ધો.12ની બોર્ડ પરીક્ષામાં નોબેલ સ્કુલનું 100 ટકા પરિણામ, દૃષ્ટિ ખામીથી પીડિત પ્રિન્સે પ્રાપ્ત કર્યો એ -1 ગ્રેડ

સુરત: કહેવાય છે ને કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, આ વાતને શારીરિક રીતે અક્ષમ એવા દૃષ્ટિ ખામી ધરાવતા નોબેલ પબ્લિક સ્કૂલનો વિદ્યાર્થી પ્રિન્સ ગઢિયાએ સાર્થક કરી બતાવી છે. પ્રિન્સે ધોરણ 12 કોમર્સની બોર્ડ પરીક્ષામાં એ -1 ગ્રેડ મેળવી માતા – પિતા અને શાળાનું ગૌરવ વધાર્યું છે. જ્યારે નોબેલ સ્કુલનું પરિણામ પણ શ્રેષ્ઠ રહ્યું છે. બોર્ડ પરીક્ષા આપનાર શાળાના તમામ વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળ થયા છે.

સામાન્ય પરિવારમાંથી આવતા પ્રિન્સના પિતા રાજેશભાઈ બરોડા પ્રિસ્ટેજ વિસ્તારમાં પાથરણું લગાવી કાપડ વેચે છે અને તેઓ ભાડાના મકાનમાં રહે છે. પ્રિન્સ દૃષ્ટિ ખામીની બીમારીથી પીડાય છે. તેની એક આંખમાં 24 અને બીજીમાં 26 નંબર હોવાથી અડધા ફૂટ દૂરથી પણ તે માંડ વાંચી શકે છે. તેવામાં પ્રિન્સે આત્મવિશ્વાસ સાથે બોર્ડ પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી. પ્રિન્સને બ્લેક બોર્ડ પરનું લખેલું દેખાતું ન હોવાથી બાજુમાં બેસતા સહ વિદ્યાર્થીની નોટ માંથી તે લખતો હતો અને બોર્ડ પરીક્ષામાં સિદ્ધિ હાંસલ કરી પ્રિન્સે સિદ્ધ કરી બતાવ્યું કે જો આત્મવિશ્વાસ હોય અને લક્ષ્યને પામવાની ખેવના હોય તો પહાડ જેવા પડકારો પણ આસાનીથી પાર કરી શકાય છે.પ્રિન્સે દરેક વિષયના 30-30 પેપરનું રિવિઝન કર્યું હતું. પ્રિન્સનું સ્વપ્ન C.A. બનવાનું છે. સ્કૂલના સંચાલક પ્રશાંતભાઈ એ જણાવ્યું હતું કે પ્રિન્સ શરૂઆતથી નોબલ સ્કૂલમાં ભણ્યો છે અને તેને એડમિશન લીધું ત્યારથી જ તે ચેલેન્જ હતો. પણ શિક્ષકો અને સાથી વિદ્યાર્થીઓએ સતત મદદ કરતા રહ્યા. સ્કૂલના આચાર્ય આશિષભાઈએ જણાવ્યું હતું કે પ્રિન્સને જ્યારે પણ કોઈ પ્રશ્નને લઈ શંકા રહેતી ત્યારે તે શિક્ષકો પાસે બેસી જતો અને જ્યાર સીધું શંકા દૂર નહીં થાય ત્યાર સીધું તે તેની પાછળ લાગેલો રહેતો. પ્રિન્સની સફળતા સાથે જ નોબેલ સ્કુલનું પરિણામ પણ 100 ટકા રહ્યું છે. શાળાના કુલ 39 વિદ્યાર્થીઓ કોમર્સ પ્રવાહની પરીક્ષા આપી હતી જે પૈકી બે વિદ્યાર્થીઓએ એ -1 ગ્રેડ અને 11 વિદ્યાર્થીઓએ એ -2 પ્રાપ્ત કર્યો છે.