સુરતીઓની સિદ્ધિ : સાત સાહસિકોએ એવરેસ્ટ બેજ કેમ્પ સફળતા પૂર્વક પૂર્ણ કર્યો

પ્રતિકૂળ વાતાવરણ વચ્ચે પણ લૂકલા થી ટ્રેકિંગ શરૂ કરી નવમા દિવસે અને તે પણ એવરેસ્ટ ડેના દિવસે જ 5364 મીટર અંતર પૂર્ણ કરી સાહસનો પરિચય આપ્યો
સુરત: ડાયમંડ અને ટેકસટાઇલ સિટી તરીકે વિખ્યાત સુરત શહેરના લોકો હવે એડવેન્ચર માં પણ આગેકૂચ કરી રહ્યા છે. તાજેતરમાં સુરતના સાત સાહસિકો અતિ કઠીન અને પડકારોથી ભરપૂર એવો એવરેસ્ટ બેઝ કેમ્પ સફળતા પૂર્વક પૂર્ણ કરી સુરત અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ખાસ બાબત એ છે કે આ રીતે સાહસિક યુવકોએ આ સિદ્ધિ 29મી મે એવરેસ્ટ ડેના દિવસે મેળવી હતી.


કૃષિતભાઈ શાહે પોતાની આ સાહસિક સફર વિશે જણાવ્યું હતું કે અમારા જ ગ્રુપના કેટલાક મિત્રો એવરેસ્ટ બેઝ કેમ્પ સફળતા પૂર્વક પૂર્ણ કરતા આ સાહસ ખેડવાનું અમે સાત સંદીપ નાયર, પલ્લવી નાયર, કેતુન પટેલ, મેઘના પટેલ મનોજ ડાગા અને વૈદેહી ડાગાએ નક્કી કર્યું અને એવરેસ્ટ બેઝ કેમ્પ સફળતા પૂર્વક પૂર્ણ કરવાના નિર્ધાર સાથે સફરની શરૂઆત કરી. અમે સૌ બાયરોડ કાઠમંડુ થી રામાચીપ પહોંચ્યા. અહીથી ફ્લાઇટ થી લુક્લા પહોંચવાનું હતું અને તેનું અંતર માત્ર પંદર મિનિટ જેટલું જ હતું. પરંતુ ખરાબ હવામાનના કારણે ફ્લાઇટ ને ઉડાન ભરવા કલાકો વિતી ગયા. આખરે કલાકોના ઇન્તજાર પછી અમે ઉડાન ભરી શક્યા અને પંદર મિનિટમાં લુકલા પહોંચ્યા. અહીંથી અમારી બેઝ કેમ્પ સુધીની ટ્રેકિંગ સફર શરૂ થવાની હતી. જેમાં અનેક પડકારો સામે હશે એનો અંદાજ તો પહેલેથી જ હતો. આખરે અમે સૌ એ ટ્રેકિંગ ની શરૂઆત કરી અને દુર્ગમ પહાડી રસ્તાઓ પર આગળ વધતા ગયા. રોજ દસ થી 12 કલાકના ટ્રેકિંગમાં માંડ 10 થી 12 કિમી જેટલું અંતર પૂર્ણ કરી શકતા હતા. આટલું અંતર કાપ્યા પછી રાત્રિ રોકાણ કરવું અને સવાર પડે એટલે ફરી માર્ગ પકડવો આમ કુલ નવ દિવસ અનેક પડકારો વચ્ચે અમે 5364 મીટર અંતર પૂર્ણ કરી એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચ્યા અને જીવનમાં એક મોટુ સાહસ ખેડવાનું કાર્ય સફળતા પૂર્વક પૂર્ણ કર્યું. પોતાના અનુભવ વિશે કૃષિતભાઈ એ જાણવું કે એમ લાગતું કે દોડીને આટલું અંતર પૂર્ણ કરી લઈશું પણ થોડુક ચાલીએ એટલે શ્વાસ ફૂલી જતો, ઊંચી ઊંચી ટેકરીઓ ચડતા ઠંડીમાં પણ પરસેવો છૂટી જતો. વાતાવરણ એટલું પ્રતિકૂળ હતું કે સફર એકદમ કઠીન લાગવા માંડ્યો હતો. ક્યારેક અચાનક બરફ પાડવાની શરૂઆત થઈ જતી તો ક્યારેક ભારે તેજ ગતિએ પવન ફૂંકવા માંડતો. આવી વિકટ સ્થિતિમાં પણ આત્મવિશ્વાસ સાથે અમે સૌ અમારા લક્ષ્ય તરફ આગળ વધતા ગયા અને બેઝ કેમ્પ સીધું પહોંચવામાં સફળ રહ્યા. આ સફરનો અનુભવ મારા અને મારા સાથીઓ માટે જીવનનો એક સાહસિક અને અવિસ્મરણીય અનુભવ હતો અને રહેશે. અમારા આ સાહસિક પ્રવાસની ખાસ વાત એ છે કે 29 મે એ “એવરેસ્ટ ડે ” તરીકે ઉજવવામાં આવે છે. સાથે જ આ વર્ષે 29 મેના રોજ, વિશ્વ તેનઝિંગ નોર્ગે અને એડમન્ડ હિલેરી દ્વારા પ્રથમ એવરેસ્ટ સમિટની 70મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી અને અમે સૌએ પણ આજ દિવસે એવરેસ્ટ બેઝ કેમ્પ સફળતા પૂર્વક પૂર્ણ કરી આ દિવસને યાદગાર બનાવ્યો હતો.
આકરી પ્રેક્ટીસે અપાવી સફળતા
કૃષિત શાહે જણાવ્યું કે એવરેસ્ટ બેઝ કેમ્પની સફર પૂર્ણ કરવાનું લક્ષ્ય તો નિર્ધારિત કરી લીધું પણ તે પૂર્ણ કરવું આસાન નહતું. આ માટે અમે છ મહિના પહેલા પ્રેક્ટિસ શરૂ કરી હતી. રોજ 200 મીટર ઊંચી બિલ્ડિંગ પર ઉતરતા અને ચઢતા હતા સાથે જ સફર દરમિયાન ડાયટ નું પણ મહત્વ હોય છે એટલે એ મુજબનું જ ખાનપાન આરોગ્યું અને આકરી પ્રેક્ટિસના પરિણામે આ સાહસિક કાર્ય ને સફળતા પૂર્વક પૂર્ણ કરી શક્યા.