સુરતમાં 5 થી 9 જૂન દરમિયાન વિભિન્ન ટ્રાફિક સિગ્નલો પર “ગ્રીન કોર્નર” બનાવવામાં આવશે
— વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે, પાંચ દિવસ દરમિયાન દરરોજ એક ટ્રાફિક સિગ્નલ પર ટ્રી પ્લાન્ટેશન ડ્રાઇવ, મફત વાહન પીયુસી ચેક-અપ કેમ્પ અને કૂલિંગ ઝોન(મફત છાશ વિતરણ) કરવામાં આવશે
સુરત : ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ( GPCB) ના સહકાર સાથે સુરત સ્થિત ધી ઇવેન્ટ થિયરી સંસ્થા દ્વારા સુરતમાં 5 થી 9 જૂન દરમિયાન વિશ્વ પર્યાવરણ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. પાંચ દિવસ દરમિયાન દરરોજ એક ટ્રાફિક સિગ્નલ પર “ગ્રીન કોર્નર” બનાવવામાં આવશે. જે અંતર્ગત, ટ્રાફિકના નિયમોનું પાલન કરતાં ટ્રી પ્લાન્ટેશન ડ્રાઇવ, મફત વાહન પીયુસી ચેક-અપ કેમ્પ અને કૂલિંગ ઝોન(મફત છાશ વિતરણ) કરવામાં આવશે.
ધી ઇવેન્ટ થિયરીના સંસ્થાપક રામ અવતાર યાદવે જણાવ્યું હતું કે, સુરતને હરિયાળા શહેરમાં પરિવર્તિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે અમે 5 જૂને ઉજવવામાં આવતા વિશ્વ પર્યાવરણ દિવસના સન્માનમાં એક યુનિક પહેલ “ગ્રીન કોર્નર” રજૂ કરી રહ્યા છીએ. ગ્રીન કોર્નરનો ઉદ્દેશ્ય પર્યાવરણીય જવાબદારીની ભાવના કેળવવાનો છે. સંસ્થા દ્વારા GPCB અને સુરત શહેર ટ્રાફિક પોલીસના સહકાર સાથે વિવિધ ટ્રાફિક સિગ્નલો ઉપર ગ્રીન કોર્નર બનાવવામાં આવશે.
5 થી 9 જૂન દરમિયાન શહેરમાં નીચેના સ્થળોએ “ગ્રીન કોર્નર” બનાવવામાં આવશે (સમય સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી)
5 જૂન : અણુવ્રતદ્વાર બ્રિજની નીચે (સિટીલાઇટ)
6 જૂન: પાંડેસરા જીઆઈડીસી-અમૃતવન
7 જૂન : સચિન જીઆઈડીસી (મહાવીર સિન્થેટિક પાસે)
8 જૂન : સોશિયો સર્કલ (ઉધના-મગદલ્લા રોડ)
9 જૂન : વીઆર જંકશન સર્કલ
ગ્રીન કોર્નર અભિયાન અંતર્ગત, ટ્રી પ્લાન્ટેશન ડ્રાઇવ, મફત વાહન પીયુસી ચેક-અપ કેમ્પ અને કૂલિંગ ઝોન(મફત છાશ વિતરણ) કરવામાં આવશે. પર્યાવરણની જાળવણીના વિભિન્ન બોર્ડ-બેનર, સ્ટેન્ડી વગેરે કાર્યક્રમ દરમિયાન સાથે રાખવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ટ્રાફિક સિગ્નલને લાઈવ ગ્રીન કોર્નર્સમાં રૂપાંતરિત કરીને અમે ટ્રાફિકના નીતિ નિયમોનું પાલન કરવા સાથે પર્યાવરણ સંરક્ષણની ભાવનાનો વ્યવહાર કેળવવાનો મેસેજ આપવા માંગીએ છીએ.
આ પહેલ નાગરિકોને પર્યાવરણ જતન માટે એક પ્રેરણા અને સશક્તિકરણ માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે. અમે લોકોને અમારી સાથે જોડાવા અને સુરતને “હરિયાળું સુરત” બનાવવામાં હરિયાળી ક્રાંતિનો ભાગ બનવા માટે આમંત્રિત કરીએ છીએ.
કાર્યક્રમના આયોજન માટે સુરતની મિલ્ક પેલેસ, અનુપમ રસાયણ કંપની, એચડીએફસી બેન્ક, એમેરોન બેટરી, ગ્લોબલ કોલાયેન્સ, પ્રાઇમેક્સ મીડિયા વગેરે સંસ્થાઓનો પણ સહકાર મળ્યો છે.