તાલુકા કક્ષાનાં ગ્રામ્ય કલા મહોત્સવની લોકગીત સ્પર્ધામાં જીણોદ પ્રાથમિક શાળા અવ્વલ સ્થાને વિજેતા

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત પ્રેરિત તાલુકા પંચાયત, ઓલપાડ તથા બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ આયોજિત ગ્રામ્ય કલા મહોત્સવ-૨૦૨૩ નું ભવ્ય આયોજન જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત અસનાડ પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું. સદર કલા મહોત્સવમાં આદિવાસી નૃત્ય, પ્રાદેશિક લોકનૃત્ય, અભિનયગીત, દેશભક્તિગીત, લોકગીત, રાસ, ગરબા, નિબંધ લેખન, ચિત્રકલા, રંગોળી જેવી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જે પૈકી લોકગીત સ્પર્ધામાં જીણોદ પ્રાથમિક શાળાનાં બાળકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી તાલુકા કક્ષાએ અવવ્લ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
શાળાનાં આચાર્ય શ્રીમતી સુમનબેન પટેલનાં માર્ગદર્શન હેઠળ પ્રિયાંશી પટેલ, દ્રષ્ટિ પટેલ તથા આસ્થા પટેલે તેમનાં મધુર કંઠે ગીતની મનમોહક રજૂઆત કરી હતી. તેમનાં સહપાઠી મોક્ષ પટેલ, મિત પટેલ, શિવ પટેલ તથા દેવ પટેલે તેમને સંગીતનાં તાલે સરાહનીય સાથ આપ્યો હતો. આ વિજેતા બાળકોને તાલુકા પંચાયતનાં કારોબારી અધ્યક્ષ મુકેશભાઈ પટેલનાં હસ્તે ટ્રોફી તથા પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યાં હતાં.
શાળાનું નામ રોશન કરનાર આ બાળ કલાકારોને ગામનાં સરપંચ શ્રીમતી વર્ષાબેન રાઠોડ, ઉપસરપંચ શ્રીમતી ભારતીબેન પટેલ, એસ.એમ.સી. અધ્યક્ષ શ્રીમતી હેમાક્ષીબેન પટેલ, કરંજનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજયભાઈ પટેલ, કેન્દ્રચાર્યા શ્રીમતી જાગૃતિબેન પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં ઉપપ્રમુખ ચિરાગભાઈ પટેલ તથા ગિરીશભાઈ પટેલે હાર્દિક અભિનંદન પાઠવ્યા હતાં. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.