એએમએનએસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્વતંત્રતા સપ્તાહ નિમિત્તે નોલેજ ફેસ્ટનું આયોજન

હજીરા – સુરત, ઑગસ્ટ 25, 2025: એએમએનએસ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી અંતર્ગત તાજેતરમાં “નોલેજ ફેસ્ટ”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 5 થી 12ના વિદ્યાર્થીઓએ, શિક્ષકો અને વાલીઓ સમક્ષ વિવિધ વિષયક પ્રોજેક્ટ્સ, પ્રસ્તુતિઓ અને મોડલ રજૂ કર્યા હતા.
ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓએ આગેવાની લેતા પોતાના વિષયક્ષેત્ર મુજબ અનોખાં પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા. જેમાં કોમર્સના વિદ્યાર્થીઓએ હેઝ ફંડ્સ, હાઇપ માર્કેટ્સ, ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ તથા સ્પોર્ટ્સ ઈકોનોમિના વિકાસ પર વિશ્લેષણ રજૂ કર્યા હતા. હ્યુમેનિટીઝના વિદ્યાર્થીઓએ સુરતના શહેર આયોજનનું મોડલ તૈયાર કરીને ભારત તથા વિદેશના શહેરોમાંથી શીખેલા પાઠને રજૂ કર્યા હતા.
સાયકોલોજી અને બાયોલોજીના વિદ્યાર્થીઓએ સંયુક્ત રીતે “એપિજેનેટિક ડિસ્પ્લે” રજૂ કર્યું હતું, જેમાં સમજાવવામાં આવ્યું કે કેવી રીતે જીન્સની અભિવ્યક્તિ અને વર્તન પેઢી દર પેઢી અસર કરે છે. ફિઝિક્સના વિદ્યાર્થીઓએ રડાર સિસ્ટમ, અલ્ટ્રાસાઉન્ડ રેન્જિંગ અને રિન્યુએબલ એનર્જી સ્ટોરેજ માટે ગ્રેવિટી-બેટરી જેવા મોડલ પ્રદર્શિત કર્યા હતા. કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીઓએ ફેસ રેકગ્નિશન ટૂલ અને હેન્ડ-જેસ્ચર્સને ટેક્સ્ટમાં રૂપાંતરિત કરતું સાઇન-લૅન્ગ્વેજ ઈન્ટરફેસ જેવા કાર્યરત પ્રોટોટાઇપ્સ પ્રર્દશનમાં રજૂ કર્યા હતા.

આ ફેસ્ટને “જીવંત વર્ગખંડ” તરીકે સંબોધતા સુનિતા મટૂ, આચાર્ય, એએમએનએસ ઈન્ટરનેશનલ સ્કૂલે જણાવ્યું કે, “નોલેજ ફેસ્ટે સાબિત કર્યું કે શીખવું ત્યારે વધારે અસરકારક બને છે જ્યારે તે સહકારથી અને વાસ્તવિક જીવન સાથે જોડાયેલું હોય, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ મળીને નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ની ભાવના કેમ્પસના દરેક ખૂણામાં જીવંત કરી બતાવી તે ગૌરવની વાત છે.”
કારકિર્દી ઘડતર તથા જીવનકૌશલ્યો પણ ફેસ્ટનું મહત્વનું આકર્ષણ રહ્યા હતા. ધોરણ 10ના વિદ્યાર્થીઓએ “ફાઇનાન્સિયલ લિટરેસી કોર્નર” બનાવી બજેટિંગ અને સામાન્ય છેતરપિંડી વિશે સમજણ પૂરી પાડવાનો પ્રયત્ન કર્યો હતો. આ સાથે જ ન્યૂરોમાર્કેટિંગ, ફૂડ સ્ટાઇલિંગ, પબ્લિક પૉલિસી અને ગેમ ડિઝાઇનિંગ જેવા અનોખાં કરિયર વિકલ્પો પર માહિતી પણ પૂરી પાડવામાં આવી હતી. સાયબર સિક્યોરિટી, એથિકલ હેકિંગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર વિશેષ સત્રો પણ આ ફેસ્ટના મુખ્ય આકર્ષણો રહ્યા હતા.
ધોરણ 5 થી 9ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક સર્જનાત્મક પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા. જેમાં ગણિતમાં

સુપરસ્ટોર મોડલ, રેલવે-એરલાઇનની તુલનાત્મક રજૂઆત, પ્રોબેબિલિટી અને પાયથાગોરસ થિયોરમના પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા.. વિજ્ઞાનના વિદ્યાર્થીઓએ વરસાદી પાણીનો સંચય, મેગલેવ ટેક્નોલોજી, હવા શુદ્ધિકરણ, ઑટોમેટિક કપડા સુકવવાના ઉપકરણ અને ડાયાલિસિસના કાર્યરત મોડલ પણ આ પ્રર્દશનમાં રજૂ કર્યા હતા.
સામાજિક વિજ્ઞાનના વિદ્યાર્થીઓએ જોખમગ્રસ્ત નદીઓ, વિશ્વ હેરિટેજ, સમુદ્રતળની નકશાકારી અને પ્રાકૃતિક અદ્ભુતો પર પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા. અંગ્રેજીના વિદ્યાર્થીઓએ મેકબેથના દૃશ્યો, પુસ્તક સમીક્ષાઓ, વ્યાકરણ આધારિત રમતો અને નાટકોને પણ ચપળતાંથી રજૂ કર્યા હતા. હિન્દી અને સંસ્કૃત વિભાગે વાદ-વિવાદ, પાઠ પઠન અને વિષયાધારિત કોર્નર દ્વારા પોતાનું પ્રદર્શન કર્યું હતું.
ક્રોસ-ડિસિપ્લિનરી પ્રોજેક્ટ્સ ખાસ આકર્ષક બન્યા હતા. એક તરફ જ્યાં ધોરણ 7ના વિદ્યાર્થીઓએ સમુદ્રતળની ગતિશીલતાને સંગીત રચનામાં રજૂ કરીને સૌને મંતમુગ્ધ બનાવ્યા હતા, ત્યાં ધોરણ 9ના વિદ્યાર્થીઓએ ધાતુશાસ્ત્ર અને કાચ ઉદ્યોગના અભ્યાસને એકીકૃત સ્વરૂપ આપ્યું હતું.