ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઓલપાડ ઝોન ચેમ્પિયન

(સારસ્વત કપ સીઝન – ૯ માં રાજનગરનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર રાકેશ પટેલની હેટ્રિક)

ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત તાલુકામાં ફરજ બજાવતા શિક્ષકો માટે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ઓલપાડ સ્થિત એ.કે.ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી હતી. ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત આ નવમી ક્રિકેટ ટુર્નામેન્ટ ઓલપાડ, કુદિયાણા, કીમ અને સાયણ એમ ચાર ઝોનમાં રમાડવામાં આવી હતી. જેમાં તાલુકાનાં પ્રાથમિક શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ટુર્નામેન્ટનાં ઉદ્ઘાટન પ્રસંગે સૌને સંબોધતા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે આવા વિશિષ્ટ આયોજનથી શિક્ષકો તેનાં રૂટિન કાર્યબોજથી હળવાફૂલ થશે, સાથે શિક્ષકો-શિક્ષકો વચ્ચે નવા સંબંધો પ્રસ્થાપિત થશે, તેમનાં વચ્ચે આત્મીયતા અને ભાઈચારો કેળવાશે જેનાથી તેમનામાં કાર્ય કરવાનું ચોકકસ નવું બળ ઉમેરાશે. આ સાથે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવભાઈ પટેલે પોતાનાં પ્રાસંગિક વકતવ્યમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરી શાળામાં શિક્ષણની સાથોસાથ પોતાનાં બાળકોને પણ રમત ક્ષેત્રે નવી દિશા ચીંધવા અનુરોધ કર્યો હતો.
ટુર્નામેન્ટની તમામ લીગ મેચ બાદ પ્રથમ સેમી ફાઇનલ કુદિયાણા ઝોન અને ઓલપાડ ઝોન વચ્ચે રમાઈ હતી. જેમાં ઓલપાડ ઝોનનો વિજય થયો હતો. જયારે બીજી સેમી ફાઈનલ કીમ ઝોન અને સાયણ ઝોન વચ્ચે રમાઈ હતી. જેમાં કીમ ઝોનનો વિજય થયો હતો. ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં ઓલપાડ ઝોન અને કીમ ઝોનની ટીમો ટકરાઈ હતી. ઓલપાડ ઝોને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ૧૦ ઓવરમાં ૧૦૪ રન કર્યા હતા. કીમ ઝોન આ લક્ષ્યાંકનો પીછો કરતાં નિર્ધારિત ૧૦ ઓવરમાં ૫ વિકેટ ગુમાવી ફક્ત ૮૭ રન બનાવી શકી હતી. આમ આ આંતર ઝોન ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઓલપાડ ઝોનની ટીમ ચેમ્પિયન બની હતી. ટુર્નામેન્ટનાં અંતે રાજનગરનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર રાકેશ પટેલ ‘બેસ્ટ બોલર’ તરીકે તથા કીમામલી પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષક ‘બેસ્ટ બેટસમેન’ તરીકે જાહેર થયા હતાં. જયારે ઓલપાડનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર હર્ષદ ચૌહાણ ‘મેન ઓફ ધી સિરિઝ’ ઘોષિત થયા હતાં.
અંતમાં મહાનુભાવોનાં હસ્તે વિજેતાઓને ચેમ્પિયન ટ્રોફીઓ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીન પટેલ, ઇન્ચાર્જ બીટ નિરીક્ષકો અમિત પટેલ તથા વિનોદ પટેલ, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાયમરી ટીચર્સ સોસાયટીનાં સેક્રેટરી મહેશ પટેલ તથા ભરત પટેલ તેમજ તાલુકા સંઘનાં મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર તથા હોદ્દેદારોએ ઉપસ્થિત રહીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતાં. મોટી સંખ્યામાં ઉપસ્થિત દર્શકોએ પણ આ ટુર્નામેન્ટ મન ભરીને માણી હતી. ટુર્નામેન્ટમાં કોમેન્ટ્રેટર તરીકે કીમ પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષક અશોક પટેલે જ્યારે સ્કોરર તરીકે સાયણ પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષક ચિંતન પટેલે ઉત્કૃષ્ટ સેવા આપી હતી. છેલ્લે આભારવિધિ ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં ઉપપ્રમુખ રાજેશ પટેલે કરી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.