વી.એન.ગોધાણી સ્કૂલનો નવતર પ્રયોગ

શિક્ષકોના આઈડિયા અને વિચારો થકી બદલાશે સ્કુલનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષણ પદ્ધતિ 80 શિક્ષકોનું યોજાયું પ્રેઝન્ટેશન, વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો રહ્યા જજ તરીકે ઉપસ્થિત

સુરત: શહેરની વી.એન.ગોધાણી સ્કૂલ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં શિક્ષકોનું પ્રેઝન્ટેશન યોજી તેઓ શાળાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ પદ્ધતિમાં શું બદલાવ ઈચ્છે છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. શિક્ષકો દ્વારા રજૂ થયેલા આઈડિયા, નવા વિચારો અને સૂચનોને ધ્યાને લઇ હવે સ્કૂલમાં પરિવર્તન કરવામાં આવશે.

આ અંગે શાળાના ટ્રસ્ટી ગોવિંદભાઈ ધોળકિયા એ જણાવ્યું હતું કે શાળામાં શું પરિવર્તન કરવાની જરૂર છે, શિક્ષણ માટે શિક્ષકોને કઈ સમસ્યાઓ નડી રહી છે તે શિક્ષકો સિવાય બીજું કોઈ કહી શકે નહીં, ત્યારે શિક્ષકોને તેમના આઈડિયા, વિચારો અને સૂચનો રજૂ કરવા માટે સ્કૂલ દ્વારા એક પ્લેટફોર્મ પુરૂ પાડવામાં આવ્યું હતું. અવધ ઉટોપિયા ખાતે પ્રેઝન્ટેશન રજૂ કરવા કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં શાળાના જુનિયર કે જી થી માંડીને ધોરણ 12 સુધીના 80 જેટલા શિક્ષકોને પ્રેઝન્ટેશન રજૂ કરવા કહેવાયું હતું. આ પ્રેઝન્ટેશનની ખાસ વાત એ હતી કે શિક્ષકોને અત્યાર સુધી તેમને શું કર્યું અને શું કરી રહ્યા છે તે જણાવવાના બદલે તેઓ શાળામાં શું પરિવર્તન ઈચ્છે છે. શિક્ષણ પદ્ધતિમાં શું પરિવર્તન ઈચ્છે છે, તેમને શું સમસ્યા નડી રહી છે તે વિશે જાણવાનું હતું. એટલે કે નવા આઈડિયા, વિચારો અને સૂચનો જણાવવાના હતા. દરેક શિક્ષકને પ્રેઝન્ટેશન માટે 4 થી 6 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો.

આ નવતર પ્રયોગ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે, ટિચરોએ આપેલ વિચારો જ્યારે સ્કૂલમાં વાવેતર કરવામાં આવે ત્યારે ટિચરોને સ્કૂલ પ્રત્યે પોતાનાપણાનો ભાવ પ્રગટ થાય છે જેની સીધી અસર બાળકોના શિક્ષણમાં જોવા મળે છે. સાથે સાથે શિક્ષકનો વિચાર સ્કૂલમાં લાંબો સમય સુધી જીવંત રહે છે..

તમામ શિક્ષકો દ્વારા રજૂ કરતાં પ્રેઝન્ટેશન ને જજ કરવા માટે ફાઉન્ટન હેડ સ્કૂલના વરદાનભાઈ કાબરા, લેખક અને વિચારક મીતાબેન ઝવેરી,સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના વાઇસ ચેરમેન આશિષભાઈ વકીલ, જીવન ભારતી સ્કૂલના સેક્રેટરી અજીતભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ દ્વારા છ શ્રેષ્ઠ પ્રેઝન્ટેશન ને પસંદ કરાયા હતા અને આ છ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતાં.

વધુમાં સ્કૂલ ડાયરેક્ટર ભાવેશ લાઠીયા અને પ્રિન્સિપાલ દિવ્યા ગજજર દ્વારા જણાવ્યું હતું કે, શિક્ષકો દ્વારા સ્કૂલના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ને લઈ જે પણ આઈડિયા અને વિચારો રજૂ કરવામાં આવ્યા છે તે આર્કિટેક્ટ સમક્ષ મૂકી એક નવો પ્લાન બનાવી શાળામાં તે રીતનું પરિવર્તન કરવામાં આવશે. એવી જ રીતે શિક્ષણને લઈ રજૂ થયેલા આઈડિયા, વિચારો અને સૂચનો પર પણ નિષ્ણાંતો ટીમ ચર્ચા કરી તે મુજબનો બદલાવ કરવામાં આવશે.