અનીસ સંસ્થા અને અલાયન્સ દ્વારા યોજાયો કર્મભૂષણ પુરસ્કાર સમારોહ

25 કેટેગરીમાં 95 પોલીસ અધિકારી - કર્મચારીઓને કરાયા સન્માનિત

સુરત. શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અને પોતાની અસાધારણ કામગીરીથી એક અમીટ છાપ છોડનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવા અનીસ સંસ્થા અને અલાયન્સ દ્વારા સુરત ખાતે કર્મભૂષણ પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં 25 અલગ અલગ કેટેગરીમાં સુરત પોલીસ વિભાગમાં 95 અધિકારીઓ અને કર્મચારીઓને કર્મભૂષણ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય જળશકિત મંત્રી સી.આર.પાટીલ , બોલિવૂડ સ્ટાર અને સાંસદ રવિ કિશન, અભિનેતા પ્રતીક ગાંધી અને સિમરન કૌર ઉપસ્થિત રહ્યા હતા.

સુરતની અનીસ સંસ્થા દ્વારા દર વર્ષે મુંબઈ પોલીસ માટે યોજાતા ઉમંગ શોની જેમ સુરત ખાતે કર્મ ભૂષણ પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવે છે. જેમાં પોલીસના એવા અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવે છે કે જેમને પોતાના કર્યો થકી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવ્યું હોય અને મહિલાઓ તેમજ બાળકોની સુરક્ષા માટેની પ્રતિબદ્ધતા દર્શાવી હોય. આ વખતે પણ 13 ઓક્ટોબરના રોજ પાલ સ્થિત સંજીવ કુમાર ઓડિટરિયમ ખાતે કર્મ ભૂષણ પુરસ્કાર સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય જળશક્તી મંત્રી સી. આર.પાટીલ અને બોલિવૂડ સ્ટાર અને સાંસદ રવિ કિશન ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અતિથિ વિશેષ તરીકે બોલિવૂડ અભિનેતા પ્રતીક ગાંધી અને અભિનેત્રી સિમરન કૌર, મનપા કમિશનર શાલિની અગ્રવાલ, જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી સહિત શહેરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમારોહ દરમિયાન આમંત્રિત મહેમાનો ના હસ્તે સુરત પોલીસના 95 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને અલગ અલગ 25 કેટેગરીમાં કર્મ ભૂષણ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર આયોજન અનીસ સંસ્થાના અધ્યક્ષ ગીતા શ્રોફ અને અલાયન્સ ના સુભાષ દાવર દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે આયોજનને સફળ બનાવવા માટે અનીસ સંસ્થાની સિનિયર ટીમ, યુવા ટીમ , ફૌજી ટીમ અને સંસ્કૃતિ ધામ ટીમના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.