ઓલપાડ સેન્ટર ખાતે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

ભારત સરકાર દ્વારા મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS) નામની યોજના અમલમાં છે. સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટનો રેશિયો ઘટે તે સંદર્ભે નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળી રહે તે હેતુસર પ્રતિવર્ષ આ NMMS ની પરીક્ષા લેવામાં આવે છે.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી આ પરીક્ષા સમગ્ર રાજ્યને સમાંતર ઓલપાડ ખાતેની મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયમાં આજરોજ નિયત સમયપત્રક મુજબ યોજવામાં આવી હતી. સદર સેન્ટર પર 17 બ્લોકમાં યુનિટ 1 અને યુનિટ 2 મળી નોંધાયેલ કુલ 500 વિદ્યાર્થીઓ પૈકી 479 વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં. જ્યારે 21 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતાં.
પરીક્ષાલક્ષી સમગ્ર મહત્વપૂર્ણ કામગીરીને સુપેરે પાર પાડવા મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયનાં આચાર્ય પંકજ પટેલ તથા સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીનાં નિયુક્ત પ્રતિનિધિની દેખરેખ હેઠળ પરીક્ષા કાર્યક્રમ ખૂબજ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.