ક્રેડિટ કાર્ડના ગંભીર વિષય….

અમદાવાદ, 10 ડિસેમ્બર, 2022: તાત્કાલિક પેદા થતી નાણાકીય જરૂરિયાત અને આર્થિક સંકળામણ માટે ક્રેડિટ કાર્ડ જેવા બેન્કિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ મિત્રની ગરજ સારે છે, પરંતુ જ્યારે મોજશોખ માટે આવા ઇન્સ્ટ્રુમેન્ટસનો દુરઉપયોગ કરવામાં આવે ત્યારે તે અનેક અણધારી સમસ્યાઓને આમંત્રણ આપે છે. આ સ્થિતિ વ્યક્તિને અંતિમ પગલું ભરવા તરફ દોરી જાય છે અને અંતે વ્યક્તિ પોતાના પરિવારને વિલાપ સાથે છોડી દે છે. ખાસ કરીને, ક્રેડિટ કાર્ડનો આડેધડ ઉપયોગ યુવાનો પોતાના મોજશોખ પુરા કરવા માટે કરતા હોય છે, જેથી આવા ગંભીર વિષયને સંબોધિત કરી યુવાઓમાં જાગૃતતા ફેલાવવા માટે શહેરમાં પરિમલ ગાર્ડન, વસ્ત્રાપુર લેક જેવા સાર્વજનિક સ્થળો પર શેરી નાટક ભજવવામાં આવ્યું હતુ. આ સમયે તાજેતરમાં જ રીલિઝ થયેલી ગુજરાતી ફિલ્મ “ભગવાન બચાવે”ના કલાકારો જીનલ બેલાણી અને ભૌમિક સંપત ઉપસ્થિત રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે “ભગવાન બચાવે” ફિલ્મ ક્રેડિટ કાર્ડના ગંભીર પાસાને રજૂ કરતા વિષય પર આધારિત કોમેડી ડ્રામા છે. શેરી નાટકથી જાગૃતતા ફેલાવવાના પ્રયાસે ઉપસ્થિત સૌ કોઇ યુવાનો અને વડીલો તરફથી પ્રશંસા મેળવી હતી. આ શેરી નાટક આગામી દિવસોમાં શહેરમાં અન્ય સ્થળોએ પણ ભજવવામાં આવશે.