું કામ ઘણું જ જવાબદારીનું છે, કારણ કે તેમાં લોકોની લાગણીનો પ્રશ્ન હોય છે. આવી ભૂમિકા માટે અભિનેતાની પસંદગી કરતી વખતે કઈ બાબતોનો વિચાર તમે કરો છો?
A.    આ સાચ્ચે જ એક બહુ મોટી જવાબદારી છે. કારણ કે ભગવાન શિવનું રૂપ કેલેન્ડર કે અન્ય સ્વરૂપે દરેક ઘરમાં પહોંચી ચૂક્યું છે. જેથી, તે કરતા અલગ શિવ-સ્વરૂપનો વિચાર કરવો તે મારા માટે પડકારરૂપ હતું. માટે, મારા માનસ-ચિત્ર સાથે સુસંગત શિવનું રૂપ હોવું જોઈએ, એવો આગ્રહ મેં રાખ્યો હતો. આ ભૂમિકા માટે કેટલાક મહિના સુધી હું ઓડિશન લેતો રહ્યો. કારણ કે જો એ મારા મનમાં વસેલ શિવ જેવો નહીં હોય, તો તેને શિવ માનવું મારા માટે અઘરું થાત. અને જો હું જ એને ભગવાન શિવ માની શકતો નહીં હોઉં, તો દર્શકોને હું કેવી રીતે સમજાવી શકીશ? બીજી વાત છે પરફોર્મન્સની. આવા દિવ્ય પાત્રો તેમનું રૂપ અને અભિનયના સંયોજનથી સાકાર થતાં હોય છે. એટલે જ આ બંને ઘણી અગત્યની વસ્તુઓ છે.
9.  વરિષ્ઠ સેટ ડિઝાઇનર ઓમંગ કુમાર બી. દ્વારા આ શોના સેટ્સ તૈયાર કરવામાં આવેલ છે. તમારી લગભગ તમામ ધરાવાહિકો માટે એણે તમારી સાથે કામ કરેલ છે. આ સંબંધની શરૂઆત કેવી રીતે થઈ હતી?
A.    હું એક એવા માણસનો સાથ ઈચ્છતો હતો, જેને લાઈફ વિશેના મારા વિઝનની સમજણ હોય અને કૈલાસ અને દક્ષ નું વિશ્વ કેવું હશે તેની કલ્પના કરી શકે. ઓમંગ આ ક્ષેત્રનો અનુભવી છે અને આ પહેલા પણ મેં ઓમંગ સાથે કામ કરેલ હોવાથી એક સાથે મળીને કામ કરીને આ ભવ્ય ધારાવાહિકનું  નિર્માણ કરવું અમારા માટે સહેલું રહ્યું.
10.   કૈલાસ અને શિવ શક્તિનું વિશ્વ સાકાર કરવા પાછળની પ્રેરણા શું હતી?
A.   હું જ્યારે ઓમંગને મળ્યો, ત્યારે મેં તેને કીધું હતું કે આપણે એક અલગ કૈલાસનું નિર્માણ કરવું છે, કારણ કે આજ સુધી લોકોએ એક વિશિષ્ટ રૂપમાં કૈલાસના દર્શન કર્યા છે. કંઇક અનોખી શૈલીમાં તે રજૂ કરવાની મારી ઈચ્છા હતી. કૈલાસ માટે અમારી પાસે સંદર્ભ હતો એ માઉન્ટ કૈલાસનો, જે યુગોયુગોથી અસ્તિત્વમાં છે. કૈલાસનું મૂળ સ્વરૂપ ગુમાવ્યા વગર અમે એક એવા કૈલાસનું નિર્માણ કર્યું છે, જે લોકોએ ક્યારેય જોયો નહીં હોય.
 11.  નયનરમ્ય સેટ્સ સાથે આ શો માં શ્રેષ્ઠ VFX પણ છે. દર્શકો માટે તે કેવા અનુભવની કલ્પના કરી હતી, તે વિશે જણાવીશ?
A. આવી વાર્તાઓ રજૂ કરવામાં VFX ઘણી જ મહત્ત્વની વસ્તુ છે. કારણ કે આપણે એક આખ્ખું નવું જગત ઊભું કરીએ છીએ. આ નવા વિશ્વનું નિર્માણ કરતા પહેલા અમે તેનું એક 3D મૉડેલ તૈયાર કર્યું, કારણ કે એ વિશ્વ આપણે ક્યારેય જોયેલ નથી. વિઝ્યુઅલ ઇફેક્ટ પાત્રોની આજુબાજુ એક ભવ્ય દિવ્ય વિશ્વ સાકાર કરે છે, તેથી આ પાત્રો વધુ દિવ્ય લાગે છે.
12. આ સેટ કેટલો આલીશાન છે? તેનું ક્ષેત્રફળ, તેના પર કામ કરનાર લોકોની સંખ્યા, ખર્ચ વિગેરે વિશેની માહિતી કૃપા કરીને શેર કરો. શું આપણે ભારતીય ટેલિવિઝનના ઇતિહાસની આ સૌથી ખર્ચાળ ધારાવાહિક છે એવો દાવો કરી શકીએ?
A. હા, મને લાગે છે કે, આવો દાવો આપણે કરી શકીએ છીએ. સેટ માટે 100,000 ચોરસ ફૂટ ક્ષેત્રફળનો ઉપયોગ કરાયો છે કારણ કે ધારાવાહિકના મોટા ભાગનું શૂટિંગ ઇન્ડોર અને નિયંત્રિત વાતાવરણમાં કરવામાં આવેલ છે અને ભવિષ્યમાં પણ કરાશે.
13.   શિવ શક્તિ – તપ ત્યાગ તાંડવ ધારાવાહિક માંથી પ્રેક્ષકોને મુખ્ય રૂપથી શું મળશે?
A. ભારતીય ઇતિહાસની આ વાર્તાઓ (પૌરાણિક કથા) વિશિષ્ટ હેતુ સાથે કહેવામાં આવે છે. ભગવાન શિવના જીવનમાં શું ઘટ્યું હતું એ તમે જ્યારે જુઓ છો, ત્યારે તમે વિચારી શકો છો કે તે સમયે શું શું બન્યું હશે અને તેના ઉપાખ્યાન પણ ખબર પડે. દર્શકોનું મનોરંજન એ તો મુખ્ય ઉદ્દેશ છે જ. મને લાગે છે કે, ભારતીય પુરાણો મનુષ્યને વિચાર-પ્રવૃત્ત કરવા માટે જ લખાયેલ હોવા જોઈએ. એટલે, આ ધારાવાહિક તમને ભરપૂર મનોરંજન આપશે અને સાથે સાથે એક ગહન વિચાર અને ઉદ્દેશ પણ આપશે. અમે એમાં એક વિભાગ સામેલ કરેલ છે, જેનું નામ છે શિવ મંત્ર, જેમાં ભગવાન શિવ પોતાના વિચારો રજૂ કરશે અને આજના યુગમાં તે કેવી રીતે આત્મસાત કરી શકાય તે જણાવશે.