હીરાબાનું ખમકાર ફાઉન્ડેશન દ્વારા 100થી વધુ વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર વિતરણ, હવે ગુજરાતભરમાં 5,100 કોમ્પ્યુટર આપવાનો સંકલ્પ

સુરત: યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત અને દીકરા-દીકરીઓના શિક્ષણ તથા ઉજ્જવળ ભવિષ્ય માટે સતત કાર્યરત પીયુષભાઈ દેસાઈ અને હીરાબાનું ખમકાર ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ સેવાકીય પહેલ કરવામાં આવી છે.

ફાઉન્ડેશન દ્વારા સુરત શહેર તેમજ આસપાસના વિસ્તારોના 100થી વધુ અભ્યાસરત દીકરા-દીકરીઓને કોમ્પ્યુટરનું વિતરણ કરવામાં આવ્યું છે. આજના ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓ ટેક્નોલોજી સાથે જોડાઈને અભ્યાસ, કૌશલ્ય વિકાસ અને રોજગારની નવી તકો મેળવી શકે તે મુખ્ય હેતુથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

પીયુષભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, “આજના યુગમાં કોમ્પ્યુટર શિક્ષણનું એક મહત્વપૂર્ણ સાધન બની ગયું છે. આર્થિક પરિસ્થિતિના કારણે ગુજરાતનો કોઈ પણ દીકરો કે દીકરી ડિજિટલ શિક્ષણથી વંચિત ન રહે, એ અમારો સંકલ્પ છે.”

ગુજરાતભરમાં 5,100 કોમ્પ્યુટર વિતરણનું આગામી લક્ષ્ય

હીરાબાનું ખમકાર ફાઉન્ડેશન દ્વારા સુરતમાં શરૂ થયેલી આ પહેલને હવે સમગ્ર ગુજરાત સુધી પહોંચાડવાની તૈયારી કરવામાં આવી રહી છે. આગામી સમયમાં ગુજરાતભરના જરૂરિયાતમંદ અને અભ્યાસરત દીકરા-દીકરીઓને કુલ 5,100 કોમ્પ્યુટર વિતરણ કરવાનો સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા લેવામાં આવ્યો છે.

આ અભિયાન દ્વારા શહેરોની સાથે ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓ સુધી પણ ડિજિટલ શિક્ષણના સાધનો પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.

પીયુષભાઈ દેસાઈ અને હીરાબાનું ખમકાર ફાઉન્ડેશનનો સંકલ્પ છે કે “દીકરો હોય કે દીકરી — શિક્ષણમાં કોઈ પાછળ ન રહે અને ટેક્નોલોજીથી કોઈ વંચિત ન રહે.”

શિક્ષણ દ્વારા સશક્ત સમાજ અને સશક્ત ગુજરાતના નિર્માણ માટે ફાઉન્ડેશન આગામી સમયમાં પણ વિવિધ શૈક્ષણિક અને સમાજસેવાના કાર્યોને વધુ વ્યાપક સ્તરે આગળ વધારશે.