નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં
“જિલ્લા ટીબી ફોરમ કમિટી” ની બેઠક યોજાઈ

ટીબી સામેની લડાઈને જનઆંદોલનમાં પરિવર્તિત કરવા માટે જનપ્રતિનિધિશ્રીઓને ઝુંબેશમાં
જોડાવા આહ્વાન કરતા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા
જિલ્લામાંથી ટીબી નોટિફિકેશન રેટના ઘટાડવા સર્વે થકી કેસો “આઈડેન્ટિફિકેશન” અને “ડિટેક્શન” ની વ્યવસ્થા સહિત બહોળા પ્રમાણમાં તાલુકા-ગામ સ્તરે જાગૃતિ કાર્યક્રમ કરવા સબંધિત અધિકારીશ્રીઓને રચનાત્મક સૂચનો કરતા જિલ્લા કલેક્ટરશ્રી

રાજપીપલા, શુક્રવાર :- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના “ટીબી મુક્ત ભારત” ના મંત્રને ચરિતાર્થ કરવાના ઉમદા આશય સાથે આજે નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં તથા નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં “જિલ્લા ટીબી ફોરમ કમિટી” ની બેઠક યોજાઈ હતી.

    આ બેઠક દરમિયાન પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન થકી ટીબી મુક્ત ભારત ઝુંબેશને અનુલક્ષીને નર્મદા જિલ્લાની તમામ આંકડાકીય માહિતી જિલ્લા કલેક્ટરશ્રી શ્વેતા તેવતિયા અને પ્રેરક ઉપસ્થિતિ નોંધાવતા ધારાસભ્ય ડો. દેશમુખ સમક્ષ સબંધિત અધિકારીશ્રીઓ દ્વારા રજુ કરવામાં આવ્યાં હતાં. જેમાં કલેક્ટરશ્રીએ જિલ્લાને ટીબી મુક્ત બનાવવા માટેની તમામ જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરવા, દર્દીઓના કલ્યાણ માટે નિદાન અને સારવાર માટેની તમામ સુવિધાઓ આગોતરી ઉપલબ્ધ કરાવવા તથા ચોક્કસ વ્યૂહરચના ઘડી કાઢવા સહિત તેની અમલવારી જિલ્લા, તાલુકા અને ગામ સ્તરે કેવી રીતે કરી શકાય તેની સમીક્ષા કરી સબંધિત અધિકારી-કર્મચારીશ્રીઓને રચનાત્મક સૂચનો કર્યા હતા.

   ઉક્ત બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ “નિક્ષય મિત્ર સ્કીમ” હેઠળ ટીબીના દર્દીઓને દવા સહિત સુવ્યવસ્થિત રીતે પૌષ્ટિક આહાર પુરો પાડીને ટીબીના રોગ સામે લડતા દર્દીઓને સકારાત્મક વાતાવરણ પુરુ પાડીને હુંફ આપતા સ્વૈચ્છિક સંસ્થાઓના દાતાશ્રીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા હતા. તદ્ઉપરાંત ઉપસ્થિત જનપ્રતિનિધિઓને આ ઝુંબેશમાં જોડાવા અપીલ કરી આ ઝુંબેશને જનઆંદોલન બનાવી મોટા પાયે પ્રચાર-પ્રસાર કરી લોકોને જાગૃત કરવા અપીલ કરી હતી. 

   અત્રે ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે જિલ્લા સહિત રાજ્ય અને રાષ્ટ્રને વર્ષ-૨૦૨૫ સુધીમાં ટીબી મુક્ત બનાવવા માટે જિલ્લા, તાલુકા અને ગામના દર્દીઓને અધિકારીશ્રીઓ-જનપ્રતિનિધિઓ દ્વારા દત્તક લઈને આ ઝુંબેશમાં ઉત્સાહભેર જોડાવા માટે રજૂ કરેલા મંતવ્યોને બેઠકમાં ઉપસ્થિત સૌનું અનુમોદન મળ્યું હતુ.

   આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.જનકકુમાર માઢક સહિત જિલ્લા ટી.બી. અધિકારી શ્રીમતી ડો. ઝંખનાબેન વસાવાએ જિલ્લામાંથી ટીબી નોટિફિકેશનના રેટને ઘટાડવા આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરી કેસો “આઈડેન્ટિફાઈ” કરી તેના “ડિટેક્શન” માટેની વ્યવસ્થા અંગે ચર્ચા કરતા જણાવ્યું કે, નર્મદા જિલ્લો સમગ્ર રાજ્યમાં ડિટેક્શનમાં અને તાલુકા કક્ષાએ ખાસ ડિટેક્શન મશીનો વસાવવા સહિત પ્રિવેન્ટિવ સારવાર પુરી પાડવામાં રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો હોવાનું જણાવ્યું હતું. 

   નર્મદા જિલ્લામાં ટીબીના દરને ઘટાડવા ૨૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે આવેલ ટીબી નિદાન લેબોરેટરી સહિત ૫ તાલુકાઓ માટે CHC, SDH ખાતે ટીબીના નિદાન માટેનું ઉત્તમકક્ષાનું “ ટ્રૂનાટ” મશીન ઉપલબ્ધ છે. જિલ્લામાં આરોગ્યવિષયક થઈ રહેલી સરાહનીય કામગીરીમાં નાગરિકો પણ પોતાની સહભાગીતા નોંધાવે તો “એસ્પિરેશનલ” જિલ્લો નર્મદા અન્ય જિલ્લાઓ માટે “ઇન્સ્પિરેશનલ” બની શકે તેમ છે. 

   આ બેઠકમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી કિરણભાઈ વસાવા, જિલ્લા આરોગ્ય સમિતિના અધ્યક્ષા શ્રીમતી નિલાંબરીબેન પરમાર, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.અનીલ વસાવા, સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓ, વકિલ-ડોક્ટરોશ્રીઓ સહિત જિલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં અને સબંધિત વિભાગના અધિકારી-કર્મયોગીશ્રીઓ હાજર રહ્યાં હતાં.