22મીથી શ્રીમદ્ ભાગવત કથામૃત અને ભવિષ્ય માલિકા મહાસભાનું આયોજન

સુરત: વિશ્વમાં સનાતન ધર્મની સ્થાપના માટે અવિરત કાર્ય કરી રહેલ એવા ઓરિસ્સા – ભુવનેશ્વરના વૈકુંઠધામ સેવાશ્રમ ટ્રસ્ટ દ્વારા સુરતના આંગણે શ્રીમદ્ ભાગવત કથા અને ગુપ્તગ્રંથ ભવિષ્ય માલિકાનું જાહેર વાંચન અને કથાનું આયોજન કરવામાં આવ્યું છે. લિંબાયતના ગોડાદરા ત્રણ રસ્તા પાસે મહર્ષિ આસ્તિક સાર્વજનિક હાઈસ્કૂલના પ્રાંગણમાં તારીખ 22 થી 28મી મે સુધી આ આયોજન કરવામાં આવ્યું છે. વ્યાસપીઠ પરથી પંડિત કાશીનાથ મિશ્રજી કથાનું રસપાન સાથે જ કળયુગના અંત વિશે વ્યાખ્યાન આપશે.

આ પહેલા 21મી મે રવિવારના રોજ ભગવાન જગન્નાથની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કથા સ્થળેથી શોભાયાત્રાની શરૂઆત થઈ હતી અને વિવિધ સોસાયટીઓ અને મોહલ્લમાંથી પસાર થઈ કથા સ્થળે શોભાયાત્રાનું સમાપન થયું હતું. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. 22મી થી પંડિત કાશીનાથ મિશ્રજીના મુખારવિંદ થી સાંજે 5 થી રાત્રે 8 વાગ્યા સુધી શ્રીમદ્ ભાગવાતમનું રસપાન થશે. કથાના મુખ્ય આકર્ષણ જોઈએ તો 1000 થી વધુ ભક્તો દ્વારા શ્રીમદ્ ભાગવતમનું પઠન કરવામાં આવશે. સાથે જ પ્રભાત ફેરી અને શંખનાદ, વૈદિક વિધિ સાથે ત્રિકાળ સંધ્યા, જગન્નાથ પૂજા અને મહાપ્રસાદ વિતરણ અને 600 વર્ષ જૂની ભવિષ્ય માલિકા પર વિચાર વગેરે રહશે. જ્યારે પંડિત કાશીનાથ મિશ્રજીની અમૃત વાણીમાં બ્રહ્મ વૈવર્ત પુરાણ, વાયુ પુરાણ, મનસ્મૃતિ , ગર્ગ સંહિતા, સૂર્ય સિદ્ધાંત, અને નિર્ણય સિંધુના જ્ઞાનની ગંગા વહેશે.