નમો સંવેદના દિવસ: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ૭૬મા જન્મદિવસ નિમિત્તે SVNM ટ્રસ્ટનો ૨૦૦ નિઃશુલ્ક નેત્ર સર્જરીનો સંકલ્પ

સુપા, નવસારી ,૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ૭૬મા જન્મદિવસ નિમિત્તે, સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ (SVNM TRUST, સુપા,નવસારી ) દ્વારા સેવા અને સંવેદનાનો અનોખો સેવાયજ્ઞ આરંભવામાં આવ્યો છે. આ વિશેષ અવસરે SVNM ટ્રસ્ટે ૨૦૦ જરૂરિયાતમંદ દર્દીઓની સંપૂર્ણ નિઃશુલ્ક નેત્ર સર્જરી કરવાનો સંકલ્પ લીધો છે.

આ પહેલ ૨૦૦ જીવનમાં નવી રોશની પાથરી ૨૦૦ પરિવારોમાં ખુશી અને આશાનો સંચાર કરવાનો પવિત્ર પ્રયાસ છે. દૃષ્ટિ પુનઃસ્થાપિત થવી એટલે દર્દી માટે આત્મવિશ્વાસ, સ્વાવલંબન અને આત્મનિર્ભરતાથી ભરેલા એક નવા જીવનનો પ્રારંભ.

સેવાની અવિરત સરવાણી: ૪૯,૫૦૦થી વધુ સફળ સર્જરીઓ

નિવારી શકાય તેવા અંધત્વ (Preventable Blindness) સામે અવિરત સેવારત SVNM ટ્રસ્ટે અત્યાર સુધી ૪૯,૫૦૦થી વધુ નિઃશુલ્ક નેત્ર સર્જરીઓ સફળતાપૂર્વક સંપન્ન કરી છે. આ સેવાયજ્ઞ હોસ્પિટલના પરિસરથી આગળ વધીને છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે, જેમાં નિયમિત નિઃશુલ્ક નેત્ર તપાસ, ગુણવત્તાસભર સારવાર, ચશ્મા વિતરણ અને વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

‘ઘર-ઘર દૃષ્ટિ’ અભિયાન: પ્રત્યેક આંખને મળે રોશનીનો અધિકાર

ટ્રસ્ટનું મુખ્ય અભિયાન ‘ઘર-ઘર દૃષ્ટિ’ એવા ઉમદા ધ્યેય સાથે કાર્યરત છે કે સમાજના દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી ઉત્તમ સારવાર અને સ્નેહપૂર્ણ સહાય સહજતાથી પહોંચે, જેથી દરેક વ્યક્તિ પોતાના સપનાઓને ખુલ્લી આંખે સાકાર કરી શકે. ૨૦૦ નિઃશુલ્ક નેત્ર સર્જરીનો આ સંકલ્પ ‘ઘર-ઘર દૃષ્ટિ’ના આ મહા-અભિયાનને વધુ બળ આપતું એક સંવેદનશીલ કદમ છે.

૨૦૦ આંખો • ૨૦૦ જીવન • ૨૦૦ પરિવારો

 એક પિતા પોતાના વ્હાલસોયા સંતાનને ફરી જોઈ શકે,

એક માતા પોતાના સમગ્ર પરિવારના સ્નેહાળ ચહેરાઓ ફરી નિહાળી શકે,

અને વડીલો પોતાના પૌત્ર-પૌત્રીના સ્મિતનો આનંદ માણી શકે—

આવી અસંખ્ય ભાવુક ક્ષણોમાં જ આ સેવાયજ્ઞની ખરી સાર્થકતા સમાયેલી છે.

દૃષ્ટિ એટલે જીવનને ફરી ઉત્સાહ અને આત્મગૌરવ સાથે જીવવાની નવી દિશા.

સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ (SVNM TRUST)

સુપા, નવસારી, ગુજરાત

Save Vision. Save Life.