ગુજરાતી ફિલ્મ જગત માટે એક અનોખું પાનું રચતી અને રાષ્ટ્રપ્રેમને આધુનિક દૃષ્ટિકોણથી રજૂ કરતી ફિલ્મ ‘વિશ્વગુરુ’ ખૂબ જ જલ્દી રિલીઝ થવાની છે. ફિલ્મનું ટ્રેલર થોડા સમય પહેલા લોન્ચ થયું છે અને તેને દર્શકો તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો છે. આજે ફિલ્મના મુખ્ય કલાકારો સુરતના વિશિષ્ટ મહેમાન તરીકે શહેરમાં પધાર્યા હતા.
અભિનેતા ગૌરવ પાસવાલા, અભિનેત્રી સોનુ ચંદ્રપાલ અને ભાવિની જાની આજે સુરતમાં મીડિયા અને ચાહકો સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા. તેમની સાથે દિગ્દર્શક શૈલેષ બોઘાણી અને અતુલ સોનાર તથા નિર્માતા સતીશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ફિલ્મ ‘વિશ્વગુરુ’માં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક રાષ્ટ્ર આંતરિક અવ્યવસ્થાઓ સામે ઊભું રહીને વિશ્વ મંચ પર પોતાનું મહત્વ સ્થાપિત કરે છે. ફિલ્મમાં સામેલ છે શક્તિશાળી સંવાદો, દ્રશ્યો અને ભારતીય સંસ્કૃતિથી ભરપૂર પૃષ્ઠભૂમિ, જે ખાસ કરીને યુવાનોને રાષ્ટ્રપ્રેમનો ક્રિયાત્મક સંદેશ આપે છે.
ફિલ્મનું દિગ્દર્શન શૈલેષ બોઘાણી અને અતુલ સોનાર, નિર્માણ સતીશ પટેલ અને લેખન કિરીટભાઈ તથા અતુલ સોનાર દ્વારા થયું છે. સુક્રિત પ્રોડક્શન અને સ્વસ્તિક મોશન પિક્ચર્સ દ્વારા રજૂ થતી આ ફિલ્મમાં મુકેશ ખન્ના, કુરૂષ દેબૂ, ગૌરવ પાસવાલા, કૃષ્ણ ભરદ્વાજ, મકરંદ શુક્લ, શ્રદ્ધા ડાંગર, હિના જયકિશન, સોનાલી લેલે, ચેતન દૈયા, ધર્મેશ વ્યાસ અને જાની ભાવિની સહિત અનેક પ્રતિષ્ઠિત કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.
ફિલ્મનું સંગીત પણ એટલું જ ઊંડાણ ધરાવતું છે, જેમાં મેહુલ સુરતીનું સંગીત અને પાર્થ તર્પારાના ના શબ્દો છે. ગીતોને અવાજ આપ્યો છે આનંદી જોશી અને હરિ ઓમ ગઢવી, જ્યારે ફિલ્મનું સંપાદન સંજય સંકલાએ કર્યું છે.
દિગ્દર્શક શૈલેષ બોઘાણી કહે છે, “વિશ્વગુરુ એ માત્ર ફિલ્મ નથી – એ એવાં ભારતની કલ્પના છે જ્યાં સંસ્કૃતિ, સાહિત્ય અને રાષ્ટ્રભક્તિ જીવંત હોય.”
સુરતની મુલાકાત દરમિયાન આયોજિત મીટ એન્ડ ગ્રીટ કાર્યક્રમ દ્વારા શહેરના દર્શકો અને મીડિયાને આ સિનેમેટિક વિઝનને નજીકથી અનુભવનાં મોકો મળ્યો.