સુરત. શૈક્ષણિક વર્ષ 2024–25માં શાળામાં પ્રવેશ લેનાર બાળકોના વાલીઓ માટે મહારાજા અગ્રસેન ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ઓરિએન્ટશન ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાલીઓને શાળામાં અભ્યાસ સાથે જ બાળકોના સર્વાગી વિકાસ માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવામાં આવી હતી.
શાળા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યારે પણ કોઈ વાલી પોતાના બાળકને શાળામાં દાખલો અપાવે છે ત્યારે તેના મનમાં બાળકનું ઉજ્જવળ ભવિષ્ય હોય છે. ત્યારે તેઓ પોતાના બાળકને જે શાળામાં દાખલો અપાવી રહ્યા છે તે શાળા કેવી છે, ત્યાંનો સ્ટાફ અને શિક્ષકો કેવા છે, શાળામાં બાળકોના સર્વાગી વિકાસ માટે અભ્યાસ ઉપરાંત કેવા કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તે વિશે દરેક વાલી માહિતગાર થાય તે માટે ઓરિએન્ટશન ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 130 થી વધુ વાલીઓએ ભાગ લીધો હતો. શાળાના શિક્ષકો દ્વારા વાલીઓને શાળાના સિદ્ધાંતોનો પરિચય કરાવ્યો હતો. સાથે જ શાળાના મૂલ્યો અને ફિલોસોફી વિશે માહિતી આપી હતી. આ કાર્યક્રમ પાછળનો એક ઉદેશ્ય એ પણ હતો કે નવા માતા – પિતા (વાલીઓ) એક સ્થળે ભેગા થાય અને તેઓ એક બીજાને ઓળખવા સાથે જ શાળા વિશે પણ માહિતગાર થાય. કાર્યક્રમમાં શાળાના શિક્ષકો સહિત તમામ સ્ટાફે પોતાનો પરિચય આપ્યો હતો. આ પ્રકારના આયોજન બદલ વાલીઓએ પણ શાળાની ભરપૂર પ્રશંસા કરી હતી.