સુરતના જાણીતા ડેન્ટીસ્ટ ડૉ.હેતલ તમાકુવાલાએ મલેશિયા ખાતે યોજાયેલ ફૂલ આયરન મેન ટ્રાઈથ્લોન સફળતા પૂર્વક પૂર્ણ કરી
સુરત: ડાયમંડ અને ટેકસટાઇલ સિટી તરીકે વિશ્વભરમાં જાણીતું સુરત શહેર હવે સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ કાંઠું કાઢી રહ્યું છે. શહેરની એવી અનેક સ્પોર્ટ્સ પર્સનાલિટી છે કે જેઓ પોતાના દમદાર પ્રદર્શન થકી સુરત, ગુજરાત અને દેશનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરી ચૂક્યા છે. ત્યારે આવી પર્સનાલિટીમાં શહેરના જાણીતાં ડેંટિસ્ટ ડૉ. હેતલ તમાકુવાલા પણ હવે સામેલ છે. ડૉ. હેતલે મલેશિયા ખાતે યોજાયેલી અતિ કઠીન ગણાતી ફૂલ આયરનમેન ટ્રાઇથ્લોન સફળતા પૂર્વક પૂર્ણ કરી આંતરરાષ્ટ્રીય સ્તરે 10મો રેન્ક મેળવી સુરત, ગુજરાત અને દેશનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. ડૉ. હેતલ ફૂલ આયરન મેન ટ્રાઇથ્લોન પૂર્ણ કરનારા ભારતના નવમા મહિલા એથલીટ અને ગુજરાતના બીજા એથલીટ છે અને દેશના પહેલા મહિલા ડેંટિસ્ટ છે.
આયરનમેન ડૉ. હેતલ તમાકુવાલા એ જણાવ્યું હતું કે દસ વર્ષ પહેલાં તમને સ્વપ્નેય ખ્યાલ ન હતો કે તેઓ એક દિવસ અતિ કઠીન ગણાતી ફૂલ આયરન મેન ટ્રાઇથ્લોન સફળતા પૂર્વક પૂર્ણ કરશે. આ ક્ષેત્રમાં આગળ વધવાની સફર વિશે ડૉ.હેતલ કહે છે કે દસ વર્ષ પહેલા સુરતમાં યોજાયેલી બે કિમીની દોડમાં ભાગ લીધો અને તેમાં સિલ્વર મેડલ જીત્યો આ સફળતાએ મારામાં એથલેટિક બનવાના બીજ રોપ્યાં. ત્યારથી તબીબી વ્યવસાય સાથે જ એથલેટિક બનવાના લક્ષ્ય સાથે આકરી પ્રેક્ટિસ શરૂ કરી. આ માટે તેમણે “રૂલ ઓફ – 7” સૂત્ર અપનાવ્યું હતું. એટલે કે ક્લિનિકલ પ્રેક્ટિસના 7 કલાક, સ્પર્ધા માટે તાલીમના 7 કલાક અને દિવસમાં 7 કલાકની ઊંઘ. ફૂલ આયરન મેન ટ્રાઇથ્લોનમાં દરિયામાં સ્વિમિંગ કરવાનું હોવાથી સ્વિમિંગની પ્રેક્ટિસ SDCA લાલભાઈ સ્વિમિંગ પુલ સાથે જ તાપી નદી અને કોઝવેમાં કરી, જ્યારે સાયકલિંગની પ્રેક્ટિસ માટે સુરતથી સાપુતારા અને સુરતથી ડાંગ નો રૂટ અને સુરત શહેરના માર્ગો પસંદ કાર્ય હતા. રનિંગ અને જીમમાં પણ સતત પરસેવો વહાવ્યો અને આ આકરી પ્રેક્ટિસ નું જ પરિણામ છે કે હું મલેશિયા ખાતે યોજાયેલી ફૂલ આયરન મેન ટ્રાઇથ્લોન સફળતા પૂર્વક પૂર્ણ કરી આંતરરાષ્ટ્રીય સ્તરે 10મો રેન્ક મેળવી આયરન મેન નું ટાઇટલ મેળવી શકી. વધુમાં ડૉ.હેતલ કહે છે કે આ બધું કરવું અને મેળવવું પરિવારનો સપોર્ટ અને કોચના માર્ગદર્શન વગર શક્ય ન હતું. મને શરૂઆતથી જ મારા પતિ ડૉ.દીપક તમાકુવાલા, પુત્રો ડૉ.ધ્રુવ અને દેવાંશનો મોરલ સપોર્ટ રહ્યો છે તો સ્વિમિંગ કોચ જીજ્ઞેશ સર અને સાયકલિંગ કોચ તારક સર દ્વારા મહત્વપૂર્ણ માર્ગદર્શન મળ્યું છે. મલેશિયા ખાતે યોજાયેલી ફૂલ આયરન મેન ટ્રાઇથ્લોનમાં 3.8 કિમી દરિયામાં સ્વિમિંગ ત્યારબાદ 180 કિમી સાયકલિંગ અને ત્યારબાદ 42 કિમી રનિંગ 16 કલાકમાં પૂરી કરવાની હતી, આ ત્રણેય ટાસ્ક મે 15 કલાક અને 40 મિનિટમાં સફળતા પૂર્વક પૂર્ણ કર્યાં.આ સફળતામાં પરિવાર અને કોચની સાથે જ વિશાલ સાઇકલ એજન્સીનો પણ મહત્ત્વનો રોલ રહ્યો છે. જેમણે આ માટે ઇટાલીની કંપની દ્વારા કસ્ટમાઈઝ કરાયેલ વિશિષ્ઠ એવી સાત કિલોની કાર્બન ફાઇબરની સાઇકલ મારા માટે ઓર્ડર કરવા સાથે હેલ્મેટ, શૂઝ સહિત જયારે પણ કોઈ પણ ઇકવિપમેન્ટ ની જરૂર પડી તે પૂરા પાડયા. આ સાથે સુરત મહાનગર પાલિકા અને પોલીસ વિભાગનો પણ આભાર વ્યક્ત કરવો નહીં ભૂલવું જોઈએ. કારણ કે સુરત મનપા દ્વારા એટલા સારા રસ્તાઓ બનાવમાં આવ્યા છે કે સાયકલિંગ ની પ્રેક્ટિસ માટે કોઈ અડચણ આવતી નથી અને શહેરમાં જ્યારે પણ કોઈ ઇવેન્ટ યોજાય કે એથલેટિક માટેની પ્રેક્ટિસ કરતા હોય ત્યારે પોલીસ કમિશનર અજય કુમાર તોમર અને તેમની પોલીસ ટીમે સુરક્ષા પૂરી પાડી છે. સાથે સુરતી રનર્સ અને સાઇકલીસ્ટ ગ્રુપ એન્ડ ફ્રેન્ડ્સનો પણ હંમેશા સપોર્ટ રહ્યો છે.
પાંચ મહિનામાં પાંચ ઇવેન્ટ પૂર્ણ કરી
ડૉ. હેતલે મલેશિયા ખાતે ફૂલ આયરન મેન ટ્રાઇથ્લોન સફળતા પૂર્વક પૂર્ણ કરવા સાથે જ પાંચ મહિનામાં પાંચ ઇવેન્ટ પણ સફળતા પૂર્વક પૂર્ણ કરી છે અને આવું કરનારા સુરતમાં અત્યાર સુધી કોઈ મહિલા કે પુરુષ એથલીટ નથી. ડૉ.હેતલે 5 નવેમ્બર, 2022 ના રોજ મલેશિયા ખાતે ફૂલ આયરન મેન ટ્રાઇથ્લોન સફળતા પૂર્વક પૂર્ણ કરવા ઉપરાંત તે પહેલાં 2 ઑક્ટોબર, 2022 ના રોજ કોલ્હાપુર ખાતે હાફ આયરન મેન ટ્રાઇથ્લોન પૂર્ણ કરી બીજુ ઈનામ મેળવ્યું હતું. ત્યારબાદ 13 નવેમ્બરના રોજ ગોવા ખાતે હાફ આયરન મેન ટ્રાઇથ્લોન પૂર્ણ કરી હતી જેમાં બીજો ક્રમ મેળવ્યો હતો. ત્યારબાદ 1 જાન્યુઆરી, 2023 ના રોજ ગુરૂશીખર ચેલેંજમાં ભાગ લઈ મહેસાણા થી માઉન્ટ આબુ થઈ ગુરુ શિખર સુધી 183 કિમી સાયકલિંગ કરી આ ચેલેન્જ પૂર્ણ કરવા સાથે પ્રથમ ક્રમ મેળવ્યો હતો. ત્યારબાદ 25 ફેબ્રુઆરીના રોજ કોણાર્ક ખાતે યોજાયેલ ફૂલ આયરન મેન ટ્રાઇથ્લોન પૂર્ણ કરી હતી, એટલું જ નહીં પણ આ ઇવેન્ટ પૂર્ણ કરનાર એક માત્ર એથલેટિક ડૉ. હેતલ હતા. આ તમામ લાંબા અંતરની ઇવેન્ટ હતી ત્યારે આ તમામ ઇવેન્ટ ડૉ.હેતલે માત્ર પૂર્ણ નહીં કરી પણ જીત પણ મેળવી.
પાંચ વખત ફ્રેકચર બાદ પણ જારી રાખી પ્રેક્ટિસ
કોઈ પણ એથલીટ માટે પ્રેક્ટિસ એ ખૂબ જરૂરી પાસુ હોય છે. ત્યારે આ વાતને બખૂબી સમજતા ડૉ.હેતલ તમાકુવાલા પ્રેક્ટિસ દરમિયાન તેમને એક બે નહીં પણ પાંચ વખત અકસ્માત નડ્યા અને તેમાં તેમના હાડકાઓ માં ફ્રેકચર પર થયું તેમ છતાં સાજા થઈને તેમને ફરી પ્રેક્ટિસ જારી રાખી અને હિંમત હાર્યા વગર તેઓ લક્ષ્યને પામવા માટે આગળ વધતા રહ્યા.