સુરત એરપોર્ટ પર આઇડીટી અને રિધમ ગ્રુપ દ્વારા કરાયું એરોગરબાનું આયોજન

યાત્રીઓ સાથે જ ક્રુ મેમ્બરો અને એરપોર્ટ ના સ્ટાફે બોલાવી ગરબાની રમઝટ

સુરત. નવરાત્રી મહોત્સવમાં દરમિયાન જાણીતી ફેશન ડિઝાઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ આઇડીટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી અને રિધમ ગ્રુપ દ્વારા સુરત એરપોર્ટ પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનને “એરોગરબા” નામ આપવામાં આવ્યું હતું. સુરત એરપોર્ટ પર આવનારી દરેક ફ્લાઇટના મુસાફરો એરોગરબામાં સામેલ થયા હતા અને ગરબાની રમઝટ બોલાવી હતી. યાત્રીઓ સાથે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો સ્ટાફ અને ક્રુ મેમ્બરો પણ જોડાયા હતા. આ પ્રકારના આયોજન બદ્દલ સુરત એરપોર્ટ ના અધિકારીઓએ આયોજકોની ભરપૂર પ્રશંસા કરવામાં આવી હતી તો યાત્રીઓ પણ એરપોર્ટ પર ગરબાના તાલે ઝૂમી ખુશ જોવા મળ્યા હતા.

આયોજકોએ જણાવ્યું હતું કે આ આયોજનને “Aerogarba: Surat Airport’s Navratri Fiesta” તરીકે નામ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ થકી સુરત એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો શરૂ થાય અને સુરત એરપોર્ટ સંપૂર્ણ કક્ષાનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બને તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.આ પ્રસંગે એરપોર્ટ ના નિર્દેશક શ્રી રૂપેશ કુમાર અને આઈડીટીના ડાયરેક્ટર શ્રી અનુપમ ગોયલ ઉપસ્થિત રહ્યા હતા અને સૌનો ઉત્સાહ વધાર્યો હતો.