વરસાદના વિઘ્ન વચ્ચે પણ બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું સફળ આયોજન

અમદાવાદઃ વિશ્વ પ્રસિદ્ધ બાબા બાગેશ્વર પિઠાધીશ, પ.પૂ. શ્રી ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજી મહારાજના દિવ્ય દરબાદનું આયોજન ગાંધીનગર પાસે રાઘવફાર્મ એન્ડ પાર્ટ પ્લોટ ખાતે કરાયું હતું. આ દિવ્ય દરબારના દિવસે અમદાવાદ અને ગાંધીનગરમાં અતિભારે વરસાદ વચ્ચે પણ બાબા બાગેશ્વરના હજારોની સંખ્યામાં ભક્તો, મહામેડલેશ્વરો અને ગુજરાતના સાધુ-સંતો કાર્યક્રમ સ્થળ ઉપર ઉપસ્થિત રહ્યાં હતાં તથા બાબાએ ભક્તોને જરાય નિરાશ ન કરતાં તેમની સમક્ષ ઉપસ્થિત રહ્યાં હતાં.

પ્રતિકૂળ વાતાવરણ અને ભારે વરસાદની જરાય ચિંતા કર્યાં વગર બાબાજી સમારોહ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતાં તથા ભક્તો, મહામંડલેશ્વર અને સાધુ-સંતોને મળીને પ્રસન્નતા વ્યક્ત કરી હતી. બાબાજીએ હિંદુ એકતા, સામાજીક સમરસતા, જાતિવાદ રહિત સનાતન ધર્મ અને હિંદુ રાષ્ટ્રની ઘોષણા બાબતે પોતાના વિચારો નિખાલસતાથી રજૂ કર્યાં હતાં.

હવામાનમાં અચાનક ફેરફારને કારણે સર્જાયેલા પડકારો વચ્ચે રાષ્ટ્ર વંદના મંચના પ્રમુખ શ્રી ડી.જી. વણજારાએ કાર્યક્રમને સફળ બનાવવા તમામ પ્રયાસો અને વ્યવસ્થાઓ ગોઠવી હતી. આ પ્રસંગે કથાકાર ડો. શ્રી જલ્પેશ મહેતા, કથાકાર ડો. રામેશ્વરબાપુ હરિયાણી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. મહત્વપૂર્ણ છે કે જાહેર જનતા માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો અને તેનો હજારોની સંખ્યામાં ભક્તોએ ઉત્સાહભેર પ્રતિસાદ આપ્યો હતો.