સુપ્રસિદ્ધ વક્તા અંકિત દેસાઈનું મુંબઈની નાણાવાટી હોસ્પિટલમાં વક્તવ્ય યોજાયું

પર્યુષણ વ્યાખ્યાયાનમાળા અંતર્ગત મુંબઈની જાણીતી નાણાવટી હોસ્પિટલમાં મંગળાર તારીખ ૧૨ સપ્ટેમ્બરે લેખક અને વક્તા અંકિત દેસાઈનું વક્તવ્ય યોજાયું હતું, જ્યાં તેમણે ‘જગતને જાણતા પહેલાં જાતને જાણીએ’ વિષય પર વક્તવ્ય આપ્યું હતું. તેમના આ વક્તવ્યનું આયોજન આશાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.
પોતાના વક્તવ્યમાં અંકિત દેસાઈએ ભગવાન મહાવીરના જીવનમાંથી શીખવા જેવી વાતોનો ઉલ્લેખ કરીને વિષય સાથે અનુસંધાન સાધ્યું હતું. તેમણે જીવનને કયા પર્સપેક્ટિવથી જોવું જોઈએ કે પછી આપણી પીડાઓને કયા અભિગમથી ઓછી કરી શકાય એ વિશેની અનેક રસપ્રદ વાતો કરીને શ્રોતાઓને અભિભૂત કર્યા હતા.
પોતાના વક્તવ્ય વિશે તેમણે કહ્યું હતું કે, ‘નાણાવટી હોસ્પિટલ જેવા મોટા મંચ પર બીજીવાર મને બોલવાની તક મળી એનો મને આનંદ છે. પાર્લા અને જૂહુ વિસ્તારના અત્યંત સજ્જ શ્રોતાઓ સામે બોલવું એ કપરી પરીક્ષા આપવા જેવું કામ છે. શ્રોતાઓને મારું વક્તવ્ય ગમ્યું એ ગર્વની વાત છે.’
જાણીતા લેખક અને વક્તા અંકિત દેસાઈ તેમના વક્તવ્યો અને અનોખા વિચારોને લઈને યુવાનોમાં અત્યંત પ્રિય છે. તેઓ ગુજરાતભરમાં વિવિધ સંસ્થાઓમાં વક્તવ્ય આપતા હોય છે. તેમણે અત્યાર સુધીમાં સાત પુસ્તકો પ્રકાશિત કર્યા છે. તેમના પુસ્તકોને ગુજરાતી વાચકો અત્યંત પ્રેમ કરે છે.