સમાજના સાચા હીરોને સન્માનવાનો અવસર એટલે “સાહસિયો”

સુરત: કુદરતી કે માનવસર્જિત આફત સમયે હમેશા દેશવાસીઓના સહયોગ માટે આગળ રહેતા સુરત ખાતે સમાજના સાચા હીરો ને સન્માનવાનો અનોખો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. પ્રતિપાલના ચેરીટેબલ ટ્રસ્ટ અને વિશ્વ હિન્દુ મહાસંઘ દ્વારા “સાહસિયો” શીર્ષક હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં જીવ જોખમમાં મૂકીને પણ પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક બજાવનાર સરકારના વિવિધ વિભાગોના કર્મચારીઓ અને તેમના પરિવારોનું સન્માન કરવામાં આવશે.

આયોજન અંગે માહિતી આપતા પ્રતિપાલના ચેરીટેબલ ટ્રસ્ટના નીતિનભાઈ કુમઠ અને વિશ્વ હિન્દુ મહાસંઘના નવીનભાઈ કુમઠ એ જણાવ્યું હતું કે શહેર અને નાગરિકોના જાનમાલની સુરક્ષા અને પ્રજાને સુવિધાઓ આપવા માટે વિવિધ વિભાગો કાર્યરત છે. જેમ કે ફાયર બ્રિગેડ, પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશન, વીજ કંપની વગેરે. ત્યારે ખાસ કરીને ફાયર બ્રિગેડની વાત કરીએ તો આગ કે કોઈ મોટી હોનારત સમયે સામાન્ય માણસ જ્યારે દૂર ભાગે છે ત્યારે ફાયર બ્રિગેડના જવાનો આગ તરફ દોડે છે. એટલે કે આગ બુઝવવા માટે જાય છે. ત્યારે ઘણી વખત ફાયર બ્રિગેડ ના જવાનો દાઝી જાય છે કે ગંભીર રીતે ઘાયલ થાય છે, આ જવાનો જાન ની પરવા કર્યા વિના પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક બજાવે છે. તો ઘણી વખત વીજળીના થાંભલા પર કામ કરતા કે ટ્રાન્સફર ફીટ કરતી વખતે વીજ કરંટ લાગવાથી વીજ કંપનીના કર્મચારીઓ પણ દાઝી જતા હોય છે કે થાંભલા પરથી પડી જવાના કારણે પથારીવશ થઈ જતાં હોય છે. ત્યારે આવા સમાજના સાચા હીરોનું સન્માન કરવાનું આયોજન પ્રતિપાલના ચેરીટેબલ ટ્રસ્ટ અને વિશ્વ હિન્દુ મહાસભા દ્વારા કરવામાં આવ્યું છે. “સાહસિયો” શીર્ષક હેઠળ યોજાનાર આ કાર્યક્રમમાં ફરજ બજાવતી વખતે થયેલી ઈજાઓના કારણે શરીરના અંગો ગુમાવનાર વિવિધ વિભાગોના 15 જેટલા કર્મચારીઓ અને તેમના પરિવારોનું સન્માન કરવામાં આવશે. સાથે જ તેમને આર્થિક સહાય તરીકે રોકડ રકમ પણ આપવામાં આવશે. કાર્યક્રમનું આયોજન 28મી મેના રોજ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સાંજે 6 વાગ્યાથી કરવામાં આવ્યું છે. આ આયોજન સાથે જ કિર્તીદાન ગઢવીના ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, સમાજ અગ્રણીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. વધુમાં આયોજકો દ્વારા જાણવામાં આવ્યું હતું કે સમાજના સાચુકલા હિરોઝને સન્માનવાના આ કાર્ય સાથે જે લોકો જોડાવા માંગતા હોય અને યથા ક્ષતિ મુજબ આર્થિક સહયોગ કરવામાં માંગતા હોય તે આવકાર્ય છે.