ડૉક્ટરપ્રેન્યોર કોન્ફરન્સને અભૂતપૂર્વ સફળતા – 300થી વધુ ડેલિગેટ્સ અને દેશના અગ્રણી ફેકલ્ટીની ઉપસ્થિતિ
સુરતમાં યોજાયેલી “ડૉક્ટરપ્રેન્યોર 2026” કોન્ફરન્સને અભૂતપૂર્વ સફળતા મળી હતી. આ અનોખા કાર્યક્રમમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિત વિવિધ રાજ્યોમાંથી આશરે 300 જેટલા ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઓડિટોરિયમ ખચાખચ ભરાયેલું રહ્યું અને તમામ ડેલિગેટ્સે શરૂઆતથી અંત સુધી સતત છ કલાક સુધી ચાલેલા વિચારમંથનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કોન્ફરન્સમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી આવેલા આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવતા ફેકલ્ટી સભ્યો – ડૉ. પરવીન ભાટિયા, ડૉ. આદર્શ ચૌધરી, ડૉ. રોય પટણકર, ડૉ. શૈલેષ પુન્ટામ્બેકર, ડૉ. રાજ નાગરકર, ડૉ. ભીખુભાઈ પટેલ, શ્રી રાજેશ યાદવ તથા ઓનલાઈન ફેકલ્ટી તરીકે ડૉ. પ્રવીણ રાજ – એ ડૉક્ટરો કેવી રીતે સફળ ઉદ્યોગસાહસિક (Entrepreneur) બની શકે, તે માટે જરૂરી દૃષ્ટિકોણ, તકો, પડકારો, જોખમો અને તેના ઉકેલો અંગે અત્યંત રસપ્રદ અને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.
કોન્ફરન્સના ચેરમેન ડૉ. એમ. એમ. કુરેશીએ જણાવ્યું હતું કે, “ઓડિટોરિયમમાં ડેલિગેટ્સની સો ટકા હાજરી અને સતત છ કલાક સુધી એકાગ્રતાપૂર્વક થયેલો વિચારવિનિમય એ સ્પષ્ટ દર્શાવે છે કે ડૉક્ટરો માટે ઉદ્યોગસાહસિકતા વિષયની જરૂરિયાત આજે એટલી જ મહત્વપૂર્ણ બની ગઈ છે જેટલી આધુનિક મેડિકલ ટેક્નોલોજીની છે.”

તેમણે વધુમાં જણાવ્યું કે, આજના સમયમાં કોર્પોરેટ આરોગ્ય ક્ષેત્રમાં નફાકીય આંકડાઓને વધુ મહત્વ આપવામાં આવે છે અને ઘણી વખત ડૉક્ટરોને માત્ર એક સાધન તરીકે જોવામાં આવે છે. જ્યારે ડૉક્ટર પોતે સફળ ઉદ્યોગસાહસિક બને છે ત્યારે તેનું કેન્દ્રબિંદુ દર્દીઓના આરોગ્યમાં ગુણવત્તાસભર સુધારો લાવવાનું હોય છે, માત્ર નફો કમાવવાનું નહીં. આ જ સંદેશ સમગ્ર કોન્ફરન્સનો મુખ્ય આધાર રહ્યો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા માટે ડૉ. કેયુર ભટ્ટ, ડૉ. વિક્રમ લોટવાલા, ડૉ. ધવલ માંગુકિયા, ડૉ. તેજસ પટેલ, શ્રી ધર્મેન્દ્ર ધનાણી, ડૉ. રામ રક્ષપાલ, ડૉ. મનીષ મહેતા, ડૉ. જીતેન્દ્ર નવડિયા સહિત સમગ્ર આયોજન ટીમે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું અસરકારક સંચાલન ડૉ. કેયુર ભટ્ટએ કર્યું હતું, જ્યારે આભારવિધિ ડૉ. વિક્રમ લોટવાલાએ વ્યક્ત કરી હતી.
અંતમાં ડૉ. કુરેશીએ આશા વ્યક્ત કરી હતી કે ડૉક્ટરપ્રેન્યોર જેવી પ્રેરણાદાયી કોન્ફરન્સો દેશના તમામ રાજ્યોમાં યોજાય, જેથી વધુને વધુ ડૉક્ટરો સફળ ઉદ્યોગસાહસિક બની આરોગ્યસેવાને વધુ સશક્ત અને દર્દીકેન્દ્રિત બનાવી શકે.