ઈન્ડિયા આફ્રિકા ટ્રેડ કાઉન્સિલે 23મી સપ્ટેમ્બરે આઇટીસી નર્મદા હોટલ ખાતે ઈન્ડિયા મલાવી ટ્રેડ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું જેમાં ભારતમાં મલાવીના હાઈ કમિશનર એચ.ઈ. લિયોનાર્ડ મેંગેઝી તેમના પત્ની અને ડિપ્લોમેટિક ડેલિગેશન સાથે ગુજરાત સાથે વ્યાપાર સહયોગ વધારવા માટે મુખ્ય મહેમાન હતા. તેઓનું સ્વાગત સુનિલ રાજદેવ અને પરિવાર સાથે દૈવિક શાહ, મોહિત શ્રીવાસ્તવ અને બૈજુ એમ કુમારે કર્યું હતું. શ્રી લિયોનાર્ડ મેંગેઝી અને પ્રતિનિધિઓ એ સૌ પ્રથમ ગાંધી આશ્રમની મુલાકાત લીધી.
આ કોન્ફરન્સમાં મલાવીમાં તકો શોધવા માટે ગુજરાત સ્થિત 100 મહત્વની કંપનીઓની હાજરી હતી. દિવસ દરમિયાન હાઈ કમિશનર શ્રી લિયોનાર્ડ મેંગેઝી અને ડૉ. આસિફ ઇકબાલ એ ઈન્ડિયા આફ્રિકા ટ્રેડ કાઉન્સિલ – મલાવી ટ્રેડ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું અને ગુજરાતની ઉચ્ચ પ્રતિષ્ઠિત ઓફિસના ટ્રેડ કમિશનર તરીકે માનનીય સુનિલ હુકુમત્રાય રાજદેવને નિમણૂકનું પ્રમાણપત્ર અર્પણ કર્યું. શ્રી લિયોનાર્ડ મેંગેઝીએ પ્રતિનિધિઓ સાથે ભારતીય ભાગીદારો સાથે માલાવીમાં હેલ્થકેર અને ફાર્મા વિકસાવવાની તકો શોધવા માટે શેલ્બી હોસ્પિટલની મુલાકાત પણ લીધી હતી.
આ કોન્ફરન્સનો વિચાર ગુજરાત રાજ્યની વ્યાપાર ક્ષમતાને શેર કરવાનો અને મલાવીમાં તકો શોધવાનો હતો. આ વર્ષના નવેમ્બર મહિનામાં મુખ્યત્વે ગુજરાતમાંથી બિઝનેસ ડેલિગેશન મલાવીની મુલાકાત લેવાની ઘોષણા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ દરમિયાન ઇન્ડિયન ઇકોનોમિક ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના પ્રેસિડેન્ટ આસિફ ઈકબાલ જેવા મહત્વના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ હાજર હતા, જેમણે મલાવી સાથેના વ્યવસાયિક સંબંધો માટે સંસ્થાના વિઝન વિશે વાત કરી હતી. ઉપરાંત ટ્રેડ કમિશનર- ઝિમ્બાબ્વે, શ્રી બૈજુ એમ કુમાર, વાઇસ એડમિરલ (રિટાયર્ડ) અજીત કુમાર, પ્રખ્યાત સીએ, શ્રી ટી.કે. ટેકવાણી પણ હાજર રહ્યાં હતા.
હાઈ કમિશનર શ્રી લિયોનાર્ડ મેંગેઝી અને પ્રતિનિધિઓએ સુનિલ રાજદેવ, દૈવિક શાહ અને IATC અને IETO ના સભ્યો સાથે બે દેશો વચ્ચેના વેપારને મજબૂત કરવા અને આગળના માર્ગ નકશા વિશે વિગતવાર ચર્ચા કરી હતી. શ્રી મોહિત શ્રીવાસ્તવ, ડાયરેક્ટર – ઇન્ડિયન ઇકોનોમિક ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એ મલાવી સાથે ભારતની કનેક્ટિવિટી સમજાવવા માટે પ્રારંભિક વ્યક્તવ્ય આપ્યું હતું. માનનીય સુનિલ રાજદેવે ભારત અને માલાવી વચ્ચે આઇટી, ફાર્મા, એજ્યુકેશન વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ વધારવા પર ભાર મૂક્યો હતો. શ્રી દૈવિક શાહ એ ગુજરાતની પ્રતિષ્ઠિત ઓફિસમાંથી ભારત મલાવી ટ્રેડ કોન્ફરન્સને લગતી તમામ માહિતી પૂરી પાડી હતી.